સાડાત્રણ મહિનાનું રિસર્ચ અને લેહ સુધીની જર્ની કરીને અંબાજી મંદિર માટે બનાવાઈ વિશેષ ચામર

10 February, 2023 09:20 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

લેહથી ૨૦૦ કિલોમીટર દૂર સોમોરીરીથી આગળ જોવા મળતી દુર્લભ ચામરી ગાયની પૂંછડીના વાળમાંથી અમદાવાદના જય ભોલે ગ્રુપે બનાવી ચામર, અંબાજીમાં શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ચામર કરશે અર્પણ

સફેદ ચામરી ગાયની પૂંછડીના વાળમાંથી બનાવેલી ચામરને બૉક્સ સાથે દીપેશ પટેલ.

અમદાવાદ : વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં આવેલા અંબે માતાજીના મંદિરમાં ચામર અર્પણ કરવા માટે અમદાવાદના જય ભોલે ગ્રુપે સાડાત્રણ મહિનાની મહેનત કરીને હિમાલયના પહાડોની વચ્ચે લેહથી ૨૦૦ કિલોમીટર દૂર આવેલા સોમોરીરીથી આગળ જઈને ત્યાં જોવા મળતી દુર્લભ કહી શકાય એવી ચામરી ગાયને શોધીને એની પૂંછડીના વાળમાંથી ચામર બનાવી છે અને એ ચામર અંબાજીમાં યોજાનારા શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં અર્પણ કરાશે.

જય ભોલે ગ્રુપના દીપેશ પટેલે 

‘મિડ-ડે’ને કહ્યું કે ‘અંબાજી માતાજીને ચામર આપવાનું અમે નક્કી કર્યું હતું, પરંતુ એ ચામર પવિત્ર હોવી જોઈએ એવો આગ્રહ રાખીને અમે એ માટે રિસર્ચ હાથ ધર્યું હતું. શાસ્ત્રોમાં જણાવાયું છે કે સફેદ ચામરી ગાયની પૂંછડીના વાળમાંથી ચામર બને છે. સાડાત્રણ મહિનાના રિસર્ચના અંતે અમને અરુણાચલ પ્રદેશ તેમ જ લેહ સાઇડે ચામરી ગાયો હોવાની તેમ જ પૂંછડીના વાળની સ્ટ્રેન્ગ્થ સહિતની જાણકારી મળી હતી એટલે અમે ડિસેમ્બરમાં લેહ ગયા હતા. આ વિસ્તારમાં પશુપાલકો ગાય રાખે છે એમાં ચામરી ગાય પણ જોવા મળે છે, જે સફેદ હોય છે. જે નર કે માદા ન હોવી જોઈએ એવી ચામરી ગાયની પૂંછડીના વાળમાંથી જ ચામર બને તો પવિત્રતા જળવાય. આવી ચામરી ગાય બહુ ઓછી જોવા મળે તેમ જ પશુપાલકો સ્થાનિક ભાષા જ જાણે એટલે અમે લેહથી લામાને અમારી સાથે રાખ્યા હતા. સ્થાનિક લોકો તેમનું માન રાખતા હોય છે. તેમને ચામર બનાવવા પાછળનો ઉદ્દેશ જણાવ્યો હતો એટલે લામાએ લેહથી ૨૦૦ કિલોમીટર દુર સોમોરીરીથી પણ આગળ ખુલ્લાં મેદાનોમાં ગાયો ચરાવતા પશુપાલકો પાસે લઈ ગયા હતા. અહીં અમને બે સફેદ ગાય મળી હતી. લામા અમારી સાથે ટ્રાન્સલેટર તરીકે રહ્યા હતા અને તેણે ચામરી ગાયની પૂંછડીના વાળમાંથી બનતા ચામરની વાત પશુપાલકોને કરી હતી. પશુપાલકો અંબાજી મંદિરની તેમ જ ચામરની પવિત્રતાની વાત સાંભળીને ખુશ થયા હતા અને એક પણ પૈસો લીધા વગર સફેદ ચામરી ગાયના વાળ અમને આપ્યા હતા. આ ગાયના વાળ લઈને અમે પાછા ફર્યા હતા અને ૩૦૦ ગ્રામ વાળમાંથી ૬ ગાંઠવાળી ચામર બનાવી છે. અંબાજીમાં યોજાનારા પરિક્રમા મહોત્સવના પ્રારંભમાં આ ચામર અમે અર્પણ કરીશું.’

તેમણે વધુમાં કહ્યું કે ‘અમે જ્યારે અમદાવાદથી નીકળ્યા ત્યારે અંબેમાને પ્રાર્થના કરી હતી કે મા તમે ગાયને પસંદ કરજો અને અમને સફેદ ચામરી ગાય મળી જાય એવા આશીર્વાદ આપજો. અંબેમાએ અમારી પ્રાર્થના સાંભળી અને ચામરી ગાય અમને મળી અને આ ગાયની પૂંછડીમાંથી અમે ચામર બનાવી છે.’

અંબાજીમાં ગબ્બર ખાતે ૧૨થી ૧૬ ફેબ્રુઆરી દરમ્યાન શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાઈ રહ્યો છે એમાં મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે આ પવિત્ર ચામર અંબે માતાજીનાં ચરણોમાં અર્પણ કરીને ચામરયાત્રા યોજાશે. 

gujarat news ahmedabad shailesh nayak