27 November, 2026 07:51 PM IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent
આતંકવાદી પાસેથી મળેલી બંદૂક (તસવીર: X)
ગુજરાત ATSએ વડોદરાના જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટું ઑપરેશન હાથ ધર્યું છે. ગુજરાત ATSએ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. આ આરોપી આસામનો વતની હોવાનું કહેવાય છે. ATSએ તેને જરોદ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો હતો. આ ઑપરેશન દરમિયાન, તેની પાસેથી એક AK-47 રાઈફલ અને ૨૩ ગોળી મળી આવી. ગુજરાત ATSએ ગેરકાયદેસર હથિયારોના એક કેસના સંબંધમાં આ કાર્યવાહી કરી છે. જપ્ત કરાયેલા હથિયારો અને દારૂગોળા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. શંકાસ્પદ વ્યક્તિના જૈશ-એ-મોહમ્મદ સાથેના કથિત સંબંધોની પણ તપાસ થઈ રહી છે. તપાસ એજન્સીઓએ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ હથિયારો ક્યાંથી આવ્યા, શંકાસ્પદ વ્યક્તિના ઈરાદા શું હતા અને આ મામલામાં અન્ય કોઈ વ્યક્તિઓ પણ સામેલ છે, કે નહીં. હાલમાં ગુજરાત ATS દ્વારા શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે.
અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, ગુજરાત ઍન્ટી-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) એ વડોદરામાં `જૈશ-એ-મોહમ્મદ` (JeM) ના એક શંકાસ્પદ સભ્યની ધરપકડ કરી છે અને તેની પાસેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. આ ધરપકડ સાથે, શહેરના વિવિધ સુરક્ષા મથકો જેમાં ભારતીય વાયુસેના (IAF) સ્ટેશનનો પણ સમાવેશ થાય છે ત્યાં હુમલા કરવાની કથિત યોજનાને નિષ્ફળ બનાવવામાં આવી છે. આરોપીની ઓળખ આસામના કરીમગંજનો વતની, ૨૨ વર્ષીય મોહમ્મદ સહારુલ ઇસ્લામ કબીરુદ્દીન તરીકે કરી છે. તેને ગુરુવારે રાત્રે હાલોલ-વડોદરા રોડ પર આવેલી એક હૉટેલ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. તે દાહોદથી પરત ફરી રહ્યો હતો, જ્યાં તેણે `ડેડ ડ્રૉપ` (એક એવી પદ્ધતિ જેમાં સામેલ પક્ષો એકબીજાને સામસામે મળ્યા વિના કોઈ ગુપ્ત સ્થળે વસ્તુઓ કે માહિતી પહોંચાડે છે) તે દ્વારા AK-47 પ્રકારની રાઈફલ મેળવી હતી.
ગુજરાત ATSના જણાવ્યા અનુસાર, ટીમે આરોપી પાસેથી એક ઓટોમેટિક ઍસોલ્ટ રાઈફલ, બે ખાલી મૅગઝિન, ત્રણ જીવંત કારતૂસ, જૈશ-એ-મોહમ્મદ (JeM)નો ધ્વજ, બે મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને ૨૦,૦૦૦ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે આરોપીને વડોદરામાં આવેલા વાયુસેના સ્ટેશનના ગેટ પર હુમલો કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેના મોબાઈલ ફોનમાંથી આ સંકુલની તસવીરો પણ મળી આવી છે.
આરોપીના મોબાઈલ ફોનની તપાસ કરતા, ATSને જાણવા મળ્યું કે તે છેલ્લા એક વર્ષથી પાકિસ્તાન સ્થિત એક હૅન્ડલરના સંપર્કમાં હતો, જેની ઓળખ મુફ્તી રફીક ઉર્ફે ઇબ્ન અબ્દુલ્લા તરીકે થઈ છે. ATSએ જણાવ્યું કે, "તેના વૉટ્સઍપ ચૅટ્સમાં એવી તસવીરો મળી આવી છે જેમાં વડોદરા સ્થિત IAF (ભારતીય વાયુસેના) સ્ટેશનના પ્રવેશદ્વારો અને અન્ય મહત્ત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓ પર લાલ રંગના ચોકડીના નિશાન જોવા મળે છે." તેમણે વધુમાં જણાવ્યું કે, કબીરુદ્દીને યુટ્યુબ પર એવા વીડિયો જોયા હતા જેમાં AK-47 રાઈફલ કેવી રીતે ચલાવવી તે બતાવવામાં આવ્યું હતું.
તેની પાસે જે પૈસા હતા તેની ઉપયોગ તે નવો મોબાઈલ ફોન ખરીદવા અને હુમલા માટે જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે કરવાનો હોવાની કબૂલાત તેણે કરી. આરોપીનો ઈરાદો હુમલો કર્યા બાદ પાકિસ્તાન ભાગી જવાનો, ત્યાં સ્થાયી થવાનો અને `શહાદત` મેળવવા માટે આતંકવાદી સંગઠન `જૈશ-એ-મોહમ્મદ`માં જોડાવવાનો હતો. એટીએસ (ATS) એ જણાવ્યું કે, આ કાવતરામાં સામેલ અન્ય લોકોની ઓળખ કરવા અને સમગ્ર આતંકવાદી નૅટવર્કનો પર્દાફાશ કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.