જંગલનો રાજા નથી સુરક્ષિત! ગુજરાતમાં 2 વર્ષમાં 222 એશિયાઈ સિંહોના મોત

18 July, 2019 03:11 PM IST  |  ગાંધીનગર

જંગલનો રાજા નથી સુરક્ષિત! ગુજરાતમાં 2 વર્ષમાં 222 એશિયાઈ સિંહોના મોત

જંગલનો રાજા નથી સુરક્ષિત!

ગુજરાતમાં એશિયાઈ સિંહો સલામત હોવાના રાજ્ય સરકારના દાવા ખોટા સાબિત થઈ રહ્યા છે. અહીં છેલ્લા બે વર્ષમાં 222 સિંહોના મોત થઈ ગયા છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પૂછેલા સવાલના જવાબમાં વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ આ જાણકારી આપી છે.

ગણપત વસાવાએ કહ્યું કે મોટાભાગના સિંહોના મોત પ્રાકૃતિક રીતે થયા છે. જ્યારે 23 સિંહોના મોત અન્ય કારણોથી થયા છે. છેલ્લા 2 વર્ષોમાં 52 સિંહો અને 74 સિંહણોના મોત થયા છે. 90થી વધુ સિંહબાળોના પણ મોત થયા છે. વન વિભાગે સ્વીકાર કર્યો છે કે વર્ષ 2018-19માં કેનાઈન ડિસ્ટેમ્બર વાયરસથી 34 સિંહોના મોત થયા હતા. વન વિભાગના પ્રમાણે, હાલ ગીર સફારી પાર્કમાં 109 સિંહો, 201 સિંહણો અને 140 સિંહબાળો છે. ગીર જંગલમાં સિંહોની કુલ સંખ્યા 523 પર પહોંચી છે.

વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું કે રાજ્ય સરકાર સિંહોની સુરક્ષાને લઈને ગંભીર છે. સરકારે અનેક મહત્વના પગલાઓ લીધા છે. જેમાં સાસણ ગીર, અમરેલી સહિતના જંગલોમાં ગુજરાત સરકારે રેલવે લાઈનની બંને તરફ ફેન્સિંગ લગાવવાની કાર્રવાઈ પૂર્ણ કરી છે. સિંહો પણ નજર રાખવા માટે રેડિયો કૉલર ખરીદવામાં આવ્યા છે. સીસીટીવી લગાવવામાં આવ્યા છે. સિંહોને યોગ્ય સમયે સારવાર મળી શકે તે માટે એમ્બ્યુલન્સ પણ તહેનાત કરવામાં આવી છે. ગીરમાં ગેરકાયદે થતા લાયન શોની સામે કડક પગલાં લેતા વન મિત્રોની પણ નિયુક્તિ કરવામાં આવી છે. છેલ્લા 2 વર્ષમાં લાયન શો બતાવતા કુલ 74 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ જાણો ગુજરાતના રાજનૈતિક પાટનગર અને આર્થિક પાટનગરને

વનમંત્રીએ કહ્યું કે સરકાર સિંહોની સુરક્ષા પર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. ગીર જંગલમાં જ બીમાર સિંહોને સારવાર મળે તે માટે સરકારે કરોડોના ખર્ચે આધુનિક હૉસ્પિટલ બનાવવાનો નિર્ણય લીધો છે.

gujarat lions gujarat