નબીરાને કારણે પરિવાર થયા નોધારા

21 July, 2023 01:37 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદમાં ઇસ્કૉન બ્રિજ પર ૨૦ વર્ષના તથ્ય પટેલે ફુલ સ્પીડે કાર હંકારીને અકસ્માત સર્જતાં બે પોલીસ-કર્મચારી, એક હોમગાર્ડ સહિત નવ જણ ફંગોળાયા, પોલીસ બનીને માતા-પિતાને સુખનો સંતોષ આપવાનું નીલેશ ખટીકનું સપનું રોળ્યું કાર-અકસ્માતે

આ તસવીર વિચલિત કરી શકે છે – અમદાવાદમાં બુધવારે રાત્રે થયેલા ભયાનક અકસ્માતમાં વેરવિખેર પડેલા મૃતદેહ.


અમદાવાદ ઃ ઘરકામ કરતી માતા અને રિક્ષા ચલાવતા પિતા ઘરે બેસીને શાંતિથી જીવન પસાર કરે એ માટે પોલીસની એક્ઝામની તૈયારી કરી રહેલા અને હોમગાર્ડમાં ફરજ બજાવતા અમદાવાદના ૨૪ વર્ષના નીલેશ ખટીકનું ગઈ કાલે શહેરમાં થયેલા કાર-અકસ્માતમાં મૃત્યુ થતાં તેનું સપનું રોળાયું છે. અમદાવાદના ઇસ્કૉન બ્રિજ પર બુધવારે મોડી રાતે ૨૦ વર્ષના તથ્ય પટેલે ફુલ સ્પીડે કાર હંકારીને અકસ્માત સર્જતાં બે પોલીસ-કર્મચારી, એક હોમગાર્ડ સહિત નવ જણા ફંગોળાયા હતા અને ૧૨૦ મીટર સુધી ઘસડાઈને કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. પોલીસે કારચાલક તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
નીલેશ ખટીકના કઝિન બ્રધર રાકેશ ચૌહાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નીલેશ બ્રિજ પર અકસ્માત થયો હોવાથી પોલીસની મદદ માટે ઊભો રહી ગયો હતો. એ દરમ્યાન પાછળથી પૂરઝડપે એક કાર આવી હતી અને અકસ્માત સર્જાયો હતો જેમાં નીલેશનું પણ મૃત્યુ થયું હતું. તે પોલીસની એક્ઝામની તૈયારી કરી રહ્યો હતો. તેને પોલીસ બનવું હતું. નીલેશ મને કહેતો હતો કે હું પોલીસની એક્ઝામમાં પાસ થઈને નોકરી મેળવીને મારી મમ્મીને ઘરકામ નહીં કરવા દઉં અને મારા પપ્પાને રિક્ષા ચલાવવાની મહેનત નહીં કરવા દઉં.’ બુધવારે રાત્રે અમદાવાદના ઇસ્કૉન બ્રિજ પર એક જીપ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેના કારણે બે પોલીસ-કર્મચારીઓ, એક હોમગાર્ડનો જવાન તેમ જ લોકો મદદ માટે ઊભા હતા. આ દરમ્યાન તથ્ય પટેલ તેના મિત્રોને કારમાં બેસાડીને પૂરઝડપે આવીને આ બધાને પાછળથી કાર અથડાવી હતી. 

gujarat news ahmedabad road accident