✕

નવસારી જિલ્લામાં આઠમા ધોરણની ૧૨ વર્ષની વિદ્યાર્થિની થઈ પ્રેગ્નન્ટ

27 November, 2026 12:14 PM IST  |  Navsari | Gujarati Mid-day Correspondent

તાવ અને શરદી-ખાંસીની તપાસ દરમ્યાન સોનોગ્રાફી કરાવી ત્યારે ૭ માસથી વધુનો ગર્ભ હોવાની બહાર આવી હકીકત : ફળિયામાં રહેતા સગીર વયના કિશોરે આચર્યો હતો ગુનો અને કોઈને નહીં કહેવા આપી હતી ધમકી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

તાવ અને શરદી-ખાંસીની તપાસ દરમ્યાન સોનોગ્રાફી કરાવી ત્યારે ૭ માસથી વધુનો ગર્ભ હોવાની બહાર આવી હકીકત : ફળિયામાં રહેતા સગીર વયના કિશોરે આચર્યો હતો ગુનો અને કોઈને નહીં કહેવા આપી હતી ધમકી : સગાંસંબંધીઓ અને આગેવાનોની સમજાવટથી શરૂઆતમાં બન્ને પ‌રિવાર વચ્ચે થઈ હતી પતાવટ અને બાળક જન્મે તો બારોબાર કોઈને સોંપી દેવાનું થયું હતું નક્કી

દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતી આશરે ૧૨ વર્ષની ‌વિદ્યા‌ર્થિની ગર્ભવતી બની હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વધુ આઘાતજનક બાબત એ છે કે ગુનો આચરનાર પણ સગીર વયનો કિશોર છે અને એક જ ફળિયામાં રહે છે. આ કેસમાં બદનામીના ડરે તેમ જ સગાંસંબંધીઓ અને આગેવાનોની સમજાવટથી બે પરિવારો વચ્ચે પતાવટ થઈ હતી અને જો બાળક જન્મે તો બારોબાર કોઈને સોંપી દેવાનું નક્કી થયું હતું. જોકે આ મામલાની જાણ નવસારી જિલ્લાના બાળ સુરક્ષા અધિકારીને થતાં તરત જ ઍક્શન લઈને દીકરીના પરિવારને સમજાવીને પોલીસ-ફરિયાદ નોંધાવી હતી તેમ જ સ્કૂલ અને હૉસ્પિટલ પાસેથી ખુલાસો માગ્યો છે. ગુનો આચરનાર કિશોરને ઑબ્ઝર્વેશન હોમમાં મોકલવામાં આવ્યો છે. 

વિદ્યાર્થિનીને તાવ અને શરદી-ખાંસી થઈ હોવાથી હૉસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેની સોનોગ્રાફી કરાવતાં ૭ મહિનાથી વધુનો ગર્ભ હોવાની જાણ થઈ હતી જેના કારણે પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. દીકરીની પૂછપરછ કરતાં પરિવારને ખબર પડી હતી કે આ ગુનો ફળિયામાં રહેતા કિશોરે આચર્યો હતો. સમાજમાં બદનામી થશે એવા ડરથી તેમ જ સગાંસંબંધીઓ અને આગેવાનોની સમજાવટથી પરિવારે પહેલાં પોલીસ–ફરિયાદ કરવાનું ટાળ્યું હતું અને પ્રસૂતિખર્ચ આપવાની શરતે સામાજિક રીતે પતાવટ કરવામાં આવી હતી અને જે બાળક જન્મે તેને બારોબાર કોઈને સોંપી દેવાનું નક્કી કરાયું હતું.

નવસારી જિલ્લાનાં બાળ સુરક્ષા અધિકારી હેમલતા ગંજીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભોગ બનનારી દીકરી ૧૨ વર્ષની છે અને જે ટીનેજરે ગુનો આચર્યો તે ૧૭ વર્ષનો છે અને બારમા ધોરણમાં અભ્યાસ કરે છે. તેમની સ્કૂલ અલગ-અલગ છે. તેઓ એક જ ફળિયામાં રહે છે. ટીનેજરે ‌વિદ્યા‌ર્થિની સાથે ગુનો આચરીને કોઈને કહીશ તો મારી નાખીશ એવી ધમકી આપી હતી. જોકે છોકરીનાં માતા-પિતાને જાણ થઈ ત્યારે સગાંસંબંધીઓ અને ગામના આગેવાનો સાથે મળીને પતાવટની વાત થઈ હતી. જોકે અમને આ ઘટનાની જાણ થતાં દીકરીના પેરન્ટ્સને બોલાવીને કાઉન્સેલિંગ કર્યું હતું અને કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું જેથી દીકરીના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં ગુનો આચરનાર કિશોરને ઑબ્ઝર્વેશન હોમમાં મોકલવામાં આવ્યો છે. આ કેસમાં સ્કૂલ અને હૉસ્પિટલને નોટિસ આપી છે.’

navsari gujarat Crime News Gujarat Crime Protection of Children from Sexual Offences Act POCSO gujarat news gujarat police