ક્યાંક ગળુ કપાયું, ક્યાંક માંજાએ લોહી કાઢ્યું

15 January, 2021 03:45 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

ક્યાંક ગળુ કપાયું, ક્યાંક માંજાએ લોહી કાઢ્યું

ક્યાંક ગળુ કપાયું, ક્યાંક માંજાએ લોહી કાઢ્યું

ઉત્તરાયણનો તહેવાર અમદાવાદમાં હર્ષોલ્લાસથી ઉજવાયો પરંતુ પતંગની દોરી કે માંજાથી ક્યાંક કોઇ યુવાનનું ગળું કપાવાના તો ક્યાંક કોઇને હાથે પગે, નાકે અને મોઢા પર ઇજા થવાના ૨૦૭ બનાવો બન્યાં હતા.૧૦૮ ઇમરજન્સી સર્વિસે આ લોકોને તાત્કાલિક સારવાર આપીને વધુ સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યાં હતા. એટલું જ નહીં પરંતુ પંચમહાલ જિલ્લાના સંતરામપુરના નાનીરેલ ગામના બાઇકચાલકનું પતંગની દોરીથી મૃત્યુ થયું હોવાની વિગતો બહાર આવી છે.
૧૦૮ ઇર્મજન્સી સર્વિસમાં ગઇકાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી કાઇટ ફેસ્ટિવલ સંબંધિત ટ્રોમાના ૧૭૬ કોલ આવ્યાં હતા.૧૦૮ ઇમર્જન્સી સર્વિસની એમ્બ્યુલન્સ જે તે ઘટના સ્થળે પહોંચીને દોરીથી ઘાયલ થયેલા લોકોને પ્રાથમિક સારવાર આપી હતી અને જે કેસમાં વધુ સારવારની જરૂર હોય તેવા ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડ્યા હતા. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા પરસોત્તમનગરમાં રહેતો ૧૦ વર્ષનો સુમીત રાઠોડ નામનો બાળક પતંગ ઉડાડતા ઉડાડતા ધાબેથી પડી જતા ડાબા હાથે ફેકચર થયું હતું. તેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચાડાયો હતો. નરોડા વિસ્તારમાં માયાબહેન પરમાર નામના ૪૮ વર્ષના મહિલા પણ ઘાબેથી પડી ગયા હતા. મોટાભાગના કેસમાં પતંગની દોરીથી ગળાના ભાગે ઇજા થવાના બનાવો બન્યાં હતા.આ ઉપરાંત માથાના ભાગે તેમજ આંખના ભાગે દોરીના કારણે ઇજા થવાના બનાવો નોંધાયા હતા.

પતંગે ૭ પક્ષીઓનો જીવ લીધો, ૧૪૩ ઘાયલ થયા

ઉત્તરાયણના પર્વમાં અમદાવાદમાં પતંગની દોરીએ ૭ અબોલ જીવોનો ભોગ લીધો છે જ્યારે ૧૪૩ પક્ષીઓ ઘાયલ થયા હતા.ઘાયલ થયેલા પક્ષીઓને રેસ્ક્યુ કરીને વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરમાં સારવાર કરવામાં આવી હતી. અમદાવાદના બોડકદેવ સ્થિત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરના સૂત્રોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઇકાલે ઉત્તરાયણના પર્વમાં પતંગની દોરીથી ઘાયલ થયેલા કબૂતર, મોર, સમડી, સારસ સહિતનાં ૧૪૩ પક્ષીઓને રેસ્ક્યુ કરીને સારવાર માટે લાવવામાં આવ્યાં હતા.જ્યારે ૭ પક્ષીઓના મૃત્યુ થયા હતા.ઘાયલ પક્ષીઓની સારવાર માટે તેમજ વધુ ઇન્જર્ડ હોય તેવા પક્ષીઓના ઓપરેશન કરવા માટે અમદાવાદમાં જુદા જુદા વિસ્તારમાં ૭ ઓપરેશન થિયેટર સાથેના સેન્ટરો રખાયા હતા જ્યાં ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.’

gujarat shailesh nayak