૫૬ વર્ષનાં બ્રેઇન-ડેડ મહિલાનાં અંગદાનથી પાંચ વ્યક્તિઓને મળ્યું નવજીવન

12 January, 2020 10:06 AM IST  |  Mumbai Desk

૫૬ વર્ષનાં બ્રેઇન-ડેડ મહિલાનાં અંગદાનથી પાંચ વ્યક્તિઓને મળ્યું નવજીવન

પ્રતીકાત્મક તસવીર

ભેસ્તાન વિસ્તારમાં આવેલી જાનકી પાર્ક સોસાયટીમાં ૫૬ વર્ષના દીપિકાબહેન રાજેન્દ્રભાઈ અગ્રવાલ પરિવાર સાથે રહેતાં હતાં. ૮ જાન્યુઆરીએ દીપિકાબહે ઘરે જૂસ પી રહ્યાં હતાં ત્યારે અચાનક ચક્કર આવતાં પડી જતાં માથામાં ઈજા થવાથી બેભાન થઈ ગયાં હતાં જેથી તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. તપાસમાં મહિલાના બ્રેઇનમાં હૅમરેજ અને લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ ક્રેનિયોટૉમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો. જોકે ૧૦ જાન્યુઆરીએ દીપિકાબહેનને બ્રેઇન-ડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં.

દીપિકાબહેનને બ્રેઇન-ડેડ જાહેર કરાતાં ડોનેટ લાઇફની ટીમ ત્યાં પહોંચી હતી અને પરિવારને અંગોના દાન વિશે માહિતી આપી હતી. પરિવારે જણાવ્યું હતું કે અંગદાન વિશે ઘણી વાર વાંચતા હતા ત્યારે દીપિકાબહેન હંમેશાં કહેતાં હતાં કે હું બ્રેઇન-ડેડ થઈ જાઉં તો મારાં અંગોનું દાન કરીને ઑર્ગન નિષ્ફળતાના દરદીઓને નવજીવન આપજો, જેથી તેમની ઇચ્છા પ્રમાણે અંગદાન માટે સંમતિ આપીએ છીએ.
પરિવાર દ્વારા સંમતિ આપવામાં આવતાં અમદાવાદની કિડની હૉસ્પિટલે કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું હતું, જ્યારે ચક્ષુઓનું દાન લોકદૃષ્ટિ ચક્ષુ બૅન્કે સ્વીકાર્યું હતું. બન્ને કિડની અને લિવરનું અમદાવાદની કિડની હૉસ્પિટલમાં ત્રણ વ્યક્તિનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ અંગદાનથી દીપિકાબહેને પાંચ વ્યક્તિને નવજીવન આપ્યું હતું.

surat organ donation