Career Tips:પર્યાવરણીય સંબંધિત કૉર્સ કરી કરવી છે નોકરી? તો જાણો પ્લાન્ટ પેથોલોજી વિશે 

20 July, 2022 03:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્લાન્ટ પેથોલોજીને ફાયટોપેથોલોજી પણ કહેવામાં આવે છે. તે એગ્રીકલ્ચર, બોટની/બાયોલોજીની શાખા છે, જેમાં છોડના રોગોનો અભ્યાસ કરવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રદૂષણની વધતી જતી સમસ્યાને જોતા લોકોએ વૃક્ષારોપણ અને છોડના સંરક્ષણના અભિયાનમાં વિશેષ રસ લેવાનું શરૂ કર્યું છે. આજકાલ એવા ઘણા યુવાનો છે જેઓ પર્યાવરણીય સંરક્ષણ સાથે સંબંધિત કારકિર્દી પસંદ કરે છે. આવો જ એક કારકિર્દી વિકલ્પ છે પ્લાન્ટ પેથોલોજી (Plant Pathology)જૈવિક ક્ષેત્ર અને કૃષિમાં ઊંડો રસ ધરાવતા યુવાનો માટે પ્લાન્ટ પેથોલોજી એ શ્રેષ્ઠ કારકિર્દી વિકલ્પ છે. 

આપણે બધા જાણીએ છીએ કે વૃક્ષો અને છોડ વિના માનવ જીવન શક્ય નથી. તેથી તેમની કાળજી લેવી અને ચેપી રોગોથી રક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. છોડની જૈવિક પ્રક્રિયાને સમજવી સરળ નથી. આ માટે પ્લાન્ટ પેથોલોજિસ્ટની જરૂર છે. આ ક્ષેત્રમાં લાયકાત ધરાવતા પ્રોફેશનલ્સની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી કક્ષાએ પ્લાન્ટ પેથોલોજીના અભ્યાસક્રમો ઓફર કરવામાં આવી રહ્યા છે.

જો તમે આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગો છો, તો આ લેખ ચોક્કસ વાંચો. પ્લાન્ટ પેથોલોજી શું છે? પ્લાન્ટ પેથોલોજિસ્ટ બનવા માટે કયો કોર્સ કરવો? કોર્સ માટે જરૂરી લાયકાત શું છે? આ ક્ષેત્રમાં સરેરાશ પગાર અને નોકરીનો અવકાશ શું છે?

પ્લાન્ટ પેથોલોજી શું છે?

પ્લાન્ટ પેથોલોજીને ફાયટોપેથોલોજી પણ કહેવામાં આવે છે. તે એગ્રીકલ્ચર, બોટની/બાયોલોજીની શાખા છે, જેમાં છોડના રોગોનો અભ્યાસ કરવામાં આવે છે. છોડના રોગવિજ્ઞાનીઓ રોગોનું નિદાન કરવા ઉપરાંત છોડને સ્વસ્થ રાખવાની રીતોનો અભ્યાસ કરે છે. આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે માઇક્રોબાયોલોજી ઉપરાંત જીનેટિક્સ, બાયોકેમિસ્ટ્રી, ઇકોલોજી, મોલેક્યુલર બાયોલોજી, પાક અને માટી સંબંધિત વિજ્ઞાનનો અભ્યાસ કરવામાં આવે છે.

આ ક્ષેત્રમાં પ્રવેશવા માટે શું કરવું?

સારી કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી પ્લાન્ટ પેથોલોજીમાં પ્રોફેશનલ કોર્સ કર્યા પછી, ઉમેદવારો આ ક્ષેત્રમાં આકર્ષક કારકિર્દી શરૂ કરી શકે છે. સ્નાતક સ્તરના અભ્યાસક્રમ પછી વિદ્યાર્થીઓમાં આ ક્ષેત્રની ઊંડી સમજ કેળવાય છે. કૃષિ યુનિવર્સિટીઓ પ્લાન્ટ પેથોલોજીમાં બીએસસી ગ્રેજ્યુએશન કોર્સ ઓફર કરે છે. કેટલાક બીએસસી અભ્યાસક્રમો પ્લાન્ટ પેથોલોજીમાં વિશેષતા પણ પ્રદાન કરે છે.

સારી કારકિર્દી માટે ઘણા વિદ્યાર્થીઓ સ્નાતક અભ્યાસક્રમ પછી માસ્ટર્સ અને ડોક્ટરેટની ડિગ્રી મેળવે છે. છોડના રોગવિજ્ઞાનીઓ છોડમાં રોગોને નિયંત્રિત કરવા માટે નવી પદ્ધતિઓ વિકસાવવાના પડકારનો સામનો કરે છે. તેથી, આ ક્ષેત્રમાં પ્રગતિ કરવા માટે, સંશોધન કાર્ય સાથે સંકળાયેલું હોવું જરૂરી છે.

કોર્સ માટે જરૂરી લાયકાત

પ્લાન્ટ પેથોલોજીમાં સ્નાતક સ્તરના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઉમેદવારે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન વિષયો સાથે 12મામાં ઓછામાં ઓછા 50% માર્કસ હોવા આવશ્યક છે. કોર્સ માટે પસંદગી પ્રવેશ પરીક્ષા અને મેરિટના આધારે કરવામાં આવે છે. સ્નાતક થયા પછી માસ્ટર્સ અને ડોક્ટરલ ડિગ્રી લેવાનો વિકલ્પ ખુલે છે. વૈજ્ઞાનિક અથવા નિષ્ણાંત બનવા માટે કીટવિજ્ઞાન, નેમેટોલોજી અને નીંદણ વિજ્ઞાન વગેરેને લગતા અભ્યાસક્રમો કરી શકાય છે.

પ્લાન્ટ પેથોલોજી કારકિર્દી અવકાશ

પ્લાન્ટ પેથોલોજીમાં નોકરીની ઘણી તકો ઉપલબ્ધ છે. અભ્યાસક્રમ પછી, ઉમેદવારો સંશોધક, છોડ નિષ્ણાત, આરોગ્ય પ્રબંધક, શિક્ષક, સલાહકાર વગેરે બની શકે છે. પ્લાન્ટ પેથોલોજિસ્ટ દેશની કૃષિ ઉત્પાદકતા વધારવા ઉપરાંત પર્યાવરણીય સંરક્ષણમાં મોટી ભૂમિકા ભજવે છે. એટલા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, મોટા ઔદ્યોગિક ગૃહો તેમને નોકરીઓ ઓફર કરે છે.

આ સિવાય એગ્રીકલ્ચર કન્સલ્ટિંગ, એગ્રોકેમિકલ અને સીડ એન્ડ પ્લાન્ટ પ્રોડક્શન સેક્ટરની કંપનીઓ પણ તેમને નોકરીઓ ઓફર કરે છે. આંતરરાષ્ટ્રીય કૃષિ સંશોધન કેન્દ્રો, બોટનિકલ ગાર્ડન્સ, બાયોટેકનોલોજી ફર્મ્સ, જૈવિક નિયંત્રણ કંપની, વન સેવા, પશુ અને છોડ આરોગ્ય નિરીક્ષણ સેવા અને પર્યાવરણ સુરક્ષા એજન્સીમાં પ્લાન્ટ પેથોલોજીસ્ટ માટે નોકરીની તકો ઉપલબ્ધ છે. આ ક્ષેત્રના સ્નાતકો પ્લાન્ટ જિનેટિક્સ, પ્લાન્ટ બ્રીડર, એક્વાટિક બોટનિસ્ટ, લિમોનોલોજિસ્ટ, ફિઝિયોલોજિસ્ટ, પ્લાન્ટ પેથોલોજીસ્ટ વગેરે તરીકે તેમની કારકિર્દી બનાવી શકે છે. લાયક ઉમેદવારો કોઈપણ કોલેજ અથવા યુનિવર્સિટીમાં ટીચિંગ સ્ટાફ તરીકે જોડાઈ શકે છે.

ટોચની સંસ્થા

પગાર પેકેજ
આપણા દેશમાં પ્લાન્ટ પેથોલોજિસ્ટની વાર્ષિક કમાણી 4.5 થી 5.5 લાખ રૂપિયાની વચ્ચે શરૂ થાય છે. સરકારી વિભાગમાં તેઓ નક્કી કરેલા નિયમોના આધારે પગાર મેળવે છે. ખાનગી કંપનીઓમાં પગાર નક્કી કરવાનો નિર્ણય ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે કરવામાં આવે છે. જો કે ફ્રેશર આ ક્ષેત્રમાં દર મહિને 25 થી 35 હજાર રૂપિયા કમાઈ શકે છે. અનુભવી પ્લાન્ટ પેથોલોજિસ્ટ દર મહિને 55 થી 65 હજાર રૂપિયા કમાઈ શકે છે.

career tips Education environment