યુદ્ધ કબ્રસ્તાન જોવું હોય તો હાલો મણિપુર

14 July, 2019 01:43 PM IST  |  મુંબઈ | દર્શિની વશી

યુદ્ધ કબ્રસ્તાન જોવું હોય તો હાલો મણિપુર

મણિપુરમાં આવેલું લોકટક ટાપુ એક અજાયબી કરતાં ઓછો નથી. આ ટાપુ વર્ષોથી પાણી પર તરાપાની જેમ તરે છે. હકીકતમાં આ ટાપુ ઘાસ અને વનસ્પતિથી બનેલો છે.

ટ્રાવેલ ગાઇડ

ભારતનાં ઉત્તર-પૂર્વનાં રાજ્યો અનેક રીતે અન્ય રાજ્યોથી અલગ તરી આવે છે, જેનું એક કારણ છે આ રાજ્યોની સીમા, જે કોઈ ને કોઈ આંતરરાષ્ટ્રીય દેશની સીમાને સ્પર્શે છે તો બીજું કારણ છે આ રાજ્યોનો વિસ્તાર, જે કદમાં દેશનાં અન્ય રાજ્યો કરતાં નાનો છે અને ત્રીજું કારણ અહીંની કુદરતી સુંદરતા, જે એનું મુખ્ય જમા પાસું છે. મણિપુર પણ આ જ સમૂહનો એક હિસ્સો છે જેની આજે આપણે વાત કરી રહ્યા છીએ. મણિપુર એની કલા, સંસ્કૃતિ, વેશભૂષા અને ભાષાને લઈને જગમાં વિખ્યાત છે. એની ખૂબી અને સુંદરતા પર ઓવારી જઈને આપણા ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ એને જ્વેલ ઑફ ઇન્ડિયા તરીકેનું બિરુદ પણ આપ્યું હતું. આવાં તો અનેક વિશેષણો મણિપુરને અત્યાર સુધીમાં મળી ચૂક્યાં છે. તો ચાલો જાણીએ આ જ્વેલ તરીકે ઓળખાતા રાજ્યની વિશેષતા અને આકર્ષણો વિશે...

મણિપુર રાજ્ય દેશના ઉત્તરપૂર્વીય વિસ્તારમાં સૌથી આખરમાં આવેલું રાજ્ય છે જે સુંદરમજાના પહાડોથી ઘેરાયેલું છે. કેટલાક લોકો અહીંની ખૂબસૂરતીને સ્વિટ્ઝરલૅન્ડની સાથે પણ સરખાવે છે. મતલબ અહીંનો નજારો ખૂબ જ સુંદર છે એમાં કોઈ શંકા નથી. રાજ્યની એક બાજુ નાગાલૅન્ડ, એક તરફ મિઝોરમ, એક તરફ આસામ તો બીજી તરફ મ્યાનમાર દેશ છે. મણિપુર ઘણું નાનકડું રાજ્ય છે. ગણીને માત્ર ૧૬ જિલ્લા છે. રાજધાની ઇમ્ફાલ છે. અહીંના લોકો મિતિ ભાષા બોલે છે જે માત્ર મણિપુરમાં જ નહીં બલકે પાડોશી દેશમાં પણ જાણીતી છે. મ્યાનમાર અને બંગલા દેશના અનેક લોકો આ ભાષા બોલે છે. મણિપુરના સ્થાનિક લોકો અંગ્રેજી ભાષાના પણ સારા એવા જાણકાર છે, જેથી ટૂરિસ્ટોને વાંધો આવે એવું નથી. અહીં સેંકડો વર્ષ સુધી રાજાઓનું શાસન રહ્યું હતું. બાદમાં બ્રિટિશ રાજ આવ્યું. ૧૯૪૭માં મણિપુરને પણ આઝાદી મળી. જોકે ત્યારે એ ભારતમાં સામેલ નહોતું. ૧૯૪૯માં મણિપુરને ભારતમાં સામેલ કરી દેવામાં આવ્યું હતું. આ હતો મણિપુરનો ઇતિહાસ. હવે વર્તમાનની વાત કરીએ તો આ રાજ્ય મ્યાનમારની બૉર્ડર પર આવેલું હોવાથી થોડું સંવેદનશીલ છે ખરું, પરંતુ એને લીધે રાજ્યને અવગણવું પણ ખોટું છે, કેમ કે અહીં આવેલાં દર્શનીય સ્થળો અને અદ્ભુત આકર્ષણો તમને મણિપુરના પ્રેમમાં પાડ્યા વિના રાખશે નહીં.
ઇમ્ફાલ
મણિપુરની રાજધાની હોવા ઉપરાંત ઇમ્ફાલ ટૂરિસ્ટ પ્લેસ તરીકે પણ જાણીતું છે. ઇમ્ફાલની ફરતે સાત પહાડ આવેલા છે, જે એને આકર્ષક બનાવે છે. હવે અહીં જોવાલાયક સ્થળોની વાત કરીએ તો યુદ્ધ કબ્રસ્તાન એટલે કે વૉર સિમેટ્રી બનાવેલી છે. ભારતીય અને બ્રિટિશ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાના હેતુ સાથે આ જગ્યા બનાવવામાં આવી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇમ્ફાલનું નામ વિશ્વ સમક્ષ આવ્યું હતું જ્યારે ઇમ્ફાલ અને કોહિમાની વચ્ચે યુદ્ધ થયું હતું, જેનો ઉલ્લેખ ઇતિહાસના પાના પર પણ કરવામાં આવેલો છે. અહીંના લોકોએ આ જગ્યાને વ્યવસ્થિત રીતે મેઇન્ટેન કરી રાખી છે. અહીંનું બીજું આકર્ષણ છે ગોવિંદાજી મંદિર, જે મણિપુર પૂર્વ શાસકોના મહેલની બાજુમાં બનાવવામાં આવેલું છે. વૈષ્ણવપંથીઓમાં મંદિર અત્યંત લોકપ્રિય છે. મંદિરનું સ્ટ્રક્ચર વધુ આકર્ષક નથી તેમ છતાં અહીંની નીરવ શાંતિ અને આહલાદક વાતાવરણ તમને ઘણાં ગમશે. આ સિવાય અહીં જોવા માટે કાંગલા કિલ્લા, સિરોહી રાષ્ટ્રીય ઉદ્યાન, મણિપુર સંગ્રહાલય, મટાઈ ગાર્ડન, મણિપુર ઝુઓલૉજિકલ ગાર્ડન જોવા જેવાં છે.
તરતો ટાપુ
તરતી હોટેલો વિશે તો આપણે સાંભળ્યું છે, પરંતુ આ તરતો ટાપુ વળી કેવો. મણિપુરમાં ઈમ્ફાલથી ૩૦ કિલોમીટરના અંતરે આવેલા લોકાટક સરોવરમાં તરતાે ટાપુ આવેલો છે. જાણે કોઈ નાવ ચાલી રહી હોય એ રીતે આ ટાપુઓ વર્ષોથી પાણીમાં તરે છે. વળી નવાઈની વાત એ છે કે અહીં એક-બે નહીં, પરંતુ અનેક નાના-નાના ટાપુઓ છે જે તરતા જોવા મળે છે. અહીંના લોકો એને કુમડી નામે સંબોધે છે. આ ટાપુ પર વિશિષ્ટ પ્રકારના ડાન્સિંગ ડીઅર રહે છે. આ ટાપુઓ ધીરે-ધીરે પાણીમાં ઘસાતા હોવાથી એનું ક્ષેત્રફળ ઘટી રહ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કાનફૂટી નામની વનસ્પતિ પ્લાસ્ટિકના જેવો ગુણધર્મ ધરાવે છે. એટલે કે એ પાણીમાં ડૂબતી નથી, પરંતુ તરતી રહે છે. વર્ષોથી આવા પ્રકારની વનસ્પતિ આ પાણીમાં ઊગી નીકળેલી છે, જેની ફરતે બીજી અનેક વનસ્પતિ અને ઘાસ ઊગી નીકળ્યાં છે. વર્ષોથી આ પ્રક્રિયા ચાલુ રહેવાને લીધે અહીં ઘાસ અને વનસ્પતિનો પાંચ ફીટ જેટલો જાડો થર જામી ગયો છે, જેને લીધે ઘાસના ટાપુઓનું નિર્માણ થઈ ગયું છે. આવા પ્રકારનો ઘાસનો તરતો ટાપુ વિશ્વમાં બીજે કશે નથી એવી જાણ થતાં અહીંના લોકો આ સ્થળને ટૂરિઝમ ક્ષેત્ર તરીકે વિકસાવી રહ્યા છે.
ઉખરુલ
ઉખરુલમાં કુદરતી અને આંખને ગમે રાખે એવાં દૃશ્યોની ભરમાર છે. મણિપુરમાં મસ્ટ વિઝિટ કરવા જેવાં સ્થળોની યાદીમાં ઉખરુલનું નામ સામેલ કરવા જેવું છે. જો તમને ભીડભાડ, ગીચતા, ઊંચાં-ઊંચાં મકાનો અને પૉલ્યુશનથી દૂર જવા માગતા હો તો આ પ્લેસ બેસ્ટ રહેશે. અહીં જોવા જેવા સ્થળોમાં ખાયાંગ પીક, શિરુઈ કાશિંગ પીક, કચોફુંગ ઝીલ ઘણાં જ રમણીય છે. પુરાતત્ત્વમાં રસ ધરાવનાર લોકોને ખાંગખુઈ ગુફા ગમશે. નિલાઈ ટી સ્ટેટ, હુંડગ ગગવા ગુફા, અંગો ચિંગ આ સ્થળને ગ્રીન ટાઉન તરીકે ઓળખ આપે છે. પ્રખ્યાત સિરોય લીલીનાં પુષ્પો પણ અહીંના પર્વતો પર જ થાય છે. મે અને જૂન મહિનામાં અહીંના પર્વતો લીલીનાં પુષ્પોથી આચ્છાદિત થઈ જાય છે. ડંકન પાર્ક અને અલ શૅદાઈ પાર્ક પ‌િકન‌િક સ્પૉટ તરીકે ઓળખાય છે. અહીંનાં આકર્ષણોની જેમ અહીંના લોકો પણ એટલા જ ફેમસ છે. કહેવાય છે કે અહીં વસતા આદિવાસી લોકો યુદ્ધકલામાં ખૂબ જ હોશિયાર હોય છે એટલું જ નહીં, તેઓ સાક્ષરતાની બાબતે પણ ઊંચી ટકાવારી ધરાવે છે. ઉખરુલ આવવા માટેનો શ્રેષ્ઠ સમય ગરમીનો છે, જ્યારે અહીંની સુંદરતા સોળે કળાએ ખીલી ઊઠે છે.
તામેન્ગલાંગ
ચિત્રકારે દોરેલા સુંદર પહાડોનાં ચિત્ર જેવા ચારે તરફ ફેલાયેલા પહાડોની વચ્ચે આવેલું તામેન્ગલાંગ મણિપુરની વધુ એક દેન છે. દુર્લભ ઑર્ક‌િડની જાતો તેમ જ ખૂબ જ જૂજ પ્રમાણમાં જોવા મળતાં પ્રાણી અને પક્ષીઓ અહીં જોવા મળે છે. હૉગ હરણ, જંગલી સુવ્વર, જંગલી કૂતરા અને દીપડા અહીં છે. કેટલાક સ્થાને જંગલી ચિત્તા પર દેખાઈ આવે છે. કેટલાક તો એને હૉર્નબિલની ભૂમિ તરીકે પણ ઓળખાવે છે. આ વિસ્તાર વન્યજીવો અને જંગલોથી આચ્છાદિત છે, જેને લીધે અહીં માનવ વસ્તી પણ ઓછી છે. મણિપુરની સૌથી ઓછી વસ્તી ધરાવતો વિસ્તાર તામેન્ગલાંગ છે. આવાં જંગલો અને પહાડીની વચ્ચે વસેલાં નાનાં ગામો સુંદર દૃશ્યનું નિર્માણ કરે છે. પરંતુ સુંદરતાને દાગ લાગતા હોય છે તેમ અહીં પણ એવું જ છે. અહીંનાં પથ્થર અને માટી એવાં છે જેને લીધે અહીં વારંવાર જમીન ધસવાની ઘટના બનતી રહે છે. અહીં જોવા જેવાં સ્થળમાં બરાક નદી, થારોન ગુફા, ઝીલાદ ઝીલ, ચારાગાહ(ઘાસનું મેદાન) નો સમાવેશ થાય છે. ચોમાસા સિવાય અહીં કોઈ પણ મોસમમાં આવી શકાય છે. ચોમાસામાં અહીં ઘણો કીચડ થઈ જતો હોય છે તેમ જ જમીન ધસવાનું પ્રમાણ પણ વધી જતું હોય છે.
થૌબલ
મણિપુરમાં આવેલાં અન્ય શહેરોની સરખામણીમાં થૌબલ ઘણું વિકસિત છે. શહેરનાં મોટા ભાગનાં સ્થળો થૌબલ નદીના કિનારે વસેલાં છે. થૌબલ શહેર ઉખરુલ અને ઇમ્ફાલની વચ્ચે આવેલું છે. ફરવાની સાથે શૉપિંગ કરવાના પણ ઘણા ઑપ્શન મળી રહેશે. અહીંની બજારમાં સ્થાનિક લોકો દ્વારા પહેરવામાં આવતાં કપડાં ઉપરાંત હાથેથી બનાવેલી વસ્તુઓ વેચાતી જોવા મળશે. શહેરના બહારના ભાગમાં પિકનિક માટે ઘણાં સ્થળો છે ઉપરાંત ટ્રેકિંગ કરવા માટે પણ પ્રૉપર પ્લેસ છે. ઍડવેન્ચર ઍક્ટિવિટી ઉપરાંત અહીં અનેક ઝરણાં અને નદીઓ આવેલાં છે જે ટૂરિસ્ટને માટે પર્ફેક્ટ પ‌િકન‌િક પૉઇન્ટ્સનું નિર્માણ કરે છે. અગાઉ આ વિસ્તાર ખેતી માટે જાણીતો હતો, પરંતુ ધીરે-ધીરે અહીંના લોકો પશુપાલન તરફ જવા લાગ્યા તો બીજા કાચા રેશમના વ્યવસાય તરફ ઝૂકી ગયા.
સેનાપતિ
અગેઇન અહીં ગ્રીનરી જ મળશે. પ્રકૃતિપ્રેમીઓને આ સ્થળ ચોક્કસ ગમશે જ. સેનાપતિ એ મણિપુરનો એક જિલ્લો છે. અહીં ઇન્ડસ્ટ્રીએ હજી સુધી પગ નાખ્યા ન હોવાથી આ જિલ્લામાં હજી પણ કુદરતી સૌંદર્ય યથાવત રહ્યું છે. આટલી સુંદર અને વિશાળ જગ્યાઓ છે એટલે અહીં ઍડવેન્ચર ઍક્ટિવિટી માટે ઘણો સ્કોપ છે. અહીં આસપાસ ફરવા માટે ઘણી જગ્યાઓ છે.  દર વર્ષે હજારો લોકો અહીં આવે છે. સેનાપતિ વિશે હજી પણ વિશ્વમાં ઘણા લોકો અજાણ છે, પરંતુ જેઓ અહીં આવ્યા છે તેઓ અહીંના વાતાવરણ અને જગ્યાને જોઈને મંત્રમુગ્ધ બની ગયા છે. સેનાપતિનો ૮૦ ટકા જેટલો વિસ્તાર જંગલોથી ઘેરાયેલો છે. એટલે અહીં વિશિષ્ટ કહી શકાય એવી જડીબુટ્ટી પણ થાય છે જે વિવિધ દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. ઇતિહાસની સાથે પણ આ સ્થળનો સબંધ ઘણો જૂનો છે. કહેવાય છે કે બ્રિટિશ સમયગાળા દરમિયાન બ્રિટિશરોએ પૂર્વનાં સ્થળો પર પોતાની પકડ મજબૂત કરવા માટે સેનાપતિને મુખ્ય ગઢ બનાવ્યો હતો. મણિપુરમાં આવેલાં અન્ય સ્થળોની જેમ અહીં પણ ચોમાસા સિવાય અન્ય સમયગાળા દરમ્યાન આવી શકાય છે.
ચંદેલ
ભારત અને મ્યાનમારની સીમા પર આવેલું ચંદેલ આમ તો ઘણું નાનકડું છે, પરંતુ જોવા જેવું છે જેનું કારણ છે હુલોક ગિબન. આ કોઈ સ્થળ નથી, પરંતુ વાંદરાનું નામ છે જે ભારતમાં માત્ર અહીં જ જોવા મળતો હોવાનું કહેવાય છે. આ સિવાય અહીં નાની પૂંછડીવાળા અને ડોલતા-ડોલતા ચાલતા વાંદરા તેમ જ સુવ્વર જેવી પૂંછડીવાળા વાંદરા પણ અહીં જોવા મળી રહે છે. વાંદરા તો ઠીક, અહીં માંસાહારી પ્રાણીઓ પણ ખૂબ છે. મહાકાય પ્રાણી હાથી અને તેમાં પણ મ્યાનમારના હાથી અહીં જોવા મળે છે જેઓ ઠંડીથી બચવા માટે અહીં આવી જતા હોય છે. ટૂંકમાં ચંદેલ એક ફૉરેસ્ટ ટૂરનો અનુભવ કરાવીને જાય છે.
મણિપુરી નૃત્ય
ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાનું એક નૃત્ય મણિપુરી નૃત્ય છે. જો તમે ક્યારે આ નૃત્ય જોયું હશે તો તમને અંદાજ હશે કે મણિપુરી નૃત્ય મોટે ભાગે રાધાકૃષ્ણ ની રાસલીલાની આસપાસ જ ગૂંથાયેલું રહે છે. બીજું એ કે અન્ય નૃત્યોની જેમ આમાં નર્તક અને નર્તકીઓ વાદ્યની સાથે તાલ મેળવવા માટે પગે ઘૂંઘરુ નથી બાંધતાં. તેવી જ રીતે નૃત્ય કરતી વખતે પગને જમીન પર ક્યારેય નથી ઠોકતા. નૃત્ય દરમિયાન શરીરના હલનચલન તથા ચહેરા ઉપરના હાવભાવ પણ મૃદુ અને શાંત હોય છે. આ નૃત્ય એક વર્તુળાકાર ચાલ સાથે કરવામાં આવે છે. નૃત્ય વખતે પગને પણ ચોક્કસ પ્રકારે જમીન પર મૂકવામાં આવે છે. આ તમામ વિશેષતાને લીધે આ નૃત્ય અન્ય શાસ્ત્રીય નૃત્ય કરતાં અલગ તરી આવે છે. આજે સોશિયલ મીડિયાને લીધે મિનિટોની અંદર કોઈ પણ નૃત્યને ફેમસ બનાવી શકાય છે પરંતુ અગાઉ એવું હતું નહીં, જેથી મણિપુરી નૃત્ય વિશે ભારતનાં અન્ય રાજ્યોમાં જાણકારી અને લોકપ્રિયતા ઓછી હતી. ત્યારે રવીન્દ્રનાથ ટાગોરે આ નૃત્યને દુનિયાની સમક્ષ લાવવામાં સહાયતા કરી હતી. અને આજે આ નૃત્ય ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત છે.
શું ખાશો?
નોર્થ-ઇસ્ટમાં ફરવા આવનારા લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ જ હોય છે કે ખાવાનું આપણને ફાવશે? આવો સવાલ આવવો સામાન્ય છે, કેમ કે અહીંનાં રાજ્યોના ખોરાકમાં નૉન-વેજનો ઉપયોગ વધુ થતો હોય છે જેથી વેજિટેરિયન લોકોને મુશ્કેલી નડી શકે છે. વેજિટેરિયન વાનીમાં ઑપ્શન લિમિટેડ હોય છે, અહીં પ્રમાણમાં ઉકાળેલું ભોજન વધુ પીરસાય છે. તેમ જ મસાલાનો ઉપયોગ ઓછો કરે છે. અહીંની પ્રખ્યાત વાનગીમાં ચામથૉગ સૂપનો સમાવેશ થાય છે જે એક વેજિટેરિયન વાની છે. બીજી શાકાહારી વાનગીમાં સિંગજું સલાડ આવે છે. સ્વીટમાં ચાહાઓ ખીર અહીંની પ્રિય વાનગી છે.

જાણી-અજાણી વાતો
નાનકડું લાગતું આ રાજ્ય મોટી જનસંખ્યા ધરાવે છે. મણિપુરી ભાષામાં વાત કરનાર લોકોની સંખ્યા વિશ્વભરમાં લગભગ ૧૫ લાખ જેટલી છે.
અહીંના લોકો કલા અને સંસ્કૃતિપ્રેમી છે. અહીં ભાગ્યે જ એવી કોઈ સ્ત્રી હશે જેને ગીત અને નૃત્ય કરતાં આવડતું નહીં હોય.
ખૂબ જ જૂજ પ્રમાણમાં જોવા મળતાં એવા શિરાય લીલી ફૂલો અહીં ઊગે છે.
મણિપુરના લોકો સારા ઘોડેસવાર ગણાય છે, એવું પણ કહેવાય છે કે પૉલો રમતની શરૂઆત પણ અહીંથી જ થઈ હતી.
અહીં ખવેરમંદ નામક એક માર્કેટ આવેલું છે, આ માર્કેટ દેશનું એકમાત્ર એવું માર્કેટ છે કે જેનું સંચાલન માત્ર સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે.
અહીંનું ભાલા નૃત્ય વિશ્વભરમાં જાણીતું છે, જેને જોવા લોકો દૂરથી દૂરથી આવતાં રહે છે.
મણિપુરમાં આવેલા થૌબલમાં દરેક ઘરોની બહાર પુષ્કળ પ્રમાણમાં વિવિધ પ્રકારના ઝાડ ઉગાડેલાં જોવા મળે છે.

ક્યારે અને કેવી રીતે જશો?
નવેમ્બરથી એપ્રિલ મહિના સુધીનો સમય અહીં આવવાનો બેસ્ટ સમય છે. મણિપુર પોતાનું ઍરપોર્ટ ધરાવે છે જ્યાંથી રાજ્યના અન્ય સ્થળે જઈ શકાય છે. આ ઍરપોર્ટ ઈમ્ફાલથી આઠ કિલોમીટરના અંતરે આવેલું છે. જો ટ્રેનથી અહીં આવવા માગતા હોવ તો મણિપુર આવવા માટે આસામમાં આવેલા દિમાપુર ખાતે ઊતરવું પડશે, જે ઈમ્ફાલથી ૨૧૫ કિલોમીટરના અંતરે આવેલું છે. આ સિવાય જો રોડ માર્ગે અહીં સુધી આવવા માગતા હોવ તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે અહીંના રસ્તા ઘણા સરસ છે. ગુવાહાટી, અગરતલા, દિમાપુર, શિલોંગ અને કોહીમા શહેર મણિપુરને એનએચ ૩૬થી જોડે છે.

આ પણ વાંચો : જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?

travel news