RJ હર્ષિલે વાત કરી અમદાવાદની બહુ ચર્ચિત કોરોના પેશન્ટ નિયોમી શાહ સાથ

06 May, 2020 07:55 PM IST  |  Ahmedabad | Gujarati Mid-Day Online Correspondent

RJ હર્ષિલે વાત કરી અમદાવાદની બહુ ચર્ચિત કોરોના પેશન્ટ નિયોમી શાહ સાથ

32 દિવસ હૉસ્પિટલમાં રહેલી નિયોમીએ RJ હર્ષિલ સાથે વાત કરી હતી અને તેણે કહ્યું હતું કે તેનો અનુભવ કેવો રહ્યો.

અમદાવાદમાં લૉકડાઉન લાગુ પડ્યું તે પહેલાથી જેનું નામ કોરોનાવાઇરસનાં દર્દી તરીકે સતત ચર્ચાઇ રહ્યું હતું તે હતું નિઓમી નામ. 32 દિવસ હૉસ્પિટલમાં રહેલી નિયોમીએ RJ હર્ષિલ સાથે વાત કરી હતી અને તેણે કહ્યું હતું કે તેનો અનુભવ કેવો રહ્યો.

નિયોમીએ હર્ષિલને કહ્યું કે તે ન્યુ યોર્કમાં ફેશન ડિઝાઇનિંગ મેજર્સનાં થર્ડ યરમાં  ભણતી હતી અને તેણે તેના પરિવાર સાથે ચર્ચા કરી નક્કી કર્યું કે તેણે ઘરે પાછા ફરવું જોઇએ. તે 14મી માર્ચે ઘરે પાછી ફરી અને 16મી માર્ચે તેનામાં કોરોના વાઇરસનાં સંક્રમણનાં લક્ષણ દેખાવા માંડ્યા અને 17મી માર્ચે તે હૉસ્પિટલમાં દાખલ થઇ હતી. તેણે પોતાના લક્ષણોની વાત કરતા કહ્યું કે, “હું મારા ઘરમાં જ ક્વોરેન્ટાઇન થઇશ એમ મેં નક્કી કર્યું હતું. સોળમીએ મારું ગળુ બગડ્યું અને રાત્રે તાવ આવ્યો. મેં અને મારા પપ્પાએ નક્કી કર્યું કે ન્યુયોર્કની સ્થિતિ બહુ ખરાબ છે અને અમારે કોઇ ચાન્સ ન લેવો જોઇએ એટલે અમે કોર્પોરેશનનો સંપર્ક કર્યો અને પછી તેમણે આગળ પ્રોસેસ કરી.” અમદાવાદમાં દર્દીનું નામ જાહેર થઇ ગયું તેનો નિયોમીનો પહેલો કિસ્સો હતો અને સતત લોકો તેની ચર્ચા કરતા હતા.

તેનું નામ, તેનું સરનામું વગેરેને લગતા મેસેજિઝ લોકોમાં ફર્યા કરતા હતા અને ત્યારે જ એવો પણ વિવાદ થયો કે દર્દીઓનાં નામ જાહેર કરવા કે નહીં. આ સંજોગો વિષે નિયોમીએ કહ્યું કે, “17મી માર્ચે સાંજે મને ખબર પડી કે  મારો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. મારા મિત્રોએ મને કલાકમાં જાણ કરી કે એક કોરા કાગળ પર તારી મેડિકલ હિસ્ટ્રી, નામ, નંબર લખ્યા હોય તેવો ફોટો સતત ફોરવર્ડ કરાઇ રહ્યો છે. હું બહુ અપસેટ હતી કારણકે લોકો તો એવું કરતા હતા જાણે મેં કોઇ ગુનો કર્યો હોય. કોઇએ મને કે મારા પરિવારને કોઇએ સમય ન આપ્યો પણ લોકો ગૉસિપ કરી રહ્યા હતા.” તેના પરિવારને ઘણા લોકોએ કૉલ પણ કર્યો હતો અને તેના ઘરમાંથી સંદેશો ગયા હોવાની અફવા ઉડી હતી જો કે નિયોમીએ કહ્યું કે, “લોકોએ એવી અફવા ઉડાડી કે હું પાર્ટીઝમાં ગઇ હતી અને ઘણાં લોકોને મળી હતી અને મારા લીધે રોગ ફેલાઇ શકે છે. મારા પિતાને કોરોના પૉઝિટીવ છે એવી ચર્ચા પણ ચાલી હતી પણ એ સાવ ખોટી વાત છે.” નિયોમીએ પોતાના શરીર પર કોરોનાની અસર અંગે વાત કરતા કહ્યું કે, “નસીબજોગે મારા લક્ષણો બહુ ખરાબ નહોતા, મને અસ્થમા છે પણ મને શ્વાસ લેવામાં તકલીફ નહોતી પડી. મને તાવ અને ગળું ખરાબ હોવાની જ સમસ્યા હતી.” તેણે પોતાના હૉસ્પિટલનાં ટાઇમ વિષે કહ્યું કે, “આમ તો આ 32 દિવસ ક્યાં પસાર થઇ ગયા એ મને ખબર પણ નથી કારણકે મારી તબિયત સારી નહોતી પણ હું વિચારું તો કહી શકું કે સવારે હું મારા ઘરનાં લોકો સાથે ફેસટાઇમ કરતી, મિત્રો સાથે વાત કરતી વગેરે. હું કૉલેજનું કામ પણ કરવાનો ટ્રાય કરતી અને નેટફ્લિક્સ પણ કરતી અને ફ્રેન્ડ્ઝ સાથે ઓનલાઇન ગેઇમ્સ પણ રમતી.” તે દાખલ થઇ ત્યારે લોકોને હતું કે તે 15 દિવસમાં ઘરે આવશે પણ એમ ન થયું અને છેલ્લે છેલ્લે તેને પેનિક અટેક્સ પણ આવવા માંડ્યા. નિયોમીએ કહ્યું કે તેને હૉસ્પિટલમાં સાયકોલોજિકલ મદદ પણ મળી અને કાઉન્સેલિંગ મળ્યું જેથી તે સ્ટ્રેસમાં ન આવે અને શાંત રહી, ડૉક્ટરે તેની સાથે રોજ સવારે વીડિયો કૉલ થેરેપી સેશન કરતી હતી જેથી તે સ્વસ્થ રહી શકે. તેણે ફ્લુઇડ્ઝ લીધા હતા, ગરમ પાણી પીધું જેની કાળજી હૉસ્પિટલે પુરી રીતે રાખી. નિયોમીએ ઉમેર્યું કે, “હું મારી ઇમ્યુનિટી પર કામ કરવા માંગુ છું, મને અસ્થમા છે એટલે હું વધારે ધ્યાન રાખીશ.હું મારા કુટુંબ સાથે હવે રહી રહી છું તેનો મને સંતોષ છે.”

coronavirus covid19 ahmedabad radio city