રાજકોટ: ફિટનેસ સર્ટી અને પોલીસ NOC વગર એક પણ રાઇડ્ઝ ચલાવી નહી શકાય

15 July, 2019 02:57 PM IST  | 

રાજકોટ: ફિટનેસ સર્ટી અને પોલીસ NOC વગર એક પણ રાઇડ્ઝ ચલાવી નહી શકાય

અમદાવાદ કાંકરિયામાં બનેલી ઘટનાના પડઘા હવે સમગ્ર ગુજરાતમાં પડવા લાગ્યા છે. જેની પહેલી અસર રાજકોટમાં પડી છે. રાજકોટ કોર્પોરેશન કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે રાજકોટ ફનવર્લ્ડ અને રેસકોર્સમાં રાઈડ્સને બંધ રાખવામાં આવશે. અમદાવાદ કાંકરિયા ખાતે રાઈડ તુટવાની ઘટનાને પગલે રાજકોટ મહાનગર પાલિકાએ તેના કાર્યક્ષેત્ર હેઠળના રેસકોર્સ ગાર્ડન, ફનવર્લ્ડ વગેરે વિસ્તારોમાં કાર્યરત રાઈડ્ઝના ફિટનેસ સર્ટી અને પોલીસ N.O.C રજુ કરવા રાઈડ્ઝ સંચાલકોને આદેશ કર્યો છે. લોકોની સલામતિને ધ્યાનમાં રાખીને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ રાઈડ્ઝ સંચાલકો પાસેથી ફિટનેસ સર્ટી અને રાજકોટ શહેર પોલીસના N.O.C મંગાવવા સંબધિત શાખાને આદેશ કર્યો છે.

આદેશને પગલે એસ્ટેટ વિભાગ દ્વારા રાઈડ્ઝ સંચાલકોને પત્ર મોકલવામાં આવ્યો છે અને 1 દિવસની અંદર ડોક્યુમેન્ટ રજૂ કરવા કહેવામાં આવ્યું છે. જ્યા સુધી આ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં નહી આવે ત્યા સુધી રાઈડ્સ બંધ રાખવામાં આવશે. જે રાઈડ્સ સંચાલકો ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા વગર રાઈડ્સ ચાલુ રાખશે તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જો કે મેન્યુઅલ રાઈડ્સને આમાંથી બાકાત રાખવામાં આવી છે. માત્ર ઈલેક્ટ્રોનિક મોટરથી ચાલતી રાઈડ્સ માટે ફિટનેસ શર્ટી અને N.O.C લેવાનું રહેશે.

આવતા મહિને જન્માષ્ટમી નિમિત્તે રાજ્યમાં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. રાજકોટમાં શ્રાવણમાં યોજાતો મેળો ગુજરાતનો સૌથી મોટો મેળો માનવામાં આવે છે જેમાં મોટી રાઈડ્સ પણ મુકવામાં આવે છે. સાતમ-આઠમની રજાઓ માણવા માટે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રભરમાંથી લોકો આવતા હોય છે. ત્યારે મેળામાં કોઈ હોનારત ન બને તેને ધ્યાનમાં રાખી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સજાગ બન્યું છે. અને સુરક્ષાના તમામ પગલા હાથ ધરાયા છે.

આ પણ વાંચો: રાજકોટ ટ્રાફિક પોલીસે ઉજવ્યો ‘નો દંડ ડે’, પેન-ગુલાબ આપી નિયમો સમજાવ્યા

રવિવારે અમદાવાદના કાંકરિયામાં બાળકોના પ્લે એરિયામાં અચાનક રાઈડ તૂટી પડતા અફરા તફરી મચી ગઈ હતી. અચાનક રાઈડ તૂટી પડતા 3 લોકોના મોત થયા હતા જ્યારે 26 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 32 લોકોની કેપેસિટી વાળી ડિસ્કવરી નામની રાઈડ અચાનક તૂટી પડી હતી જેના કારણે 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાઈડ તૂટવા પાછળ સંચાલકોની બેદરકારી જોવા મળી હતી જેને લઈને રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા N.O.C રજૂ કરવા આદેશ આપ્યો છે.

 

 

રોજકોટ ટ્રાફિક પોલીસે ઉજવ્યો ‘નો દંડ ડે’, પેન-ગુલાબ આપી નિયમો સમજાવ્યા