24 June, 2023 09:55 AM IST | Jamnagar | Gujarati Mid-day Correspondent
જામનગરમાં બિલ્ડિંગ ધરાશાયી થતાં એક બાળક સહિત ત્રણનાં મૃત્યુ
સૌરાષ્ટ્રના જામનગરમાં ગઈ કાલે ત્રણ માળનું એક બિલ્ડિંગ ધરાશાયી થતાં એક બાળકસહિત ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે જામનગરમાં આવેલી સાધના કૉલોનીમાં ત્રણ માળનો હાઉસિંગ બોર્ડનો એક જૂનો બ્લૉક એકાએક ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ બ્લૉક તૂટી પડતાં એમાં રહેતા લોકો કાટમાળમાં દટાયા હતા. જોકે આ ગંભીર ઘટનાની જાણ ફાયરબ્રિગેડને થતાં તેમણે રેસ્ક્યુ કામ હાથ ધરીને કાટમાળમાં દટાયેલા આઠ લોકોને બહાર કાઢ્યા હતા. આ ઘાયલ લોકોને ૧૦૮ ઍમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ આ દુર્ઘટનાની જાણ થતાં જ સાંસદ, વિધાનસભ્ય, અન્ય આગેવાનોસહિત કૉર્પોરેશન તેમ જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી. આખો એક બ્લૉક તૂટી પડતાં જેસીબી મશીનથી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી.