ગીર સોમનાથના દરિયામાં 15 બોટ ડૂબી, કેટલાક માછીમારો લાપતા, બચાવ કામગીરી શરૂ

02 December, 2021 12:11 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતમાં વરસાદની વચ્ચે ગીર સોમનાથના દરમિયાન 15 બોટ ડૂબી ગઈ હતી, જેમાં કેટલાક માછીમારો લાપતા હોવાના અહેવાલ છે.

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં વાતાવરણમાં પલટો થતા અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તો ક્યાંક ભારે પવન સાથે માવઠું થઈ રહ્યું છે. આ દરમિયાન ગીર સોમનાથના નવા બંદરની 13થી 15 બોટ દરિયામાં ડૂબી હોવાની માહિતી સામે આવી છે. 

બોટ ડૂબી જવાથી કેટલાક માછીમારો પણ લાપતા હોવાનું જાણવા મળ્યુ છે. જો કે, જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટિ કરીને જણાવ્યું હતું કે હાલમાં 4 માછીમારને બચાવી લેવાયા છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આ બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી હતી. જોકે, આ તમામ બોટ કાંઠા પર લાંગરેલી હતી. 

ગીર સોમનાથના કલેક્ટરે જણાવ્યું હતું કે નવાબંદર પર માછીમારી માટેની પાંચ બોટમાં રહેલા 14 જેટલા ખલાસી માછીમારો પૈકીના 8 જેટલા માછીમારો ગુમ થયા હતાં. લાપતા માછીમારોને બચાવવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવા સુચના આપવામાં આવી હતી. જો કે બચાવ કામગીરી દરમિયાન 4 માછીમારોને બચાવી લેવામાં આવ્યાં છે. 

તેમણે વધુમાં કહ્યું કે કોસ્ટ ગાર્ડની બોટસ અને બે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરી લાપતા માછીમારોને શોધી કાઢવા માટે કવાયત શરૂ છે. 

હવામાન વિભાગે રાજ્યમાં ભારે પવન અને વરસાદની આગાહી કરી હતી. આ સાથે જ માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી હતી, તેમ છતાં તેઓ  માછીમારી કરવા ગયા અને ઘટનાનો શિકાર બન્યા. ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં છૂટોછવાયો કમોસમી વરસાદ પડ્યો છે.

 

gujarat news Gujarat Rains