કશ્મીર સે કન્યાકુમારી તક... ગુજરાત સે પૂરે અરુણાચલ તક...

25 January, 2026 01:56 PM IST  |  Mumbai | Alpa Nirmal

હર હિન્દુસ્તાની કે દિલ કા જઝ્‍બા કહ રહા હૈ, ભારતમાતા કી જય... જય... જય...

હર હિન્દુસ્તાની કે દિલ કા જઝ્‍બા કહ રહા હૈ, ભારતમાતા કી જય... જય... જય...

રામાયણમાં વાલ્મીકિજી લખે છે, ‘જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી...’ અર્થાત્ જનની અને જન્મભૂમિનું સ્થાન સ્વર્ગથીયે ઊંચું છે. આવતી કાલે દરેક ભારતીયો માટે સૌથી મોટો તહેવાર છે પ્રજાસત્તાક દિન. એ અવસરે આજે જઈએ ભારતમાતાના મંદિરે. ભલે આ દેવી કાલ્પનિક હોય, પરંતુ તે દરેક ઇન્ડિયન્સની પાલનકર્તા, પોષણકર્તા છે

કાશી વિશ્વનાથ મંદિરના પરિસરમાં આવેલી ભારતમાતાની મૂર્તિ તથા બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના સંગમસ્થળ કન્યાકુમારીની ભૂમિ પર ઊભેલાં મધર ઇન્ડિયા માત્ર સેલ્ફી-પૉઇન્ટ નથી, એ તો દેશબાંધવોના સ્વદેશાભિમાનને રીચાર્જ કરવાના ચાર્જિંગ-પૉઇન્ટ્સ છે.

મુંબઈના વિક્રોલી-ઈસ્ટમાં પણ ભારતમાતાનું નાનકડું સ્થાનક છે. ચાર સિંહ પર અસવાર મધર ઇન્ડિયાની માર્બલની મૂર્તિ અત્યંત મોહક છે. અહીં નવરાત્રિ તેમ જ અન્ય તહેવારોએ ખાસ અનુષ્ઠાન થાય છે.

૧૯૩૦ની ૨૬ જાન્યુઆરીએ ભારતીય રાષ્ટ્રીય કૉન્ગ્રેસ દ્વારા પૂર્ણ સ્વરાજની ઘોષણા કરવામાં આવી હતી અને ભારતવાસીઓએ અંગ્રેજી શાસનથી પૂરી આઝાદી મેળવવાનો સંકલ્પ લીધો હતો. એ ઐતિહાસિક દિવસની સ્મૃતિમાં ૨૬ જાન્યુઆરીએ જ ભારતમાં સંવિધાન લાગુ કરવાનું ઠરાવાયું હતું.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ગયા વર્ષે ભારતમાતાનું ચિહ્‍ન અંકિત કરેલો ૧૦૦ રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો.

બંગાળના પ્રસિદ્ધ સાહિત્યકાર કિરણચંદ્ર બંદોપાધ્યાયે લખેલું નાટક ‘ભારતમાતા’ પ્રથમ વખત ઈ. સ. ૧૮૭૩માં ભજવાયું અને હિન્દુસ્તાનના રહેવાસીઓને શબ્દ મળ્યો ભારતમાતા. એ પછી બંગાળના ટાગોર-પરિવારના ચિત્રકાર અવનીન્દ્રનાથ ટાગોરે ૧૯૦૫માં પહેલી વખત ભારતમાતાનું કાલ્પનિક ચિત્ર તૈયાર કર્યું. કેસરિયા સાડીમાં સજ્જ ચારભુજાધારી દેવી જેમના એક હાથમાં પુસ્તક, એકમાં માળા, ત્રીજામાં શ્વેત વસ્ત્ર અને ચતુર્થ હસ્તમાં ધાન્યનો લચ્છો હતો અને એ પેઇન્ટિંગ દ્વારા સમસ્ત દેશવાસીઓને ભારતમાતાની છબિ પ્રાપ્ત થઈ. 
જોકે સ્વતંત્રતા પછી (ભારત+અમ્બા) ભારતમ્બાને નવો ચહેરો મળ્યો. એમાં ભારતમાતા સિંહની સાથે દેવીની જેમ શણગાર સજીને ઊભાં છે, પરંતુ સામાન્ય માણસની જેમ એમાં તેમના બે જ કર છે જેમાં એકમાં તેમણે ત્રિરંગો પકડ્યો છે અને જમણો હસ્ત આશીર્વાદ આપતી મુદ્રામાં છે. માતૃદેવીના રૂપમાં રહેલી ભારતમાતાનું વરદમુદ્રા ધરાવતું આ સ્વરૂપ હવે રાષ્ટ્રની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખ છે. દેશપ્રેમ અને ભારતની વિરાસતના ગૌરવ સમી આ છબિ દેશમાં થતી રાજકીય ઊથલપાથલ, વિભિન્ન પડકારો સામે ભારતની જનતાને એકજૂટ, અતૂટ અને અડીખમ રહેવાનું અસીમ બળ પૂરું પાડે છે.
વેલ, આવતી કાલે ભારતનો ૭૭મો ગણતંત્ર દિવસ છે. ૧૯૫૦ની ૨૬ જાન્યુઆરીએ ભારતે પોતાનું બંધારણ અમલમાં મૂક્યું અને ભારત ખરા અર્થમાં સ્વાયત્ત બન્યું. સો, આજે ‘મૌકા ભી હૈ ઔર દસ્તૂર ભી.’ તો જઈએ આપણા દેશનાં પ્રખ્યાત ભારતમાતાનાં મંદિરોએ. હા, અહીં કોઈ પૌરાણિક કનેક્શન નથી કે નથી ખાસ દિવસોમાં કરાતી ખાસ પ્રકારની પૂજાપદ્ધતિ, પરંતુ એક ભારતીય તરીકે આપણી નૈતિક ફરજ છે કે ભારતમાતાને મત્થા ટેકી આપણી માતૃભૂમિને, આપણી જન્મભૂમિને શત શત નમન કરીએ.

આપણા દેશનાં ત્રણ મુખ્ય તીર્થધામોમાં ભારતમાતાનું મંદિર છે : વારાણસી, હરિદ્વાર અને ઉજ્જૈન. એ પૈકી સૌપ્રથમ જઈએ કાશી. 
વારાણસીની બનારસ હિન્દુ યુનિવર્સિટી વિશે તો સૌને જાણ છે. ૧૯૧૬માં મદન મોહન માલવિયા અને ઍની બેસન્ટે આ વિશ્વવિદ્યાલય સ્થાપવા માટે જે મહેનત કરી હતી એ વિશે પણ થોડી વાતો આપણે જાણીએ છીએ, પણ આ જ બનારસમાં મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ પણ છે જે આઝાદી પૂર્વે ૧૯૨૧માં સ્થપાઈ છે. અંગ્રેજો સામે અસહકાર આંદોલન વખતે બાબુ શિવપ્રસાદ ગુપ્તા અને ભગવાન દાસ દ્વારા સ્થાપિત આ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન સ્વયં મહાત્મા ગાંધીએ કર્યું હતું.
આપણા દેશના સેકન્ડ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજી, સ્વાંતત્ર્યસેનાની ચન્દ્રશેખર આઝાદ, ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ અને ઉત્તર પ્રદેશના દબંગ ચીફ મિનિસ્ટર યોગી આદિત્યનાથ આદિ અનેક નામી-અનામી રાજદ્વારીઓ, ઉદ્યોગપતિ આદિઓ જે વિદ્યાપીઠમાં કેળવાયા (ભણ્યા), દેશદાઝનાં ધાવણ ધાવ્યાં એ વિદ્યાપીઠમાં જ ભારતનું પહેલું, ફક્ત ભારતનું જ શું કામ, સમગ્ર વિશ્વનું પ્રથમ ભારતમાતા મંદિર છે. ઈ. સ. ૧૯૩૬માં ગાંધીબાપુએ આ મંદિરનું ઓપનિંગ કર્યું હતું. અલબત્ત અહીં ભારતમાતાની મૂર્તિ નથી, પરંતુ આરસના એક મોટા સ્લૅબ પર અખંડ ભારતનું ભૌગોલિક માનચિત્ર બનાવાયું છે. આ 3D પિક્ચરમાં મુખ્ય પર્વતમાળાઓ, દરિયા અને નદી પણ દર્શાવાયાં છે. એક વિશાળ હૉલની જમીન પર બનાવાયેલી આ કૃતિ જોવામાં આજે સામાન્ય લાગે; પરંતુ ૯૦ વર્ષ પહેલાં ટાંચાં સાધનો, લિમિટેડ ફન્ડ અને પરદેશી હકૂમતને માત આપીને બનાવાયેલી આ કલાકૃતિને ભારતમાતાના મંદિરનો દરજ્જો પ્રાપ્ત થયો હતો અને આ માતૃભૂમિની છબિએ સ્વાતંત્ર્યસેનાનીઓની દેશદાઝને પ્રજ્જ્વલિત રાખવામાં મોટો ભાગ ભજવ્યો હતો એથી યહાં દંડવત નમન તો બનતા હૈ મેરે પ્યારે દેશવાસીઓ. 
માટે હવે વારાણસી જાઓ ત્યારે ચોક્કસ આ ઐતિહાસિક સ્થળે જજો. સવારે નવથી પાંચ વાગ્યા સુધી ખુલ્લું રહેતું આ સ્થળ શાંત છે ઍન્ડ ફ્રી એન્ટ્રી છે. હા, રવિવારે વિદ્યાપીઠ બંધ હોય છે એથી આ મંદિર પણ બંધ રહે છે.

કન્યાકુમારીમાં પણ છે

એમ તો ૨૦૧૮માં તામિલનાડુના કન્યાકુમારીમાં ‘હનુમાન મંદિર - ભારતમાતા મંદિર’ ખૂલ્યું છે. સવારે આઠથી સાંજે ૭ સુધી ખુલ્લા રહેતા આ મંદિરમાં પ્રવેશવા વ્યક્તિદીઠ ૩૦ રૂપિયાની ટિકિટ લેવી પડે છે, પરંતુ એ વર્થ છે, કારણ કે મંદિરનો સંપૂર્ણ પરિસર તો સુંદર છે અને સાથે શ્રીરામ અને સંપૂર્ણ રામાયણને સમર્પિત આ મંદિરમાં જે-જે પ્રતિમાઓ છે એ કૃતિઓને ખાસ સુગંધી જડીબુટ્ટીઓથી રંગવામાં આવી છે જેથી આખું દેવાલય મઘમઘતું રહે છે. એમાં જ ૮૦૦૦ કિલો તાંબાની બનેલી ભારતમાતાની પ્રતિમા પણ છે અને મંદિરના રક્ષણકર્તા હોય એમ ૬૦ ટનના અખંડ શ્યામ ગ્રૅનાઇટથી બનેલા ઑલ માઇટી હનુમાનદાદા મંદિરની બહાર જ છે. આવા અનન્ય એલિમેન્ટ્સને કારણે આ સ્થળ કન્યાકુમારીનું વન મોર દર્શનીય સ્થળ બની ગયું છે.

હવે ચારધામની તળેટી સમ હરિદ્વારના ભારતમાતાના મંદિરની વાત કરીએ. ૧૯૮૩માં સ્વામી સત્યમિત્રાનંદગિરિ દ્વારા સ્થાપિત આ મંદિરની વિઝિટ ઘણા તીર્થાટનપ્રેમીઓએ કરી હશે, કારણ કે આ મંદિર હરિદ્વારના સીનિક પ્લેસની યાદીમાં છે. વળી મંદિરની બાંધણી પણ ડિફરન્ટ છે. સપ્તઋષિ આશ્રમ પાસે આવેલું આ દેવળ આઠ માળ ઊંચું છે અને દરેક તળ અલગ-અલગ વિષયને સમર્પિત છે. ૧૮૦ ફુટ ઊંચા મંદિરમાં ભારતમાતાની મૂર્તિ સહિત દેશના બલિદાનીઓ, શૂરવીરો, સંતો, બધા ધર્મો તથા સનાતન ધર્મનાં દેવી-દેવતાઓ બિરાજે છે.

પ્રથમ મજલે જ ભારતમાતાની પ્રતિમા છે અને અહીં માતાને ધાર્મિક દેવી જેવો જ શણગાર કરવામાં આવે છે. એક હાથમાં શ્રીફળ સહિતનો કુંભ અને બીજા હાથમાં ધાન્યની ઝૂડી લઈને ઊભેલાં આ માતાને દરરોજ દીવાબત્તી થાય છે, શૃંગાર કરાય છે અને વારતહેવારે ભોગ પણ ધરાય છે. બીજો માળ શૂરમંદિર નામે પ્રસિદ્ધ સ્વાંતત્ર્યવીરોને સમર્પિત છે. અહીં તેમની મૂર્તિઓ રખાઈ છે. ત્રીજા મજલે ભારતીય ઇતિહાસની જીવંત દેવીઓ જેમ કે મીરાબાઈ, સાવિત્રીદેવી, દમયંતી, પદ્‍મિની, અહિલ્યાબાઈ હોળકર આદિને ડેડિકેટ કરાયાં છે જે માતૃમંદિર તરીકે ઓળખાય છે; તો સંતમંદિર ચોથે માળે છે જેમાં વિવિધ ધર્મોના મહાન સંતોની છબિ છે. પાંચમા માળે હિન્દુ, મુસ્લિમ, જૈન, બૌદ્ધ, સિખ આદિ પ્રચલિત ધર્મોના સહઅસ્તિત્વ દર્શાવતાં ભીંતચિત્રો છે. શક્તિને સમર્પિત છઠ્ઠી મંજિલે હિન્દુ ધર્મની દેવીઓની પ્રતિમા છે. સાતમે માળે વિષ્ણુના ૧૦ અવતારોનું આલય છે અને આઠમે મહાદેવાલય છે. દર્શનાર્થીઓ આ આઠેઆઠ માળે દર્શન કરી મા ગંગા અને હિમાલયબાબાનાં દર્શન કરવા નવમે માળે જાય છે, જ્યાંની બાલ્કનીમાંથી પવિત્ર નદી અને પર્વતમાળાનું અનૂઠું રૂપ નજરે ચડે છે. સવારે નવથી સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ મંદિરમાં લિફ્ટની પેઇડ સગવડ પણ છે.

આ દેશનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાનોની સાથે દેશભક્તો અને શહીદોની પૂજા થાય છે. હા, કોઈ કર્મકાંડ નથી કરાતા છતાં આ અનોખા મંદિરની વિઝિટે ભારતીયો સહિત વિદેશીઓ પણ મોટા પ્રમાણમાં આવે છે. એમાંય સીઝન વખતે દેવભૂમિની યાત્રાએ આવતા હજારો યાત્રાળુ ભારતમાતાના મંદિરની મુલાકાત લે છે.

ઉજ્જૈન ખાતે આવેલું ભારતમાતાનું મંદિર બહારથી જુઓ તો કોઈ ભગવાન કે માતાજીને સમર્પિત અદ્દલ ધાર્મિક મંદિર જેવું જ લાગે. ગુલાબી પથ્થરોની કોતરણીયુક્ત કમાનો, તોરણો, સ્તંભ અને શિખર પણ ખરું. વળી પ્રવેશદ્વાર પર સ્વાગત કરતા બે વનરાજ પણ ખરા, ઍન્ડ અબોવ ઑલ શિખર પર ફરકતો કેસરિયો ધ્વજ દર્શનાર્થીઓને બે ઘડી અચંબિત જ કરી દે છે કે ખરેખર આ મંદિર ભારતમાતા એટલે કે આપણી માતૃભૂમિનું છે? 


ઉજ્જૈન

૨૦૧૯માં મહાકાલ કૉરિડોરમાં બનેલા મધર ઇન્ડિયાના આ ટેમ્પલમાં પ્રવેશ કરતાં પૂર્વે જ બહારની તરફ ભારતની ભૌગોલિક ભવ્યતા અને સમૃદ્ધ ઇતિહાસ દર્શાવતો આપણા દેશનો લાર્જ મૅપ છે. આ થ્રી-ડાયમેન્શનલ નકશામાં અખંડ ભારતની પવિત્ર નદીઓ, શિખરો સાથે પાવન તીર્થધામો પણ દર્શાવાયાં છે. શાળામાં ભણતાં બાળકો માટે તો આ નકશો ઇન્ટરેસ્ટિંગ બની રહે છે સાથે મોટાઓ પણ ભારતની પુણ્યભૂમિ જોવા ઘડીક થોભી જાય છે. આમ તો મંદિરની બહારથી પણ ૧૨ ફુટ ઊંચી મધર ઇન્ડિયાની પ્રતિમાનાં દર્શન થઈ જ જાય છે, પરંતુ ૧૦-૧૨ સીડી ચડતાં આ પરિસરમાં પગ મૂકો એટલે દેશભક્તિનાં પાવરફુલ વાઇબ્સની અનુભૂતિ થાય. શાંત છતાં મક્કમ હાવભાવ ધરાવતા સિંહને અઢેલીને ભારતમાતા ઊભાં છે જે એક દૃષ્ટિએ તો ભારતીય જનતા પર અમી વરસાવી રહ્યાં હોય એવાં માતૃશક્તિ લાગે તો બીજી સાઇટથી દેશના દુશ્મનોને છોડીશ નહીં એવો હુંકાર કરતાં લાગે.
મહાકાલ મંદિરથી ફક્ત ૨૦૦ મીટરના અંતરે આવેલું આ મંદિર રાષ્ટ્રીય ગૌરવનું ઉદાહરણ છે. મંદિરની પછીતે વિશાળ લાઇબ્રેરી અને યોગશાળા પણ છે. બારે મહિના વહેલી સવારથી રાતે ૯ વાગ્યા સુધી માતાના મઢનાં દ્વાર ખુલ્લાં રહે છે ઍન્ડ અહીં પણ નો એન્ટ્રી ફી. 

travel travel news travelogue lifestyle news alpa nirmal columnists republic day gujarati mid day