૯૦ વર્ષના સાહિત્યકાર મોહમ્મદ માંકડને ઘરે જઈને નવાજ્યા રૂપાણીએ

30 November, 2019 09:27 AM IST  |  Gandhinagar

૯૦ વર્ષના સાહિત્યકાર મોહમ્મદ માંકડને ઘરે જઈને નવાજ્યા રૂપાણીએ

ગુજરાતના જાણીતા સાહિત્યકાર મોહમ્મદ માંકડને સાહિત્ય ગૌરવ પુરસ્કાર અર્પણ કરી રહેલા ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા.

ગુજરાતના ૯૦ વર્ષના જાણીતા સર્જકના ઘરે જઇને તેમનું સન્માન કરવાની અનોખી અને આવકારદાયક ઘટના ગાંધીનગરમાં બની હતી.જેમાં ગુજરાતી સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન માટે ગુજરાતના જાણીતા સાહિત્યકાર મોહમ્મદ માંકડને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૧૮ના વર્ષનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમના ઘરે ગયા હતા અને સાહિત્યકારો – સર્જકોની ઉપસ્થિતિમાં તેમના ઘર આંગણે સન્માન સમારંભ યોજીને આદર સાથે પુરસ્કાર અર્પણ કર્યો હતો.
ગાંધીનગરમાં આવેલા મોહમ્મદ માંકડના નિવાસ સ્થાને યોજાયેલા ગૌરવશાળી સમારંભમાં સાહિત્યકાર મોહમ્મદ માંકડનું ઉચિત સન્માન કર્યા બાદ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે મોહમ્મદ માંકડે ૭ દાયકાથી વધુ સમયથી સંસ્કારી અને ચિંતનાત્મક સાહિત્ય સર્જનથી ગુજરાતી સાહિત્ય – ભાષા જગતની ઉત્તમોત્તમ સેવા કરી છે.તેમણે અવિરત અને એકધારૂં યોગદાન આપીને પોતાની લેખની દ્વારા સમગ્ર ગુજરાતી સાહિત્યને ઉજાળ્યું છે.તેઓ હજુ વધુ સુંદર - ઉત્કૃષ્ટ સાહિત્ય આપણને આપે તથા નવી પેઢીમાં સાહિત્ય – સંસ્કારના સિંચનમાં અવિરત પ્રદાન કરતા રહે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.

gujarat gandhinagar Vijay Rupani