સૌરાષ્ટ્રમાં ૩૭ ગામોને અલર્ટ કરવામાં આવ્યાં

07 August, 2022 01:04 PM IST  |  Mumbai | Shailesh Nayak

વરસાદથી ભાદર–2 ડૅમ અને દ્રોણેશ્વર ડૅમ ઓવરફ્લો, પ્રાચી તીર્થ માધવરાય મંદિરમાં પાણી ફરી વળ્યાં

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ : ગુજરાતમાં ગઈ કાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો હતો. રાજકોટ, જેતપુર, ધારી, ખાંભા, સાવરકુંડલા, વલસાડ, માંડવી સહિતના પંથકમાં વરસાદ થયો હતો. વરસાદને કારણે નવાં નીર આવતાં ભાદર–૨ ડૅમ અને દ્રોણેશ્વર ડૅમ ઓવરફ્લો થયા હતા. બીજી તરફ સરસ્વતી નદીમાં પૂરની સ્થિતિ ઊભી થતાં ગીર સોમનાથ પંથકમાં પ્રાચી તીર્થ માધવરાય મંદિરમાં નદીનાં પાણી ફરી વળ્યાં હતાં.
સૌરાષ્ટ્રમાં મેઘમહેરને કારણે ધોરાજીના ભૂખી ગામે આવેલો ભાદર–2 ડૅમ ઓવરફ્લો થતાં ડૅમનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો. ડૅમ ઓવરફ્લો થતાં ડૅમ સાઇટનાં ૩૭ ગામોને અલર્ટ કરાયાં હતાં. વરસાદને કારણે ગીર જંગલમાં પણ નાનાં-મોટાં ઝરણાંઓ વહેતાં થતાં નયનરમ્ય
દૃર્શ્યો સર્જાયાં હતાં. ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં વરસાદ પડતાં પાટી જતા કોઝવે પર પાણી ભરાઈ જતાં પાટી ગામ સંપર્ક વિહોળું થયું હતું.
ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૪ વાગ્યા સુધીમાં ૮૯ તાલુકાઓમાં ઓછા-વત્તા પ્રમાણમાં વરસાદ નોધાયો હતો. અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં બપોરે ૨થી ૪ વાગ્યાના બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જ્યારે જામકંડોરણા, ગણદેવી, વંથલી, ચોર્યાસી, ગારિયાધાર, અંકલેશ્વર, ઉમરાળા તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં અમરેલી, રાજકોટ, નવસારી, ભાવનગર, ભરૂચ, સુરત, જૂનાગઢ, વલસાડ, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી, ગીર સોમનાથ
સહિતના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો.

gujarat news Gujarat Rains