Rain Alert : ગુજરાત મહારાષ્ટ્રમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી

09 June, 2020 12:49 PM IST  |  Mumbai/Gandhinagar | Gujarati Mid-Day Online Correspondent

Rain Alert : ગુજરાત મહારાષ્ટ્રમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી

પ્રતિકાત્મક તસવીર

આગામી 48 કલાકમાં ગુજરાત, મહારાષ્ટ્ર સહિત છ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પુરી શક્યતા છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ઓરિસ્સા, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદની આગાહી છે. આ છ પૈકી કેટલાક રાજ્યોમાં અત્યારે પણ વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદનું પ્રમાણ વધવાની પુરી શક્યતાઓ છે તેવી આગાહી છે. ગુજરાતમાં મંગળવારે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યમાં 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ રાજકોટ જિલ્લાના ગોંડલમાં 4 ઇંચ નોંધાયો છે. જ્યારે ભાવનગર તાલુકાના અને વલ્લભીપુરમાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર (Saurashtra)ની વાત કરવામાં આવે તો 29 તાલુકામાં સરેરાશ એકથી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 40 તાલુકાઓમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે નવ તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. બીજી તરફ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં વરસાદને કારણે એક કાર પાણીમાં તણાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે.

ભાણવદમાં આ કાર તણાઇ ગઇ હતી

ઇન્ડિયન મિટીરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ IMDએ કરેલી આગાહી અનુસાર ઉત્તરપશ્ચિમી રાજ્યોમાં વધુ વરસાદ પડશે અને બંગાળ ખાડીમાં લૉ પ્રેશર વિકસશે તેને કારણે જ આ વરસાદ પડવાનો છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે તો આંધ્રપ્રદેશની ઉત્તરે, તેલંગાણામાં 11મી તારીખ સુધી અતિભારે વરસાદની વકી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં 10થી 11 દરમિયાન ભારે વરસાદ પડશે અને તે ગમે ત્યારે શરૂ થઇ શકે છે.

ઉત્તરાખંડમાં જ્યાં ભારે ગરમી વર્તાય છે ત્યાં પણ અત્યારે ઠંડી અને વરસાદનો માહોલ છે અને હવામાનનો આ પલટો જાણે કોઇ નવો વિક્રમ બનાવી રહ્યો છે. નૈનીતાલમાં તો એટલો વરસાદ છે કે છેલ્લા નવ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે, 1લી જૂને નૈનિતાલમાં 66.8 મિમી વરસાદ પડ્યો હતો. જૂનમાં હજી ગરમીનો માહોલ હોય ત્યારે વિવિધ રાજ્યોમાં ધોધમાર વરસાદે પોતાનું પોત પ્રકાશ્યું છે.

ગુજરાતમાં હજી ચોમાસું સત્તાવાર રીતે શરૂ નથી થયું પણ વરસાદી માહોલ જામી ગયો છે અને આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં ખુબ વરસાદની સંભાવનાઓ છે.

અમદાવાદમાં રસ્તાઓ બેસી પડ્યા છે


હવામાન ખાતાએ જણાવ્યા અનુસાર, ગુજરાતમાં અત્યારે દરિયાથી 3.1 અને 3.6 કિલોમિટર ઉંચાઇએ અપર એર સાઇક્લોનિક વંટોળ સર્જાયો છે જેને કરાણે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, અમરેલી, રાજકોટ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

આ રીતે કાર પણ ફસાઇ ગઇ હતી

વળી દરિયાકાંઠે આવેલા વિસ્તારોમાં ત્રીસથી ચાળીસ કિલોમિટર પ્રતિ કલાકે પવન ફુંકાવાથી કડાકાભેર વરસાદની વકી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વરસાડ, નવસારીમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે.

Gujarat Rains mumbai mumbai news maharashtra national news