ઈલેકટ્રોનિક વાહનો ખરીદવા ગુજરાત સરકાર આપશે આટલી રકમની સબસીડી

22 June, 2021 07:24 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ઈલેકટ્રોનિક વાહનો ખરીદનાર માટે ગુજરાત સરકારે એક મોટી જાહેરાત કરી છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( ફાઈલ ફોટો)

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજયમાં ઇવી (ઈલેકટ્રોનિક વ્હિકલ) નીતિઓ 2021ની ઘોષણા કરી છે. તેમણે પોલિસીની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું કે ઇ-વ્હીકલના ડ્રાઇવિંગ, વેચાણ, ધિરાણ, સર્વિસીંગ અને ચાર્જિંગ વગેરે ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં પણ વધારો થશે. તેમજ આ નીતિ-પોલિસી દ્વારા ઇ-વ્હીકલની નવી ટેક્નોલોજીને પ્રોત્સાહન મળશે.  

રાજ્ય સરકારે કાળજીપૂર્વકની વિચારણા કરી ઇલેકટ્રીક વ્હીકલ ક્ષેત્રના વિવિધ નિષ્ણાંતોનો આ અંગે અભિપ્રાય લીધો હતો. તેમજ ઉત્પાદન પ્રક્રિયા અને ઇ-વ્હીકલ સંબંધિત પરિબળો તથા ભારત સરકારની નીતિઓને ધ્યાનમાં લઇને પોલીસી ઘડી છે.  

 મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે, ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીમાં ચાર બાબતો પર ભાર મુકવામાં આવ્યો છે.  આ ઈવી પોલીના અનેક લાભો છે. જેમાં  રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ વધારવો અને રાજ્યને ઇ-વ્હીકલ અને તેને આનુષાંગિક સાધન-સામગ્રીના ઉત્પાદનનું મેન્યૂફેકચરીંગ હબ બનાવવાનો હેતુ છે. 

આ ઉપરાંત ઇલેકટ્રીક મોબીલીટી ક્ષેત્રે યુવા સ્ટાર્ટઅપ અને રોકાણકારોને પ્રોત્સાહિત કરવા સાથે વાહનોના ઇંધણના ધૂમાડાથી થતા વાયુ-ધ્વનિ પ્રદૂષણને ઘટાડી પર્યાવરણની રક્ષા કરવી એ આ પોલીસીનો હેતુ છે. 

વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, આગામી 4 વર્ષમાં આ નીતિ અંતર્ગત બે લાખ ઇલેકટ્રીક વાહનો રાજ્યના માર્ગો પર આવશે.  અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે 1 લાખ 10 હજાર ટૂ વ્હીલર, 70 હજાર થ્રી વ્હીલર અને 20 હજાર જેટલા ફોર વ્હીલર આગામી ૪ વર્ષોમાં રાજ્યમાં આવશે તેવો અંદાજ છે. જેથી ઓછામાં ઓછા આશરે પાંચ કરોડ રૂપિયાની ઇંધણની બચત થઈ શકશે. અંદાજે 6 લાખ ટન જેટલું કાર્બન ઉત્સર્જન ઘટશે તેવું માનવામાં આવી રહ્યું છે. 

ઇલેકટ્રીક વાહનો મોંઘા હોવાથી સામાન્ય માનવીને તે પરવડી શકે તેમ ના હોય. તેથી રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી માટે વાહનના કિલોવોટ દીઠ 10 હજારની સબસિડી આપશે. દેશના અન્ય રાજ્યોમાં આ સબસીડી 5 હજાર જેટલી છે. જ્યારે ગુજરાતમાં એનાથી બમણી એેટલે કે પ્રતિ કિલોવોટ 10  હજારની સબસીડી આપવામાં આવશે. 

gujarati mid-day gujarat Gujarat BJP Vijay Rupani