આ શ્રાપને લીધે માત્ર પુષ્કરમાં પુજાય છે બ્રહ્મ દેવ

24 January, 2019 06:19 PM IST  | 

આ શ્રાપને લીધે માત્ર પુષ્કરમાં પુજાય છે બ્રહ્મ દેવ

બ્રહ્મદેવનું પુષ્કરમાં આવેલું એક માત્ર મંદિર.

મહાભારતના એક પ્રસંગમાં ભીષ્મ પિતામહની સાથે જુદા જુદા તીર્થસ્થાનોની ચર્ચા કરતી વખતે પુલસ્ત્ય ઋષિએ પુષ્કરનું સૌથી પવિત્ર સ્થળ જણાવીને તેની મહિમાનું ગુણગાન કર્યું છે. ત્રણ દેવો (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ)માં વિષ્ણુદેવ અને શિવજીના અગણિત મંદિરો પ્રત્યેક સ્થળે જોવા મળે છે. પણ પુષ્કર સિવાય આખા જગતમાં બ્રહ્માજીનું કોઈ મંદિર નથી.

પુષ્કરમાં આવેલ બ્રહ્મદેવનું મંદિર

લોકપ્રિય વાર્તા

ઘણીવાર લોકોના મનમાં જિજ્ઞાસા થતી હોય છે કે આખરે આવું કેમ? પદ્મ પુરાણની એક વાર્તા પ્રમાણે ધરતી પર વ્રજનાશ નામના રાક્ષસથી કંટાળીને બ્રહ્માજીએ તેનો વધ કરી નાખ્યો, તે જ સમયે તેમના હાથમાંથી ત્રણ કમળ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં તળાવો બની ગયા. એ જ ઘટના પછી આ સ્થાનનું નામ પુષ્કર પડી ગયું. ત્યાર બાદ વિશ્વ કલ્યાણ માટે બ્રહ્માજીએ યજ્ઞ પણ કરવાનો પ્રયત્ન કર્યો, જેમાં હવન કરવા માટે પત્નીનું સાથે બેસવું જરૂરી હતું. કોઈ કારણસર તેમની પત્ની સરસ્વતીને પહોંચવામાં મોડું થઈ ગયું તો બ્રહ્મદેવે મૃત્યુલોકમાં કોઈ અન્ય કન્યા સાથે વિવાહ કરી લીધા. જ્યારે દેવી સરસ્વતીએ પોતાના પતિ સાથે કોઈ અન્ય સ્ત્રીને બેઠેલી જોઈ ત્યારે તે અત્યંત રોષે ભરાઈ. તે જ ક્ષણે તેમણે બ્રહ્મદેવને શ્રાપ આપ્યો કે આ સ્થળને છોડીને સમસ્ત જગતમાં તેમનું પૂજન નહીં કરવામાં આવે.

પુષ્કર સરોવરને કૈલાશ માનસરોવર જેટલું જ પવિત્ર માનવામાં આવે છે. અહીં ત્રણ તળાવ છે, જે જ્યેષ્ઠ, મધ્યમ અને લઘુ પુષ્કરને નામે પ્રખ્યાત છે. જ્યેષ્ઠના દેવ બ્રહ્મદેવ, મધ્યમના દેવ વિષ્ણુદેવ અને લઘુ પુષ્કરના દેવ મહેશ છે.

પુષ્કરમાં આવેલ બ્રહ્મદેવનું મંદિર

મંદિરની મહિમા

પુષ્કર તીર્થ અજમેરથી 12 કિમી દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવેલ છે. અહીં દિવસના ત્રણ પહોરમાં થતા ભજન-પૂજન અને આરતીમાં મોટી સંખ્યામાં તીર્થયાત્રીઓ ભેગા થાય છે. આ મંદિરની રચના અને તેનો શણગાર ખૂબ જ સુંદર છે. અહીં ચાંદીની ચૌકી ઉપર ચાર હાથવાળા બ્રહ્મદેવની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. તેની ડાબી બાજુ સાવિત્રી અને જમણી બાજુ ગાયત્રી દેવીને સ્થાન આપવામાં આવ્યું છે. આ મંદિર રાજસ્થાનના રત્નગિરિ પર્વતની તળેટી પર આવેલું છે. જેનું નિર્માણ 14મી શતાબ્દીમાં થયો હતો.

આ જગતપિતા બ્રહ્માજીનું એકમાત્ર મંદિર છે. તેથી આ ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય વારસો છે. એવી માન્યતા છે કે મહાકવિ કાલિદાસે પોતાના મહાકાવ્ય 'અભિજ્ઞાન શાકુંતલમ'ની રચના આ સ્થળે જ કરી હતી. અહીં આસપાસના મહત્ત્વના જોવાલાયક સ્થળોમાં શ્રી રંગરાજજી, નરસિંહ ભગવાન, વરાહ દેવ અને આત્મેશ્વર મહાદેવનું મંદિર પણ સામેલ છે.

આ પણ વાંચો : કેમ આવે લોકો પોતાની માનતાઓ લઈને વૈષ્ણવ દેવી?

એવી માન્યતા છે કે અહીં સૂર્ય, વસુ, રૂદ્ર, સાંધ્ય, મારૂત, ગંધર્વ વગેરે દેવો અહીં આઠે પ્રહર વસે છે. સનાતન ધર્મમાં પુષ્કર કુરુક્ષેત્ર, ગયા, ગંગા અને પ્રયાગ ક્ષેત્રને પંચતીર્થ કહેવામાં આવ્યા છે. અહીં પરિક્રમા કરતી વખતે કેટલાય મહર્ષિઓને તપોભૂમિના દર્શન થયા છે. પહેલા અજમેર પહોંચીને ત્યાંથી ટેક્સી કે બસ દ્વારા પુષ્કર જવા માટે નીકળી શકો છો. કારણકે કારતકી પૂનમના બ્રહ્મદેવે પુષ્કરમાં યજ્ઞ કર્યો હતો, તેથી અહીં દર વર્ષની અગિયારસથી પૂનમ સુધી કારતક અને વૈશાખ મહિનામાં વિશાળ મેળો ભરાય છે. ઊંટ અને ઘોડાની સ્પર્ધા સિવાય પારંપરિક નૃત્ય-સંગીત મેળાનું ખાસ આકર્ષણ છે. પુષ્કરમાં જ કંઈક એવો જાદુ છે જે લોકોને આપમેળે પોતાની તરફ આકર્ષે છે.

travel news