૨૨૦૦ પુસ્તકોનું દળદાર કરિયાવર

14 February, 2020 10:29 AM IST  |  Rajkot | Rashmin Shah

૨૨૦૦ પુસ્તકોનું દળદાર કરિયાવર

દહેજ અને કરિયાવર એ બે શબ્દ આમ તો એવા બની ગયા છે કે એ સંભળાય ત્યાં જ આંખોનાં ભવાં ભેગાં થાય, પણ રાજકોટ પાસે આવેલા મોટા મૌવા ગામના હરદેવસિંહ જાડેજાએ તેમની દીકરી કિન્નરીબા જાડેજાને કરિયાવારમાં ૨૨૦૦થી વધારે પુસ્તકો આપ્યાં છે. ભાગ્યે જ કોઈ હશે જેણે પોતાની દીકરીને સંસ્કાર અને સાહિત્યનો આવો ભરાવદાર કરિયાવર આપ્યો હોય. હરદેવસિંહે કહ્યું કે ‘દીકરી નાની હતી ત્યારે એક વાર તેણે કહ્યું હતું કે મારાં લગ્ન થાય ત્યારે મને ગાડું ભરીને પુસ્તક આપજો. દીકરીના લગ્ન નક્કી થયાં એટલે તેની નાનપણની બધી વાતો સાથે આ વાત પણ યાદ આવી અને અમે નક્કી કર્યું કે દીકરીને સારામાં સારાં પુસ્તકો શોધી આપવાં છે.’

કિન્નરીબાના કરિયાવારનાં પુસ્તકો માટે હરદેવસિંહ છેલ્લા એક વર્ષથી દેશભરમાં તપાસ કરતા હતા. દીકરીનાં લગ્ન નક્કી થાય એ પછી પિતા સોનીને ત્યાં દેખાય, પણ આ પિતા બુક-ફેરમાં દેખાતા. દીકરીનાં લગ્ન નક્કી થાય એ પછી પિતા સાડીની દુકાનમાં જોવા મળે, જ્યારે આ પિતા પુસ્તકોની દુકાનમાં જોવા મળતા હતા. કિન્નરીબા કહે છે, ‘નાનપણથી વાંચનનો શોખ પિતા પાસેથી મળ્યો હતો એટલે જેકાંઈ વાંચવા મળે એ બધું વાંચતી અને આજે પણ વાંચું છું. મને જ્યારે ખબર પડી કે તેમણે આવો કરિયાવર અકઠો કર્યો છે ત્યારે સૌથી વધારે ખુશ હું થઈ હતી.’

કિન્નરીબા માટે ખરીદવામાં આવેલાં પુસ્તકોમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ઉપરાંત સંસ્કૃત ભાષાનાં પુસ્તકો પણ છે; તો ગુજરાતીમાં નરસિંહ મહેતા, ઝવેરચંદ મેઘાણી, નર્મદથી શરૂ કરીને ગુણવંત શાહ, હરકિસન મહેતા, અશ્વિની ભટ્ટ જેવા નવલકથાકારોનાં પુસ્તકો પણ છે. આ ઉપરાંત હિન્દીમાં ગોસ્વામી તુલસીદાસ અને વેદવ્યાસથી શરૂ કરી સુરદાસ, ભારતેન્દુ હરિશ્ચંદ્ર, જયશંકર પ્રસાદ, મહાદેવી વર્મા, પ્રેમચંદ, દિનકર અને મૈથિલીશરણ ગુપ્ત, ઓશો રજનીશથી માંડીને આધુનિક સાહિત્યકારો ઉષા પ્રિયંવદા, કૃષ્ણા સોબતી, મમતા કાલિયાનાં પુસ્તકો છે; તો અંગ્રેજીમાં શેક્સપિયર અને મિલ્ટનથી લઈને ચેતન ભગત અને અમિષ ત્રિપાઠીનાં નાનાં પુસ્તકો અને સંસ્કૃતમાં વેદવ્યાસથી હર્ષદેવ માધવનાં પુસ્તકો છે. આ ઉપરાંત રામાયણ, શિવપુરાણ અને ભગવદ્ગીતા સાથે અઢાર પુરાણ, છ શાસ્ત્ર, ચાર વેદ ઉપરાંત દરેક ભાષાનાં બેસ્ટ સેલર પુસ્તકો, મોટિવેશનલ પુસ્તકો અને સાથે કુરાન, બાઇબલ સહિત તમામ ૧૪ ધર્મનાં સ્થાનિક ભાષામાં અનુવાદ થયેલાં પુસ્તકો પણ આપ્યાં છે.
કિન્નરીબાનાં મૅરેજ કૅનેડામાં થયાં હોવાથી આ બધાં પુસ્તકો મૅરેજ પછી તરત જ તેમની સાથે નહીં જાય, પણ કિન્નરીબાએ આ બધાં પુસ્તકોમાંથી સિલેક્ટેડ પુસ્તકો પોતાની સાથે લઈ જવાનું નક્કી કર્યું છે. બાકીનાં પુસ્તકો પપ્પા પછી કુરિયર-થ્રૂ મોકલશે.
કિન્નરીબાનાં લગ્ન રવિવારે ૧૬ ફેબ્રુઆરીએ થશે.

gujarat rajkot Rashmin Shah