ઉદયપુરના રિસોર્ટમાં 59 ગુજરાતીઓ જુગાર રમતા ઝડપાયા

27 July, 2020 07:37 AM IST  |  Udaipur | Gujarati Mid-day Online Correspondent

ઉદયપુરના રિસોર્ટમાં 59 ગુજરાતીઓ જુગાર રમતા ઝડપાયા

પ્રતીકાત્મક તસવીર

શ્રાવણ મહિનામાં પત્તા રમવાની પ્રથા છે પણ લોકો એ પ્રથાને જુગાર સમજી બેસે છે. રાજસ્થાનના ઉદયપુરમાં આવેલી એક હોટેલમાં જુગાર અને સટ્ટો રમવા માટે મુંબઈ અને અમદાવાદથી લોકો આવ્યા હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસે આ માહિતી મળતાં જ ઉદયપુરની ઉદયબાગ હોટેલમાં જુગાર રમતાં 59 ગુજરાતીઓની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે 20 લોકો નાસી જવામાં સફળ રહ્યાં હતાં. જુગારીઓમાં મોટા ભાગના અમદાવાદી હતાં અને તેમાંથી કેટલાક મુંબઈના પણ હતાં.

સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે, ઉદયપુરની ઉદયબાગ હોટેલમાં અમદાવાદ, મુંબઈ અને ગુજરાતની અલગ અલગ જગ્યાએથી 100થી વધુ લોકો આવ્યાં હતાં. તેઓ કસિનો સ્ટાઈલમાં જુગાર રમી રહ્યાં હતાં. અદ્યતન સુવિધા સાથે આ જુગારધામ ચાલતું હતું. પોલીસે ગઈકાલે રાત્રે 11 વાગ્યે રિસોર્ટમાં રેડ પાડી હતી. જેમાં 59 જુગારીઓ ઝડપાયાં હતાં. જ્યારે 20 જુગારીઓ ભાગી જવામાં સફળ રહ્યાં હતાં. પકડાયેલા જુગારીઓમાં મોટાભાગના અમદાવાદના છે અને ગુજરાતી જ છે. પોલીસે જ્યારે હોટેલમાં દરોડા પાડયા ત્યારે રિસોર્ટના પોર્ચ અને પરિસરમાં બે ડઝનથી વધુ વૈભવી કારનો કાફલો જોવા મળ્યો હતો. પોલીસે રિસોર્ટમાંથી એકપણ જુગારી ભાગે નહીં એ માટે રિસોર્ટની આસપાસ પણ જવાનો તહેનાત કર્યા હતા. તેમ છતાં 20 જુગારી ભાગી છૂટ્યા હતા. પોલીસે રાત્રે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી રિસોર્ટમાં તપાસ કરી હતી. જે લોકોને પોલીસ પકડ્યા હતા તેમને પોલીસ મથકે લઇ જવા માટે લોડિંગ ટેમ્પોની વ્યવસ્થા કરવી પડી હતી. 6 ગ્રુપ બનાવીને રિસોર્ટમાં જુગાર રમાડવામાં આવી રહ્યો હતો. દરેક ગ્રુપમાં 10 જુગારીઓને બેસાડવામાં આવતા હતા.

gujarat rajasthan udaipur