સોલાપુરમાં મળી આવી ૨૦૦૦ વર્ષ જૂની ભુલભુલામણી

11 January, 2026 04:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રખ્યાત ભુલભુલામણી સંશોધક જેફ સૅવર્ડનું કહેવું છે કે ‘આ ભુલભુલામણી એની રચના પ્રમાણે ક્લાસિકલ શ્રેણીની છે, પરંતુ એની મધ્યમાં ઉમેરાયેલો સર્પાકાર આકાર ખાસ કરીને ભારત માટે વિશિષ્ટ લક્ષણ છે, જેને ઘણી વાર ‘ચક્રવ્યૂહ’ તરીકે ઓળખવામાં આવે છે.’

સોલાપુરમાં મળી આવી ૨૦૦૦ વર્ષ જૂની ભુલભુલામણી

તાજેતરમાં મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના બોરમણી ઘાસમેદાન વિસ્તારમાં પુરાતત્ત્વવિદો અને સંરક્ષણકારોએ એક અદ્ભુત પ્રાચીન વર્તુળાકાર ભુલભુલામણી જેવી રચના શોધી કાઢી છે જે સાતવાહન વંશના સમયકાળ સાથે બંધબેસે છે. આ શોધે ભારત તેમ જ વિદેશના ઇતિહાસકારો અને વારસાની સંશોધક સંસ્થાઓનું ધ્યાન ખેંચ્યું છે

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં આવેલા બોરમણી ઘાસમેદાનમાં તાજેતરમાં થયેલી એક શોધે પુરાતત્ત્વ જગતમાં નવી ચર્ચા જગાવી છે. પથ્થરોની સૂચિત ગોઠવણીથી બનેલી એક વિશાળ વર્તુળાકાર ભુલભુલામણી જેને અત્યાર સુધી ભારતમાં મળેલાં સૌથી મોટાં આવાં માળખાંમાંની એક માનવામાં આવે છે એ હજારો વર્ષ જૂના ઇતિહાસનાં અજાણ્યાં પાનાં ખોલે છે. અગાઉ પશ્ચિમ મહારાષ્ટ્રના સાતારા, સાંગલી અને કોલ્હાપુર વિસ્તારોમાં પણ આવી રચનાઓ મળી છે પરંતુ આ સંશોધન એટલું ખાસ છે કે એણે વિશ્વભરના સંશોધકો અને પુરાતત્ત્વવિદોનું ધ્યાન ખેંચ્યું છે.

કેવી રીતે આ ભુલભુલામણી મળી?

આશરે ૫૦ ફીટ×૫૦ ફીટ વિસ્તાર ધરાવતી અને ૧૫ વર્તુળ માર્ગો (સર્કિટ્સ) ધરાવતી આ ભુલભુલામણી સૌપ્રથમ નેચર કન્ઝર્વેશન સર્કલ નામના એક NGOના સભ્યોને નજરે પડી હતી. આ સંસ્થા બોરમણી ઘાસમેદાન સફારી અભયારણ્યમાં કાર્યરત છે. વન્યજીવનની દેખરેખ દરમિયાન તેમને પથ્થરોની આ અસામાન્ય ગોઠવણી દેખાઈ, જેના બાદ તેમણે તરત જ પુરાતત્ત્વવિદોને જાણ કરી હતી. પુણેની ડેક્કન કૉલેજના પુરાતત્ત્વવિદ સચિન પાટીલે આ રચનાને ભુલભુલામણી તરીકે ઓળખી. નાના પથ્થરો ગોઠવીને આ માર્ગો બનાવવામાં આવ્યા છે અને એની વચ્ચેની માટીથી સ્પષ્ટ થાય છે કે આ સ્થળને સદીઓ સુધી કોઈએ ખલેલ પહોંચાડેલી નથી.

સાતવાહન વંશ વિશે જાણો

સાતવાહન વંશ પ્રાચીન ભારતનો એક મહત્ત્વપૂર્ણ રાજવંશ હતો જેણે ઈસવી પૂર્વ પ્રથમ સદીથી લઈને ઈસવી સન ત્રીજી સદી સુધી ડેક્કન પ્રદેશ પર શાસન કર્યું હતું. આજના મહારાષ્ટ્ર, તેલંગણ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના કેટલાક ભાગો તેમના શાસન હેઠળ હતા. સાતવાહન શાસકો વેપારપ્રિય હતા અને તેમના સમયમાં ભારત–રોમન વેપાર બહુ વિકસ્યો, જેના પુરાવારૂપે રોમન સિક્કાઓ ભારતના અનેક ભાગોમાં મળ્યા છે. તેઓ હિન્દુ અને બૌદ્ધ ધર્મના આશ્રયદાતા હતા અને અજન્તા, નાશિક અને કાર્લા જેવી ગુફાઓનો વિકાસ તેમના સમયમાં થયો. પ્રાકૃત ભાષાને રાજ્યાશ્રય આપનાર સાતવાહનોએ ડેક્કન વિસ્તારમાં સ્થિર શાસન અને સાંસ્કૃતિક સમૃદ્ધિ સ્થાપ્યાં. તેથી ભારતીય ઇતિહાસમાં તેમનું વિશેષ સ્થાન છે.

ઐતિહાસિક સમયગાળો

પુરાતત્ત્વવિદોના અંદાજ મુજબ આ ભુલભુલામણી લગભગ ૨૦૦૦ વર્ષ જૂની છે. એનો સમયગાળો ઈસવી સન પહેલીથી ત્રીજી સદી વચ્ચેનો માનવામાં આવે છે જે સાતવાહન વંશના સમય સાથે મેળ ખાય છે. ડેક્કન પ્રદેશ સાતવાહન વંશના શાસન દરમ્યાન આ વિસ્તાર રાજકીય સ્થિરતા, વેપાર અને સાંસ્કૃતિક આદાનપ્રદાન માટે જાણીતો હતો. એ સમય દરમિયાન પશ્ચિમ ભારતના દરિયાકાંઠાનાં બંદરોને આંતરિક પ્રદેશો સાથે જોડતા વેપારમાર્ગો સક્રિય હતા. આ શોધને ઐતિહાસિક રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે એ દર્શાવે છે કે ભૂતકાળમાં આ વિસ્તારમાંથી લાંબા અંતરના વેપારમાર્ગો પસાર થતા હતા. પુરાતત્ત્વવિદ સચિન પાટીલના જણાવ્યા અનુસાર આ ભુલભુલામણી આ વિચારને વધુ મજબૂત બનાવે છે કે પ્રાચીન સમયના તેર (Ter) શહેરને આજના ધારાશિવ જિલ્લાના રોમ સાથે મજબૂત વ્યાપારિક સંબંધો હતા. આ વેપારીઓ મસાલા, રેશમ અને ઇન્ડિગો (નીલ) રંગના બદલે સોનું, વાઇન અને આભૂષણ માટે વપરાતાં કીમતી રત્નોનો વેપાર કરતા હતા.
આ રચનાની ડિઝાઇન મેડિટેરેનિયન વિસ્તાર, ખાસ કરીને ગ્રીસના ક્રિટ દ્વીપ પર મળતાં પ્રાચીન નાણાં પર જોવા મળતાં ભુલભુલામણીનાં ચિહ‍્નો જેવી છે. સદીઓ દરમિયાન આ રચના કુદરતી ઘાસમેદાનમાં દટાઈ ગઈ અને માનવીય પ્રવૃત્તિથી દૂર રહી, જેના કારણે એ મોટા ભાગે અખંડિત રહી. હજી સુધી ભારતમાં જાણીતી સૌથી મોટી વર્તુળાકાર ભુલભુલામણીમાં માત્ર ૧૧ વલયો (rings) હતા. જોકે તામિલનાડુના ગેડિમેડુમાં એક વધુ મોટી ચોરસ આકારની ભુલભુલામણી અસ્તિત્વમાં છે, તેમ છતાં તાજેતરમાં સોલાપુરમાં મળેલી આ રચના દેશની સૌથી મોટી વર્તુળાકાર ભુલભુલામણી હોવાનું માનવામાં આવે છે અને કુલ કદની દૃષ્ટિએ એ ભારતમાં બીજા ક્રમે આવે છે.

travel travel news travelogue maharashtra news solapur