કંડલા પોર્ટમાં ટૅન્કમાં બ્લાસ્ટ : ચારનાં મૃત્યુ

31 December, 2019 09:07 AM IST  |  Kandla

કંડલા પોર્ટમાં ટૅન્કમાં બ્લાસ્ટ : ચારનાં મૃત્યુ

કંડલા પોર્ટમાં ટૅન્કમાં બ્લાસ્ટ

કંડલા પોર્ટ ખાતે આવેલી આઇએમસીની ટૅન્ક નંબર ૩૦૩ નંબરના ટૅન્કરમાં અચાનક બ્લાસ્ટ સાથે ભયાનક આગ ભડકી ઊઠતાં નાસભાગ મચી ગઈ હતી. આ બ્લાસ્ટના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે ૪ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને બે લોકો હજી પણ ગુમ છે. આગની ઘટનાને પગલે ફાયરની ૧૦થી પણ વધારે ટીમ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગ અને સ્થાનિક પોર્ટ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. સતત પાણીનો છંટકાવ અને ફૉમિંગ કરવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે કંડલા પોર્ટ પર આઇએમસી આવેલી છે જેના ટૅન્ક ૩૦૩ નંબરની મેથેનોલની ટૅન્ક આવેલી છે. જોકે આ ટૅન્કમાં અચાનક બ્લાસ્ટ થતાં નાસભાગ મચી ગઈ હતી. જ્યારે આ ટૅન્ક પર કામ કરી રહેલા લોકો પૈકી ૪નાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે બે લોકો હજી પણ ગુમ છે. ટૅન્ક પર પાંચ લોકો કામ કરી રહ્યા હતા. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે તમામના શરીરનાં ચીથડાં ઊડી ગયાં હતાં. શરીરની ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી. ટૅન્કમાં ૨૦૦૦ મેટ્રિક ટન મેથેનોલનો જથ્થો ભરવામાં આવેલો હતો. એમાં અચાનક બ્લાસ્ટ સાથે ભયાનક આગ લાગી હતી.

ઘટનાને કારણે અફરાતફરી મચી ગઈ હતી. દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ ટ્રસ્ટનો ફાયર સ્ટાફ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ૧૦૮ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. આ ઉપરાંત પોર્ટ તંત્ર અને સ્થાનિક તંત્રના પણ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે. ફોમિંગ અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આસપાસમાં અન્ય પણ ઘણી ટૅન્ક આવેલી છે જેના કારણે જો આ આગ કાબૂમાં ન આવે તો અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.

આ પણ વાંચો : સુરત બજારમાં દેશી ડુંગળીની માગ ઘટીઃ તુર્કીના કાંદાની બોલબાલા

અત્રે ઉલ્લેખનીય છે કે ઇથેનોલનો પોર્ટ પર બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ ઇથેનોલ ડીઝલમાં મિક્સ કરીને એનું બાયોડીઝલ બનાવવામાં આવતું હોય છે. આ બાયોડીઝલ આધુનિક જમાનાનું ઇંધણ છે. જે ન માત્ર કિંમતમાં જ સસ્તું પડે છે, પરંતુ સાથે-સાથે ડીઝલ જેટલું એફિશિયન્ટ પણ છે માટે શિપમાં ફ્યુલિંગ કરતા સમયે આ મેથેનોલ ડીઝલમાં મિક્સ કરવામાં આવે છે. જોકે એ પણ જ્વલંતશીલ પ્રવાહી હોવાના કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.

gujarat kutch