સોમનાથ મંદિરનાં મહિને ૬.૫૦ કરોડ મુલાકાતીઓ વર્ચ્યુઅલ દર્શન કરે છે

24 July, 2021 02:22 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આ વિક્રમસંખ્યાને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળે એ માટે કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે

પ્રતીકાત્મક તસવીર

વિશ્વપ્રસિદ્ધ બાર જ્યોતિર્લિંગના પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરનાં વિશ્વના ૪૭થી પણ વધુ દેશોમાં સોશ્યલ મીડિયા દ્વારા દર્શન કરવામાં આવે છે અને દર મહિને સોશ્યલ મીડિયા પર ૬.૫૦ કરોડ મુલાકાતીઓ સોમનાથ દાદાનાં દર્શન કરી રહ્યા છે.

વિક્રમજનક શિવભક્તોના પ્રતિસાદ વિશે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણ લહેરી કહે છે કે સોશ્યલ મીડિયા ઉપર દર મહિને ૬.૫૦ કરોડ મુલાકાતીઓ સાથે આ વિક્રમસંખ્યાને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળે એ માટે કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે.

એટલું જ નહીં, તેમના જણાવ્યા અનુસાર બીજી જુલાઈએ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ટ્રસ્ટી અમિત શાહને રૂબરૂ દિલ્હી ખાતે મળી વિનંતી કરી હતી કે સમુદ્ર દર્શન માર્ગ અને નવીનીકરણ થયેલા માતોશ્રી અહલ્યાદેવી મંદિર અને મંદિર શિલ્પ સ્થાપત્યને આગવી રીતે રજૂ કરતા સંગ્રહાલય-મ્યુઝિયમનું લોકાર્પણ કરવા તેઓ સમય ફાળવે, જેમાં તેઓ રૂબરૂ શક્ય નહીં બને તો વર્ચ્યુઅલ લોકાર્પણ કરવા માટેની તારીખ જણાવશે એમ તેમણે અંતમાં જણાવ્યું હતું.

gujarat somnath