કુખ્યાત વોન્ટેડ અલ્લારખાને ઝડપનાર ATS ની 4 વીરાંગનાઓનું સન્માન થયું

26 June, 2019 03:32 PM IST  |  Rajkot

કુખ્યાત વોન્ટેડ અલ્લારખાને ઝડપનાર ATS ની 4 વીરાંગનાઓનું સન્માન થયું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા એટીએસની 4 વીરાંગનાઓનું સન્માન થયું

Rajkot : મહિલાઓને તક મળે તો તે કોઇ પણ ક્ષેત્રમાં આગળ વધી શકે છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ સૌરાષ્ટ્રની 4 વીરાંગના બહેનોએ પુરૂ પાડ્યું હતું. આ તમામ ચારેય બહેનોનું બુધવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સન્માન કર્યું હતું. તાજેતરમાં જ ATS ની આ ચાર વીરાંગનાઓએ અલગ અલગ 23 જેટલા ગુનામાં વોન્ટેડ કુખ્યાત જુસબ અલ્લારખા નામના ગુનેગારને બોટાદના જંગલમાંથી ઝડપી પાડ્યો હતો. જેને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વીરાંગના બહેનોનો અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમનું ઉદ્દઘાટન અંજલિબેન રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

 

વિદ્યાર્થિનીઓને પ્રેરણા મળે તે માટે કાર્યક્રમનું આયોજન કરાયું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રો વાઇસ ચાન્સલેસર ડો.વિજય દેશાણીએ જણાવ્યું હતું કે, ATSમાં ફરજ બજાવતી સંતોકબેન ઓડેદરા, શકુંતલાબેન મલ, નીતમિકાબા ગોહિલ અને અરૂણાબેન ગામેતીએ વીરતાનું કામ કર્યું હોય તેના જીવન પરથી બીજી વિદ્યાર્થિનીઓને પણ પ્રેરણા મળે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કુલપતિ ડો.નીતિન પેથાણીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું અને મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં આ રીતે ઉજવણી કરવામાં આવી

આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શનનો સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્પીપાના ડો.શૈલેષભાઇ સગપરિયા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કઇ રીતે કરવી તેનું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું.

rajkot gujarat