વન ઑફ ધ મોસ્ટ વિઝિટેડ કન્ટ્રી ઈન ધ વર્લ્ડ : ઇંગ્લેન્ડ

21 July, 2019 12:13 PM IST  |  મુંબઈ ડેસ્ક | દર્શિની વશી - ટ્રાવેલ-ગાઇડ

વન ઑફ ધ મોસ્ટ વિઝિટેડ કન્ટ્રી ઈન ધ વર્લ્ડ : ઇંગ્લેન્ડ

લંડન

ટ્રાવેલ ગાઇડ

તાજેતરમાં ક્રિકેટ વર્લ્ડ કપ હાંસલ કરનાર ઇંગ્લૅન્ડ ઘણા સમયથી ટૂરિઝમને લઈને લાઇમલાઇટમાં છે, જેનું એક કારણ વર્લ્ડ કપની અહીં યોજાયેલી તમામ મૅચ જેને લીધે અહીં મે મહિનાથી જ ક્રિકેટ રસિયા ટૂરિસ્ટોનો ધસારો શરૂ થઈ ગયો હતો અને હવે વર્લ્ડ કપ જીત્યા બાદ દરેક ઠેકાણે ઇંગ્લૅન્ડનું નામ ગુંજી રહ્યું હોવાથી આ દેશમાં વધુ ને વધુ લોકોને આવવામાં રસ પડી રહ્યો છે. લંડન જેવા પ્રતિષ્ઠિત શહેરને લીધે ઇંગ્લૅન્ડ આમ પણ ફેમસ છે અને દર વર્ષે મોટી સંખ્યામાં અહીં ટૂરિસ્ટો પણ આવતા જ હોય છે જે હવે વધ્યા છે. યુનાઇટેડ કિંગડમમાં આવેલો ઇંગ્લૅન્ડ દેશ ક્રિકેટ ઉપરાંત અહીં આવેલાં અનેક પ્રખ્યાત શહેરો, સ્મારકો, ટાવર, પૅલેસ સહિત ઘણાં સ્થળો અને અઢળક આકર્ષણોને લીધે જાણીતો છે તો ચાલો આજે આપણે ઇંગ્લૅન્ડ ફરી લઈએ. 
એક સમયે અડધાથી વધુ વિશ્વ પર રાજ કરનાર ઇંગ્લૅન્ડ માટે એક સમયે એવું કહેવામાં આવતું હતું કે અહીં સૂર્ય ક્યારેય અસ્ત થતો નથી. આવા ઇંગ્લૅન્ડની રોમાંચક સફર શરૂ કરવા પૂર્વે સૌથી પહેલાં એના વિશેની જરૂરી માહિતી હોવી આવશ્યક છે. આપણામાંના ઘણા એવું જ સમજે છે કે ઇંગ્લૅન્ડ, ગ્રેટ બ્રિટન અને યુનાઇટેડ કિંગડમ એક જ દેશ છે. પરંતુ એવું નથી. ઇંગ્લૅન્ડ એક દેશ છે જેની રાજધાની લંડન છે. ગ્રેટ બ્રિટન એક આઇલૅન્ડ છે જેની અંદર ઇંગ્લૅન્ડ ઉપરાંત વેલ્સ અને સ્કૉટલૅન્ડ છે. યુનાઇટેડ કિંગડમમાં ગ્રેટ બ્રિટન આઇલૅન્ડ અને ઉત્તરી આઇલૅન્ડ આવે છે. યુનાઇટેડ કિંગડમની રાજધાની પણ લંડન છે. ઇંગ્લૅન્ડની વાત કરીએ તો એ ગ્રેટ બ્રિટનના દક્ષિણ ભાગમાં સ્થિત છે. તેમ જ વેલ્સ અને સ્કૉટલૅન્ડની સાથે એની સીમા જોડાયેલી છે. ઇંગ્લૅન્ડનો વિસ્તાર ઘણો મોટો છે, જેને લીધે એ ગ્રેટ બ્રિટનના મોટા ભાગના વિસ્તારમાં ફેલાવો ધરાવે છે જે તમને નકશામાં દેખાશે. આઇ થિન્ક હવે ઇંગ્લૅન્ડની ભૌગોલિક માહિતી ઘણી મળી ગઈ હશે. તો આગળ વધીએ. ઇંગ્લૅન્ડની વર્તમાન સમયની વાત કરીએ તો અહીંની નૅશનલ લૅન્ગ્વેજ ઇંગ્લિશ છે ત્યારે રીજનલ લૅન્ગ્વેજ કોર્નિશ છે. અહીં મોટા ભાગની વસ્તી વાઇટ લોકોની છે, જ્યારે બાકીના મિશ્ર સમુદાયના લોકો વસે છે. અહીંનું ચલણ પાઉન્ડ છે. મુખ્ય શહેરોમાં લંડન, મૅન્ચેસ્ટર, યૉર્કશર, બર્મિંગહૅમ, નૉટિંગહૅમ, લિવરપુલ અને બ્રિસ્ટલ છે. આમ તો આ દેશ વિશે લખવા જેવું ઘણું છે, પરંતુ આપણે અહીં એનાં મુખ્ય અને ફેમસ આકર્ષણોની વાત કરીશું.
લંડન
લંડન ક્યાં આવ્યું છે એ ભલે બધાને ખબર નહીં હોય, પરંતુ લંડન જવાનું સ્વપ્ન મોટે ભાગે બધાએ લાઇફમાં એક વાર તો જોયું જ હશે. ટૂંકમાં કહીએ તો જેમ ટૂથપેસ્ટ એટલે કોલગેટ જ એમ ફૉરેન એટલે લંડન જ એવું મગજમાં લખાઈ ગયું છે. આ ફેમસ શહેર ઇંગ્લૅન્ડમાં આવેલું છે અને એની રાજધાની પણ છે. લંડન વિશે લખવાની શરૂઆત ક્યાંથી કરવી એ જ મોટો સવાલ છે. પણ આપણે લંડનની શાન ગણાતા એવા ‘લંડન આઇ’થી શરૂઆત કરીએ. ‘લંડન આઇ’ થેમ્સ નદીને કિનારે આવેલું છે. લંડન આઇ વ્હીલ કેટલું વિશાળ છે એનો અંદાજ તો લગભગ બધાને છે. ૪૦૦ ફીટ ઊંચા આ વ્હીલમાં કુલ ૩૨ કૅપ્સુલના આકારની કૅબિન ટાઇપ ટ્રોલી બનાવેલી છે. એક ટ્રોલીની અંદર ૧૦થી ૧૨ લોકો બેસી શકે છે. લંડન આઇ નીચેથી ઉપર અને ફરીથી ઉપરથી નીચે આવતાં લગભગ ૩૦ મિનિટનો સમય લગાડે છે, જે દરમિયાન ટ્રોલીમાં બેસીને સમગ્ર લંડનને જોવાનો ચાન્સ મળે છે. જો લંડનમાં આવેલા સ્થળ વિશે અગાઉ થોડી માહિતી મેળવી લીધેલી હશે તો તમે અહીંથી એ તમામ સ્થળ ઓળખી શકશો અને એને જોવાની મજા માણી શકશો. લંડન આઇ ઉપરાંત અહીં આવેલી થેમ્સ નદી પણ એક આકર્ષણ સમાન છે કેમ કે આ નદીની ફરતે આખું શહેર વસેલું છે. વધુ નવાઈની વાત એ લાગશે કે નદીના એક છેડેથી બીજા છેડે સુધી જવા માટે એના પર સેંકડો પુલ બંધાયેલા છે જે અહીંના વિકાસને વર્ણવે છે. આમ તો મુંબઈની તુલના લંડન સાથે કરવામાં આવે છે, પરંતુ વિકાસથી લઈને ચોખ્ખાઈ સુધીની બાબતોને સરખાવવામાં આવે તો મુંબઈ ઘણું પાછળ લાગે. ખેર, લંડન આઇ ઉપરાંત અહીં આવેલો ટાવર બ્રિજ શહેરની ઓળખાણ સમાન છે. એટલે જ તો લંડનના દરેક ફોટાેમાં આ ટાવર બ્રિજ, જેને લંડન બ્રિજ પણ કહેવાય છે એ દેખાય જ છે. આ બ્રિજની આગળ બિગ બેન નામક એક મોટી ઘડિયાળ છે જે ઊંચા ટાવર પર સ્થિત છે. ટાવર બ્રિજની આગળ ટાવર ઑફ લંડન આવેલો છે જેની અંદર કીમતી ખજાનો સાચવી રાખવામાં આવેલો છે. લંડન જેટલું ઉપરથી સુંદર છે એટલું જ નીચેથી પણ છે એટલે કે એની અન્ડરગ્રાઉન્ડ રેલવે લાઇન. આ રેલવે લાઇનનો વ્યાપ ઘણો મોટો છે જે શહેરને દરેક સ્થળથી જોડે છે. એમાંનું એક સ્ટેશન બેકર સ્ટ્રીટ છે જ્યાંથી જગવિખ્યાત એવું મૅડમ ટુસૉ વૅક્સ મ્યુઝિયમમાં જઈ શકાય છે. એની અંદર વિશ્વભરની મહાન હસ્તીઓનાં વૅક્સનાં પૂતળાં બનાવીને મૂકવામાં આવેલાં છે જેની અંદર આપણી અનેક ભારતીય વિભૂતિઓનાં પૂતળાં પણ આવેલાં છે. લંડનના વૅક્સ મ્યુઝિયમ પાસેથી પ્રેરણા લઈને વિશ્વમાં અનેક સ્થળે આવા પ્રકારનાં મ્યુઝિયમ બનાવવામાં આવ્યાં છે. છતાં લંડનના વૅક્સ મ્યુઝિયમની તુલનાએ કોઈ નથી. આવી જ વિશિષ્ટ ઓળખ ધરાવતું સ્થળ બીજું છે બકિંગહૅમ પૅલેસ, જે ઇંગ્લૅન્ડની રાણીનું નિવાસસ્થાન છે. ઇંગ્લૅન્ડમાં રાણી એટલે સર્વોપરી ગણાય છે. ટૂંકમાં જ્યારે દુનિયાના મોટા ભાગના દેશો ઇંગ્લૅન્ડના તાબા હેઠળ હતા ત્યારે એની માલકીન આ રાણી ગણાતી હતી. વિશાળ સામ્રાજ્ય ઉપરાંત આર્થિક રીતે પણ કેવી સધ્ધરતા ધરાવે છે એનો અંદાજ આ મહેલ અને એનો ફેલાવો તેમ જ અહીંના રાચરચીલા પરથી મળી જશે. આવું તો લંડનમાં જોવા જેવું ઘણું છે. પિકાડિલી સર્કસ (આ સ્થળને આપણે ઘણી વખત ફિલ્મોમાં જોયું છે) અને ઑક્સફર્ડ સ્ટ્રીટ (યુરોપની બિઝીએસ્ટ સ્ટ્રીટ ગણાય છે જ્યાં રોજ પાંચ લાખ વિઝ‌િટર આવે છે) પણ ચૂકવા જેવી નથી. આમ જો લખવા બેસીએ તો પાનાં પણ ખૂટી પડે એમ છે. લાસ્ટ બટ નૉટ ધ લીસ્ટ એવું ટ્રૅફાલ્ગર સ્ક્વેર છે જે લંડનનો સેન્ટર પૉઇન્ટ ગણાય છે. અહીં આવેલાં પ્રખ્યાત સ્થળો આ સ્ક્વેરની ચારે તરફ આવેલાં છે. તેમ જ પ્રખ્યાત દુકાનો અને હોટેલો પણ અહીં જ આવેલી છે.
સ્ટોનહેન્જ
લંડનથી ત્રણ કલાકના અંતરે સ્ટોનહેન્જ આવે છે. આ સ્થળ વિશે ચોક્કસ સાંભળ્યું હશે. આ સ્થળ હેરિટેજ યાદીમાં સ્થાન ધરાવે છે. આ એ જ સ્થળ છે જ્યાં બાજુમાં કોઈ આકૃતિના રૂપે ગોઠવાયેલા વિશાળ મહાકાય પથ્થરોનો સમૂહ છે અને એની ફરતે હરિયાળીથી આચ્છાદિત મેદાન આવેલું છે. એવું કહેવાય છે કે આ પથ્થરો ચાર હજાર વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે. આ પથ્થરો ક્યાંથી આવ્યા અને કોણ લાવ્યું હતું એ વિશે હજી એક સવાલ છે. આ પથ્થરને નજીક જઈને જોવામાં આવે છે ત્યારે એની વિશેષતાને વધુ સમજી શકાય છે. આ અસમાંતર પથ્થરો પિલરની જેમ બાજુમાં ગોઠવાયેલા છે, જેની ઉપર આડા પથ્થરો ગોઠવાયેલા છે. આટલાં વર્ષો દરમિયાન અનેક કુદરતી હોનારત થઈ હોવા છતાં આ પથ્થરો એની જગ્યાએ અડીખમ ઊભા છે. સવાલ એ છે કે હજારો વર્ષ પૂર્વે જ્યારે કોઈ સાધન કે ટેક્નૉલૉજી નહોતી ત્યારે આ વજનદાર પથ્થરોને કેવી રીતે લાવીને ગોઠવવામાં આવ્યા હશે અને એ પણ એવી રીતે કે હજારો વર્ષ પછી પણ એમાં કોઈ મૂવમેન્ટ જોવાઈ નથી. આ એક-એક પથ્થરનું વજન ૨૫ ટન હોવાનો અંદાજ છે. પથ્થરોને જોવા અત્યાર સુધીમાં લાખો ટૂરિસ્ટ આવી ચૂક્યા છે, પરંતુ તેઓ આ પથ્થરોની સાથે અડપલાં કરતા હોવાથી હવે આ પથ્થરોની નજીક કોઈને જવા દેવામાં આવતા નથી.
બર્મિંગહૅમ
લંડન બાદ સમય કાઢીને ફરવા જેવું કોઈ સ્થળ હોય તો એ છે બર્મિંગહૅમ શહેર. વસ્તીની દૃષ્ટિએ આ શહેર બ્રિટનનું બીજા નંબરનું સૌથી ગીચ શહેર ગણાય છે. બર્મિંગહૅમ ઇંગ્લૅન્ડનું ઔદ્યોગિક ક્રાન્તિનું ઊર્જાસ્રોત ગણાય છે. વિશ્વનાય શ્રેષ્ઠ ૨૦ રહેવાલાયક શહેરમાં બર્મિંગહૅમ શહેરનો સમાવેશ થાય છે. અહીંના લોકો બ્રૂમિસ તરીકે ઓળખાય છે. અહીં પુષ્કળ સંગ્રહાલય અને આર્ટ ગૅલરી આવેલી છે, પરંતુ સૌથી મજેદાર છે કૅડબરી વર્લ્ડ. એનું નિર્માણ ૧૯૯૦ની સાલમાં કૅડબરી કંપનીએ કર્યું હતું. ચૉકલેટપ્રેમીઓએ આ સ્થળ સ્ક‌િપ કરવા જેવું નથી. કૅડબરી વર્લ્ડની અંદર ૧૪ અલગ-અલગ વિભાગો છે, જેની અંદર કૅડબરીની અતથી ઇતિ સુધીની માહિતી પૂરી પાડવામાં આવે છે. અહીં કૅડબરી કેવી રીતે બને છે એ લાઇવ જોવા મળે છે આ ઉપરાંત િવ‌ડિયો પ્રેઝન્ટેશન, ઍનિમેશન શો, ફોર ડી ચૉકલેટ ઍડ્વેન્ચર શો, ચૉકલેટ મેકિંગ રિલેટેડ ઍક્ટિવિટી અને ફન પ્રોગ્રામ, કૅફેટેરિયા, કૅડબરીની અનેક પ્રકારની વરાઇટી ઑફર કરતી શૉપ્સ અને એવું ઘણુંબધું છે જે અહીં જોવાની ખૂબ મજા પડે એમ છે. એટલે જ દર વર્ષે અહીં પાંચ લાખ ટૂરિસ્ટ આવે છે. કૅડબરી વર્લ્ડ ઉપરાંત નૅશનલ સી લાઇફ સેન્ટર પણ અહીંનું નવલું નજરાણું છે. 
ઑક્સફર્ડ અને કૅમ્બ્રિજ
ઇંગ્લૅન્ડના સેન્ટ્રલમાં ઑક્સફર્ડ શહેર આવેલું છે જે અહીં આવેલી ઑક્સફર્ડ યુનિવર્સિટીના લીધે જગવિખ્યાત છે. વિશ્વમાં આ યુનિવર્સિટીનું નામ સૌથી માનભેર લેવાય છે એટલું જ નહીં, અહીં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને પણ નસીબદાર ગણવામાં આવે છે. એની સ્થાપના ૧૨મી સદીમાં થઈ હોવાનો અંદાજ છે. આ યુનિવર્સિટીમાં ૩૮ કૉલેજ આવેલી છે. ટૂંકમાં કહીએ તો યુનિવર્સિટીનું આખું શહેર જેવું જ બનેલું છે. આ યુનિવર્સિટીના કૉમ્પ્લેક્સની અંદર તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ તમામ મકાનો આર્કિટેક્ચરની બાબતે પણ અવ્વલ દરજ્જે આવે છે. મોઢામાં આંગળાં નાખવા મજબૂર કરી દેઈ એવું અહીંનું આર્કિટેક્ચર અને વિસ્તાર છે. ઑક્સફર્ડની જેમ કૅમ્બ્રિજ પણ સૌથી મોટી યુનિવર્સિટી ગણાય છે. એની સ્થાપના પણ ૧૨મી સદીમાં કરવામાં આવી હતી. ઑક્સફર્ડ અને કૅમ્બ્રિજ યુનિવર્સિટીને સંયુક્ત રૂપમાં ઑક્સબ્રિજ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે કેટલાક વિવાદો બાદ ઑક્સફર્ડ શહેર છોડીને જતા રહેલા અમુક બુદ્ધિજીવીએ કૅમ્બ્રિજની સ્થાપના કરી હતી. આ યુનિવર્સિટીનાં મકાનો અને આર્કિટેક્ચર પણ એટલાં જ સુંદર છે. અત્યાર સુધીમાં નોબેલ પારિતોષિક મેળવનાર કુલ વ્યક્તિઓમાં ૮૫ જેટલી વ્યક્તિઓ કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી બહાર નીકળેલી છે.
યૉર્ક
ઇંગ્લૅન્ડનું પ્રાચીન શહેર યૉર્ક છે જેની સ્થાપના રોમન દ્વારા કરવામાં આવી હતી. આ શહેરને વૉલ્ડ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શહેર ટૂરિસ્ટોને રોમન યુગમાં લઈ જાય છે, જેનું સૌથી મુખ્ય આકર્ષણ ક્લિફોર્ડ ટાવર અને કૅસલ મ્યુઝિમ છે. ક્લિફોર્ડ ટાવરને માટે એવું કહેવાય છે કે ૧૧મી સદીમાં અહીં યૉર્ક કૅસલ હતો જેને સળગાવી દેવામાં આવ્યો હતો. તેમ છતાં એનો એક હિસ્સો બચી ગયો હતો અને એ છે આ ક્લિફોર્ડ ટાવર. ઊંચાઈ પર આવેલો આ ટાવર યૉર્કની સુંદરતાને વધુ ઉજાગર કરે છે. આ ઉપરાંત અહીં બે હજાર વર્ષ જૂનું ચર્ચ આવેલું છે, જે ખૂબ સુંદર છે. આ સિવાય અહીં નૅશનલ રેલવે મ્યુઝિયમ પણ છે જે એન્જિનિયરિં‌ગનું બેમિસાલ ઉદાહરણ છે. ટ્રેનનાં વિવિધ મૉડલો જોવાની મજા પડશે. ટ્રેનના ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળને વર્ણવતાં મૉડલ અહીં મૂકવામાં આવેલાં છે.
યૉર્ક મિનિસ્ટર ઇંગ્લૅન્ડની આઠમી મોસ્ટ
વિઝ‌િટેડ હિસ્ટોરિક સાઇટ છે જે એક કૅથીડ્રલ છે અને એનું બાંધકામ ગોથિક શેલીમાં કરવામાં આવેલું છે.
રોમન બાથ કૉમ્પ્લેક્સ
લંડનથી ૧૫૬ કિલોમીટરના અંતરે બાથ શહેર ઘાટીઓની વચ્ચે વસેલું છે જેની અંદર રોમન બાથ કૉમ્પ્લેક્સ આવેલો છે.
આ એ જગ્યા છે જેનો ઉપયોગ એક સમયે પબ્લિક બેધિંગ માટે કરવામાં આવતો હતો. આ સિવાય અહીં એક મ્યુઝિયમ પણ છે જેમાં રોમન કરન્સી કૉઇન સહિત અનેક રોમન વસ્તુઓને મૂકવામાં આવેલી છે. બાથ કૉમ્પ્લેક્સ આજે મેજર ટૂરિસ્ટ અટ્રૅક્શન પૉઇન્ટ બની ગયો છે, જેને જોવા અહીં વર્ષે દસ લાખ ટૂરિસ્ટો આવે છે. ટૂરિસ્ટો આ બાથ અને મ્યુઝિયમને જોઈ શકે છે, પરંતુ પાણીની અંદર જઈ શકતા નથી.
મૅન્ચેસ્ટર
મૅન્ચેસ્ટર યુનાઇટેડ કિંગડમનું છઠ્ઠું સૌથી મોટું શહેર છે જેની સ્થાપના પહેલી સદીમાં થઈ હોવાનું કહેવાય છે. તેમ જ રિચ ઇન્ડસ્ટ્ર‌િયલ હેરિટેજ ધરાવે છે. એક સમયે આ શહેર ટેક્સટાઇલ પાવરહાઉસ ગણાતું હતું. આ શહેર મૅન્ચેસ્ટર ફુટબૉલ ટીમને કારણે વધુ જાણીતું છે. અહીં ૭૬,૦૦૦ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું ફુટબૉલ સ્ટેડિયમ પણ આવેલું છે. ૧૯મી સદીમાં ફૅક્ટરી અને વેરહાઉસ માટે બંધાયેલાં રેડ બ્રિકનાં મકાનોમાં આજે શૉપ, રેસ્ટોરન્ટ અને હોટેલો ખૂલી ગઈ છે. અહીં જોવા જેવાં સ્થળોમાં ઓલ્ડ ટ્રૅફોર્ડ થિયેટર, ઇતિહાદ સ્ટેડિયમ, સાયન્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી મ્યુઝિયમ અને નૅશનલ ફુટબૉલ મ્યુઝિયમ છે.

જાણી અજાણી વાતો
ઇંગ્લૅન્ડ ઇંગ્લિસ્તાન તરીકે પણ ઓળખાય છે.
ઇંગ્લૅન્ડ શેક્સપિયરનું જન્મસ્થાન પણ છે.
એક સમયે ૮૦ ટકા જેટલા વિશ્વ પર ઇંગ્લૅન્ડનો કબજો હતો.
ઇંગ્લૅન્ડ અમેરિકાથી ૭૪ ગણો નાનો દેશ છે છતાં એ દુનિયાની મહાસત્તાઓને હંફાવે છે.
ઇંગ્લૅન્ડમાં ૩૦૦ જેટલી ભાષા બોલાય છે.
ઇંગ્લૅન્ડમાં ઈસાઈ ધર્મ બાદ બીજો સૌથી મોટો ધર્મ ઇસ્લામ છે.
ઇંગ્લૅન્ડ ક્રિકેટની જનેતા છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં રમાતી મોટા ભાગની સ્પોર્ટ્સનો જન્મ અહીં જ થયો હતો.
ઇંગ્લૅન્ડમાં દર વર્ષે જૂઠું બોલવાની સ્પર્ધા થાય છે, જેમાં ભાગ લેવા વિશ્વભરમાંથી લોકો આવે છે. 
લંડનમાં આવેલું હિથ્રો ઍરપોર્ટ દુનિયાનું સૌથી બિઝી ઍરપોર્ટ છે. દર મિનિટે અહીંથી ચાર ફ્લાઇટ ઊપડે છે. 
લંડનમાં બ્રિટિશ લાઇબ્રેરી આવેલી છે, જેની અંદર લગભગ એક કરોડથી અધિક પુસ્તકો છે.
લંડનમાં રહેતા ૨૫ ટકા લોકો સ્થાનિક નથી, પરંતુ અન્ય સ્થળેથી આવેલા છે.
યુનાઇટેડ કિંગડમમાં લગભગ ૯૦૦૦ જેટલાં ભારતીય ભોજનાલય છે.

આ પણ વાંચો : ફરવા જાઓ ગુજરાતના આ બીચ પર તમે ગોવાને પણ ભૂલી જશો

ક્યારે અને કેવી રીતે જવું?
ઇંગ્લૅન્ડ આવવા માટે બારે માસ યોગ્ય સમય છે. ઇંગ્લૅન્ડમાં આમ તો બારે મહિના ઠંડી રહે છે, પરંતુ ઉનાળા દરમિયાન વાતાવરણ થોડું હળવું બને છે. એથી આ સમય અહીં આવવા માટે બેસ્ટ છે. સામાન્ય રીતે ગરમીમાં પણ અહીંનું ટેમ્પરેચર ૧૬ ડિગ્રી કરતાં નીચે જતું નથી. જો તમે કોઈ સ્પેસિફિક ઇવેન્ટ જોવા માટે આવવા માગતા હો તો એ માટે તમે પ્લાનિંગ કરીને આવી શકો છો જેમ કે ઑક્સફર્ડ અને કૅમ્બ્રિજ યુનિવર્સિટીની બોટ રેસ માર્ચ મહિનામાં થાય છે તો લંડન મૅરથૉન એપ્રિલ મહિનામાં અને મ્યુઝિયમ ફેસ્ટિવલ જૂનમાં થાય છે. અહીંનાં તમામ મુખ્ય શહેરોમાં આંતરરાષ્ટ્રીય હવાઈમથક આવેલાં છે. હિથ્રો, મૅન્ચેસ્ટર, લિવરપુલ વગેરે સ્થળોની ફ્લાઇટ સરળતાથી મળી રહે છે. ઇંગ્લૅન્ડના જે સ્થળ કવર કરવાં હોય એ પ્રમાણે ઍરપોર્ટની પસંદગી કરવાની રહે છે. ઇંગ્લૅન્ડની અંદર ફરવા માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ રહે છે, જેથી ટ્રાન્સપોર્ટેશનની કોઈ ચિંતા રહેશે નહીં. એવી જ રીતે બજેટ હોટેલ અને ભારતીય ખાણીપીણીની પણ પૂરતી સવલત અહીં છે.

travel news