કેશોદની સ્કૂલમાં એકસાથે ૧૧ વિદ્યાર્થિનીઓ કોરોનાગ્રસ્ત

19 January, 2021 02:09 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

કેશોદની સ્કૂલમાં એકસાથે ૧૧ વિદ્યાર્થિનીઓ કોરોનાગ્રસ્ત

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં શાળાઓ શરૂ થયા બાદ સૌરાષ્ટ્રના કેશોદની કે. એ. વણપરિયા સ્કૂલની ૧૧ વિદ્યાર્થિનીઓની કોરોના-ટેસ્ટ પૉઝિટિવ આવતાં આ તમામ વિદ્યાર્થિનીઓને હોમ-આઇસોલેટ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં શાળાઓ શરૂ થયાને એકઠવાડિયામાં સ્કૂલની વિદ્યાર્થિનીઓ કોરોના-સંક્રમિત થઈ હોવાની આ બીજી ઘટના છે.

જૂનાગઢ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી આર. એસ. ઉપાધ્યાયે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘કેશોદમાં આવેલી કે. એ. વણપરિયા કન્યા વિદ્યાલયમાં ૧૧ અને ૧૨મા ધોરણમાં અભ્યાસ માટે બહારગામથી આવતી વિદ્યાર્થિનીઓની હૉસ્ટેલમાં પ્રવેશ કરતાં પહેલાં કોરોના-ટેસ્ટ કરવામાં આવી હતી. ૧૨૨ વિદ્યાર્થિનીઓની કોરોના-ટેસ્ટ થઈ હતી, જેમાંથી ૧૧ વિદ્યાર્થિનીઓની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી જેથી તેમને હોમ-આઇસોલેટ રાખી છે. આ વિદ્યાર્થિનીઓમાં લક્ષણ દેખાતાં નહોતાં, પરંતુ તેમની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. આ ઉપરાંત સ્કૂલના સ્ટાફના ૧૯ સભ્યોની પણ કોરોના-ટેસ્ટ કરવામાં આવી હતી અને એ બધી નેગેટિવ આવી હતી.’

એકસાથે ૧૧ વિદ્યાર્થિનીઓ કોરોના-પૉઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું. બીજી તરફ એકસામટી ૧૧ વિદ્યાર્થિનીઓ કોરોનાગ્રસ્ત હોવાનું જાણવા મળતાં વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

 આ પહેલાં ગયા અઠવાડિયે જામનગર જિલ્લાના જોડિયામાં આવેલી સ્ત્રી ઉદ્યોગ હુન્નર શાળાની ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની હૉસ્ટેલમાં પ્રવેશ મેળવે એ પહેલાં તેની કોરોના-ટેસ્ટ કરાવતાં એ પૉઝિટિવ આવી હતી.

gujarat coronavirus covid19