અમદાવાદ-ભાવનગર બ્રૉડગેજ પ્રોજેક્ટમાં વિલંબ, ટ્રેન માટે રાહ જોવી પડશે

30 July, 2019 07:47 AM IST  |  અમદાવાદ

અમદાવાદ-ભાવનગર બ્રૉડગેજ પ્રોજેક્ટમાં વિલંબ, ટ્રેન માટે રાહ જોવી પડશે

ફાઈલ ફોટો

અમદાવાદથી બોટાદ અને ભાવનગર જતા પ્રવાસીઓ માટે અતિ મહત્વના ગણાતા રેલવેના બ્રૉડગેજ પ્રોજેક્ટને એક વર્ષના વિલંબનું ગ્રહણ લાગ્યું છે. આ પ્રોજેક્ટ ડિસેમ્બર-૨૦૧૯માં પૂરો થવાનો હતો, પરંતુ બ્રૉડગ્રેજ કન્વર્ઝનની કામગીરી જે રીતે ચાલી રહી છે એ જોતાં આ કામ સમયસર પૂરું થાય એવી શક્યતા નથી, જેના કારણે હવે ટ્રેન શરૂ થાય એ માટે પ્રવાસીઓએ ઓછામાં ઓછું એક વર્ષ સુધી રાહ જોવી પડશે.

રેલવે વિકાસ નિગમ લિમિટેડ દ્વારા થઈ રહેલા આ પ્રોજેક્ટનું કામ ઑગસ્ટ ૨૦૨૦માં પૂરું થાય એવું નવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ વિશે રેલવે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગયા વર્ષ દરમિયાન લોલિયા દ્વીપમાં વરસાદને કારણે રેલવે ટ્રૅકને નુકસાન થયું હતું. અહીં ઉલ્લેખનીય છે કે રેલવે વિકાસ નિગમને બોટાદ અમદાવાદ રેલવે મીટર ગેજ ટ્રૅકને બ્રૉડગેજમાં ફેરવવાનું કામ સોંપાયું છે. અમદાવાદ શહેરમાંથી પસાર થતા ટ્રૅક પર હજી માટીકામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો : દ. ગુજરાતમાં ભારે વરસાદ, 10 કોઝવે પર પાણી ફરી વળ્યાં, નદીઓ બે કાંઠે વહી

અગાઉ તંત્ર દ્વારા એવી જાહેરાત કરાઈ હતી કે બોટાદ-અમદાવાદ વચ્ચે રેલવેની મીટરગેજ લાઇનનું બ્રૉડગેજમાં રૂપાંતર કરવામાં આવી રહ્યું છે. બ્રૉડગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ છ મહિનામાં પૂર્ણ કરીને ડિસેમ્બર ૨૦૧૯થી ટ્રેન વ્યવહાર શરૂ કરાશે. અમદાવાદ-ભાવનગર વચ્ચેના રેલવે બોટાદ બ્રૉડગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું કામ ચાલુ હોવાને કારણે અમદાવાદ-ભાવનગર વચ્ચે મુસાફરી કરવા ઇચ્છતા પ્રવાસીઓને આધુનિક સુવિધાવાળી ટ્રેનો હવે આ વર્ષે નહીં પણ આવતા વર્ષે મળશે.

ahmedabad bhavnagar gujarat