બે નેપાલી કારીગરો ૩.૫૧ કરોડના હીરા ચોરતાં સીસીટીવી કૅમેરામાં કેદ

19 January, 2020 11:03 AM IST  |  surat

બે નેપાલી કારીગરો ૩.૫૧ કરોડના હીરા ચોરતાં સીસીટીવી કૅમેરામાં કેદ

કતારગામમાં આવેલ હીરા કંપની એચ.વી.કે. ઇન્ટરનૅશનલ પ્રાઇવેટ લિમિટેડમાંથી બે કારીગરો ૩.૫૧ કરોડ રૂપિયાના હીરા ચોરી કરીને નાસી ગયા છે. બન્ને કારીગરો મૂળ નેપાલના વતની છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. જોકે બન્ને કારીગરો પોતાના પરિવારને લઈને નાસી ગયા હોવાનું સામે આવી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કતારગામ ગોતાલાવાડી ખાતે પટેલ ફળિયામાં એચ.વી.કે. ઇન્ટરનૅશનલ પ્રાઇવેટ લિમિટેડના નામથી હીરાની કંપની આવેલી છે જેના માલિક નાગજી મોહન સાકરિયા છે. કંપનીમાં બોઇલ વિભાગમાં આરોપી રાજુ ગોગલા લુહાર છેલ્લાં ૧૨ વર્ષથી નોકરી કરે છે તેમ જ આરોપી પ્રકાશ નવરાજ કુંવર છેલ્લાં ૪ વર્ષથી નોકરી કરે છે. બન્નેનું કામ પોલિશ્ડ હીરાઓને ઇલેક્ટ્રિક સગડીમાં બોઇલ થવા રાત્રે મૂકીને સવારે કાઢી લેવાના હોય છે. ગુરુવારે સાંજે મૅનેજર દિપે વઢેળે રાજુ લુહારને ૧૨૯૬ કૅરેટના હીરા બોઇલ કરવા માટે આપ્યા હતા જેની કિંમત ૩.૫૧ કરોડ રૂપિયા થાય છે.

શુક્રવારે સવારે રાજુ આવ્યો નહતો. તેને ફોન કરતાં તેનો ફોન પણ બંધ હતો. એથી દિપ વઢેળ અને અન્ય મૅનેજરે બોઇલ વિભાગનો રૂમ ખોલીને ચેક કરતાં સગડીમાં હીરા ન હતા. રાજુએ જ અન્ય આરોપી પ્રકાશ કુંવરને નોકરી પર રખાવ્યો હતો એથી દિપે પ્રકાશ કુંવરને ફોન કરતાં તેનો પણ ફોન બંધ હતો. એથી બન્ને પર શંકા ગઈ હતી. બન્નેના સુરતનાં સરનામે તપાસ કરતાં બન્નેનાં ઘર બંધ હતાં. તેઓ બન્ને જણા હીરા ચોરી કરીને નાસી ગયા હતા એથી એચ.વી.કે. ઇન્ટરનૅશનલના વહીવટદાર હિતેશ વિઠ્ઠલ વઘાસિયાએ રાજુ લુહાર અને પ્રકાશ કુંવર વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

surat gujarat Crime News