કુલુ-મનાલીને ઝાંખાં પાડી દેશે એનાં આ પાડોશી ડેસ્ટિનેશન

23 June, 2019 01:37 PM IST  |  મુંબઈ | દર્શિની વશી - ટ્રાવેલ-ગાઇડ

કુલુ-મનાલીને ઝાંખાં પાડી દેશે એનાં આ પાડોશી ડેસ્ટિનેશન

ઍડવેન્ચર સ્પોર્ટ્સનું જન્નત ગણાતી આ વૅલી અદ્ભુત છે. અહીં તમામ પ્રકારનાં ઍડવેન્ચર્સ થાય છે, જેનું એક ઉદાહરણ અહીં છે.

ટ્રાવેલ-ગાઇડ

આજે કુલુ-મનાલી મોટા ભાગના લોકોને માટે માથેરાન જેવું થઈ ગયું છે. ઘણું જોઈ લીધું છે. નો ડાઉટ આ સ્થળો ફરવા માટે એવરગ્રીન છે જ; પરંતુ હવે કંઈક નવું એક્સપ્લોર કરવું છે, કોઈક ન્યુ પ્લેસ જોવી છે એવો વિચાર તમારા મગજમાં આવ્યો હોય તો આજનો આર્ટિકલ તમારા માટે જ છે કેમ કે આજે કુલુ-મનાલીમાં નહીં, પરંતુ એની નજીક આવેલાં છતાં એક્સપ્લોર નહીં થયેલાં સ્થળોની વાત કરવાની છે.

હનીમૂનનું હૉટ ફેવરિટ ડેસ્ટિનેશન કુલુ-મનાલી એના પાડોશમાં આટલીબધી ખૂબસૂરતીનો ખજાનો લઈને બેઠું છે એનો અંદાજ ઘણા લોકોને નથી. કુલુ-મનાલીની નજીક ખૂબસૂરતીના આવા અનેક ખજાના ભોમિયાઓની રાહ જોઈને બેસેલા છે જે લખલૂટ સૌંદર્યની સાથે કોઈ ને કોઈ આકર્ષણ ધરાવે છે. આ સ્થળો વિશે લખવા બેસીએ તો ઘણું લખાઈ શકે એમ છે એટલે આમાં મસ્ટ વિઝિટ કહી શકાય એવાં જ સ્થળોની જ વાત કરીશું. તો ચાલો, કુછ નયા ટ્રાય કરતે હૈં!

સોલાંગ વૅલી

કુલુ- મનાલીની નજીકનાં સ્થળોની વાત શરૂ કરી હોય તો સૌપ્રથમ હોઠે સોલાંગ વૅલીનું નામ આવે છે. સોલાંગ વૅલીનું નામ છેલ્લા થોડા સમયથી ટૂરિસ્ટોમાં ઘણું ફેમિલિયર બની રહ્યું છે તેમ છતાં આ સ્થળ જોઈએ એટલું એક્સપ્લોર થયું નથી. રાફ્ટિંગ અને ઍડ્વેન્ચર સ્પોર્ટ્સને લીધે આ સ્થળ ધીરે-ધીરે હૉટ બની રહ્યું છે. મનાલીથી રોહતાંગ પાસ તરફ જતાં રસ્તામાં સોલાંગ વૅલી આવે છે જે સ્નો પૉઇન્ટ તરીકે પણ ઓળખાય છે. મનાલીથી ૩૦ કિલોમીટરના અંતરે આવેલું છે. સોલાંગ વૅલી શરૂ થવા પહેલાં જ પર્વતો પર બરફની ચાદર પથરાયેલી હોવાનું જોવા મળશે. જેમ-જેમ આગળ વધીએ તેમ આ બરફની ચાદર વધુ ને વધુ જાડી અને પહોળી થતી જોવા મળશે. અહીં આખા વર્ષ દરમ્યાન સ્કેટિંગ, પૅરાગ્લાઇડિંગ, પૅરાશૂટિંગ, ઝોર્બિંગ અને હૉર્સ-રાઇડિંગ અહીંની ફેમસ ઍક્ટિવિટીઝ છે. અહીં આવૅલી ટેકરીઓનો ઢોળાવ એવો છે જે સ્કીઇંગ માટે બેસ્ટ ગણાય છે. બરફ આચ્છાદિત આ ટેકરી પરથી સ્કીઇંગ કરવાનો અનુભવ યાદગાર બની રહેશે. વસંત ઋતુ દરમિયાન અહીંની ઘાટીમાં રંગબેરંગી ફૂલો ખીલી ઊઠે છે જે અહીંનો નજારો બદલી નાખે છે.

પાર્વતી વૅલી

સોલાંગ વૅલી પછી પાર્વતી વૅલી ને યાદ કરવી પડે એવી છે કેમ કે જો સોલાંગ વૅલી ઍડ્વેન્ચર સ્પોર્ટ્સ માટે જાણીતી છે તો પાર્વતી વૅલી ટ્રેકિંગ માટે. ટ્રેકિંગ માટે અહીં સુપર્બ જગ્યા છે, પરંતુ જો તમે એકલદોકલ ટ્રેકિંગ કરવા જવાનું વિચારી રહ્યા હો તો સાથે ગાઇડ કરી લેવાની સલાહ છે કેમ કે અહીંના ટ્રેકિંગના રસ્તા ભૂલભુલૈયા જેવા છે. આ તો થઈ ઍડ્વેન્ચરની વાત, પણ સુંદરતાની બાબતમાં પણ એ મનાલી અને કુલુ જેવાં મુખ્ય ડેસ્ટિનેશનને હંફાવી જાય એવું છે. કેટલાક લોકોનું કહેવું છે કે અહીંના વાતાવરણથી અંજાઈ ને ઘણા ટૂરિસ્ટોએ અહીં જ હંમેશાં માટે ધામા નાખી દેવાનો નિર્ણય કરી લે છે. પાર્વતી વૅલી અને એની નજીકમાં ઘણાં સુંદર ગામ આવેલાં છે, જે એની અપ્રિતમ સુંદરતાને કારણે ઓળખાય છે. એમાં કશોલ, તોષ, રસોલ અને ખીરગંગાનો સમાવેશ થાય છે. લોકપ્રિય સ્થળ મણિકરણ પણ અહીં જ સ્થિત છે. આ ખીરગંગા સ્થળ વિશે એવું કહેવામાં આવે છે કે અહીં શિવજીએ ૩૦૦૦ વર્ષ સુધી તપ કર્યું હતું, જેને લીધે પણ ટૂરિસ્ટો અહીં સુધી ખેંચાઈ આવે છે. આ સિવાય અહીં આવેલા ગરમ પાણીના કુંડ પણ ટૂરિસ્ટોનું ધ્યાન આકર્ષે છે. આ કુંડ કડકડતી ઠંડી તેમ જ બરફવર્ષામાં પણ ગરમ જ રહે છે. ખીરગંગામાં કૅમ્પિગ કરવાની પણ એક અલગ જ મજા આવે છે. આ સિવાય ઘણાને ખબર નહીં હોય કે અહીં ફેરી ફૉરેસ્ટ પણ આવેલું છે. ફેરી એટલે પરી અને ફૉરેસ્ટ એટલે જંગલ. કહેવાય છે કે અહીં વર્ષો પહેલાં કેટલાક હિપ્પી લોકોએ જંગલમાં પરીઓને જોઈ હતી ત્યારથી આ જંગલનું નામ ફેરી ફૉરેસ્ટ પડી ગયું હતું. આ જંગલની અંદર મોટા પ્રમાણમાં દેવદારનાં વૃક્ષો આવેલાં છે. આવી જ સુંદરતા તોષ ગામની પણ છે. ઠંડા પાણીનાં ધસમસતાં ઝરણાં, હરિયાળીથી આચ્છાદિત પર્વતો અને શાંત વાતાવરણ તોષને એક નવા ડેસ્ટિનેશન તરીકે ટૂરિસ્ટોના લિસ્ટમાં ઍડ કરી રહ્યાં છે. તોષથી ખીરગંગા સુધી ટ્રેકિંગ કરી શકાય છે. આ રસ્તો ૧૪ કિલોમીટરનો છે. ટ્રેકિંગ કરવાનો આઇડિયા સારો છે, પણ આટલો રસ્તો પસાર કરતાં બે દિવસનો સમય પણ લાગી શકે છે. અહીં ટ્રેકિંગ કરવા માટે હજી એક પ્રખ્યાત જગ્યા છે જેનું નામ છે સાર પાસ ટ્રેક, જે પાર્વતી ખીણમાં આવેલો પર્વતીય આરોહણ માર્ગ એટલે કે ટ્રેક છે. આ ટ્રેક સૌથી પડકારજનક અને મુશ્કેલ પર્વતારોહણ ગણાય છે. સારનો અર્થ અહીંની લોકલ ભાષામાં તળાવ એવો થાય છે. આ ટ્રેક દરમિયાન એક થીજી ગયેલા તળાવ પરથી પસાર થવું પડતું હોવાથી એનું નામ સાર ટ્રેક પડી ગયું હતું.

ભૂંતર

ભૂંતર ખાતે આમ તો ઍરપોર્ટ છે એટલી જાણ બધાને છે, પરંતુ આ સિવાય પણ આ નાનકડું શહેર ઘણી બાબતોમાં ટૂરિસ્ટોનું ધ્યાન ખેંચી રહ્યો છે. માત્ર ૫૦૦૦ જેટલી વસ્તી ધરાવતું આ શહેર કુલુ જિલ્લામાં આવેલું છે. અહીંનું મુખ્ય આકર્ષણ છે ભૂંતરમાં વહેતી નદી જ્યાં બિયાસ નદી અને પાર્વતી નદીનો સંગમ થાય છે. આટલું ઓછું હોય તેમ અહીંની ઊભરાતી પ્રાકૃતિક સુંદરતા એના આકર્ષણમાં ઉમેરો કરે છે. અહીંથી ખીરગંગા, પાર્વતી વૅલી ઉપરાંત અનેક સ્થળ માટે પણ જઈ શકાય છે.

ગ્રેટ હિમાલયન નૅશનલ પાર્ક

નૅશનલ પાર્ક આજે દરેક રાજ્યમાં હોય જ છે, એમાં નવીનતા શું? પણ જો કોઈ નૅશનલ પાર્ક હજારો ફીટની ઊંચાઈ પર આવેલો હોય તો ચોક્કસ તેમાં નવાઈ પામવા જેવું છે. કુલુમાં આવેલો આ નૅશનલ પાર્ક મનાલીથી ૭૦ કિલોમીટરના અંતરે છે. ૧૫૦૦ થી ૬૦૦૦ મીટરની ઊંચાઈ પર સ્થિત છે જેની સ્થાપના ૧૯૮૪ની સાલમાં કરવામાં આવી હતી. ૧૧૭૧ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા આ પાર્કમાં ૩૭૪ કરતાં પણ વધુ પ્રજાતિના વન્ય જીવો અને વનસ્પતિઓ આવેલાં છે. જૂન ૨૦૧૪માં યુનેસ્કોએ આ સ્થળને હેરિટેજ સ્થળોની યાદીમાં મૂક્યું હતું. ત્યાર બાદ આ સ્થળ વધુ ટૂરિસ્ટોના ધ્યાનમાં આવવા લાગ્યું હતું. આ પાર્કનું સૌથી મુખ્ય આકર્ષણ છે સ્નો લેપર્ડ એટલે કે હિમચિત્તો. આ સિવાય બ્લુ શીપ, હિમાલયન બ્રાઉન બેર, કસ્તુરી મૃગ અહીં જોવા મળે છે. બર્ડ વૉચિંગ માટે પણ અહીં સુવિધા છે. સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન પાનખર ઋતુ હોય છે જે દરમિયાન આ વન્ય જીવો ઉપરથી નીચે આવે છે ત્યારે એમને મન ભરીને જોવાનો મોકો મળી રહે છે. વધુમાં અહીં શિકાર કરવા પર પ્રતિબંધ છે.

ભૃગુ તળાવ

કુલુ જિલ્લામાં મનાલી નજીક ભૃગુ તળાવ આવેલું છે. સમુદ્રની સપાટીથી ૧૪,૧૦૦ ફીટની ઊંચાઈ પર આવેલા આ તળાવના પૂવર્માં રોહતાંગ છે, જ્યારે છ કિલોમીટરના અંતરે ગુલાબા ગામ છે. આટલી ઊંચાઈ પર આવેલું આ તળાવ ખૂબ જ સુંદર છે. બરફવર્ષાના સમયે અહીંનો નજારો અલૌકિક બની જતો હોય છે. જ્યારે હિમવર્ષામાં પણ તળાવનું પાણી જામી જતું નથી. ધાર્મિક દૃષ્ટિએ પણ ભૃગુ તળાવનું મહત્વ ઘણું છે. મહર્ષિ ભૃગુ આ તળાવના કિનારે ધ્યાન કરતા હતા. ગુલાબા ગામની વાત નીકળી છે તો તમને જણાવી દઈએ કે આ ગામ મનાલીથી ૨૬ કિલોમીટરના અંતરે છે. અને રોહતાંગ જતાં રસ્તામાં વચ્ચે આવે છે. મનાલી કે એની આસપાસનાં સ્થળોએ જવાના હો તો અહીં આવવાનું ચુકાય નહીં. આ ગામનું નામ કાશ્મીરના રાજા ગુલાબ સિંહના નામ પરથી પડ્યું હતું. હિમાચલમાં હોવાથી અહીંની પ્રાકૃતિક સુંદરતા અવ્વલ દરજ્જાની હોવાની જ સાથે પૅરાગ્લાઇડિંગ અને સ્કીઇંગ માટે પણ આ સ્થળ લોકપ્રિય છે. મોબાઇલ અને કૅમેરાને પ્રૉપર ચાર્જ કરીને રાખજો, નહીં તો અહીંના છલકાતા સૌંદર્યને ઝીલવાનું ચૂકી જશો. તેમ જ યાક સવારી કરવાનું ચુકાય નહીં એ યાદ રાખજો.

નગ્ગાર કિલ્લો

મનાલીની દક્ષિણે ૨૧ કિલોમીટરના અંતરે આવેલો નગ્ગાર કિલ્લો પાલા શાસકોના અવશેષ કહેવાય છે. ખડકોના પથ્થરો અને લાકડાની કોતરણીમાંથી બનેલો આ કિલ્લો હિમાચલની કલાનો ઇતિહાસ બતાવે છે. હવે આ કિલ્લાને એક શાનદાર હોટેલમાં ફેરવી દેવામાં આવ્યો છે જેની સંભાળ હવે હિમાચલ પ્રવાસ નિગમ દ્વારા કરવામાં આવે છે. આ સિવાય અહીં ગોરી શંકર અને ત્રિપુરાસુંદરીનું મંદિર પણ છે. અહીંનો નજારો મનમોહિત કર્યા વિના રહેતો નથી. આઉટિંગ માટે આ સ્થળ બેસ્ટ છે. ટ્રેકિંગ માટે આ સ્થળ જાણીતું છે. અહીં મળતી બેકરીની વસ્તુઓ ઘણી પ્રખ્યાત છે. નગ્ગાર આવતાં પૂર્વે રસ્તામાં જગતસુખ નામનું એક સ્થળ આવશે. જો તમારી પાસે થોડો સમય હોય તો અહીં બ્રેક લેવા જેવો છે. અહીં આવેલાં જૂનાં મંદિરો અને માર્કેટ તમને ગમશે. આવાં જ પૌરાણિક મંદિરો જોવામાં રસ હોય તો હજી એક સ્થળ છે વશિષ્ઠ. મનાલીથી ૧૯ કિલોમીટરના અંતરે વશિષ્ઠ આવે છે, જે એક નાનકડું ગામ છે ને સાધુ વશિષ્ઠનાં મંદિરોના લીધે જાણીતું છે. અહીં પણ ગરમ પાણીનાં ઝરણાં છે.

અજુર્ન ગુફા

મનાલીથી થોડા કિલોમીટરના અંતરે અને નગ્ગારથી માંડ એકાદ કિલોમીટરના અંતરે અર્જુન ગુફા આવેલી છે, જ્યારે કુલુથી ૨૩ કિલોમીટરના અંતરે આ ગુફા આવેલી છે. આ ગુફાનો સબંધ મહાભારતની સાથે હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે કૌરવો સાથે જુગાર રમવામાં બધું હારી ગયા બાદ અર્જુનને શ્રીકૃષ્ણએ શિવજીની તપસ્યા કરવા માટે જણાવ્યું હતું. તેમની સલાહને અનુસરીને અજુર્નેા અહીં તપ કર્યું હતું અને શિવજીએ તેને પરશુરામ શસ્ત્ર આપ્યું હતું. ત્યારથી આ ગુફા અર્જુન ગુફાના નામે પ્રચલિત છે. પૌરાણિક સબંધની સાથે આસપાસ અફાટ સૌંદર્ય ધરાવતું હોવાથી અહીં ટૂરિસ્ટો પણ આવે જ છે. આ ગુફા બહુ વિશાળ નથી. અહીંથી પસાર થઈ રહ્યા હો તો ગુફા પાસે રોકાઈ શકાય છે. ગુફાની નજીક કુંતી માતાનું મંદિર પણ આવેલું છે. અહીં આવવા માટેનો શ્રેષ્ઠ સમય એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી ઑક્ટોબર મહિના દરમિયાનનો છે.

કુંઝુમ પાસ

કુંઝુમ પાસ કહો કે પછી કુંઝુમ ઘાટ, બન્ને એક જ સ્થળનાં નામ છે. હિમાચલમાં આવેલા કુલુ જિલ્લાની બાજુમાં લાહોલ સ્પીતિ જિલ્લો આવેલો છે જ્યાં આ ઘાટ ૧૫,૦૦૦ ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. મનાલીથી કુંઝુમ પાસનું અંતર ૧૨૬ કિલોમીટર છે. ભારે બરફવર્ષાને લીધે વર્ષના મોટા ભાગના સમયગાળા દરમિયાન આ ઘાટ બંધ કરી દેવામાં આવે છે. સ્પીતિ જનારાને આ ઘાટ પરથી પસાર થવાનો લહાવો મળે છે. અહીં કુંઝુમ માતાનું મંદિર આવેલું હોવાથી આ ઘાટનું નામ કુંઝુમ ઘાટ પડ્યું હતું. નજીકમાં આવેલા ચંદ્રતાલ તળાવ સુધી જવા માટે કુંઝુમ પાસ શૉર્ટકટ છે.

હમ્તા પાસ

હિમાચલના કુલુ વિસ્તારમાં હમ્તા પાસ આવેલો છે. રાજ્યના પીર પંજાલ પર્વતીય શ્રેણીમાં ૧૪,૦૦૦ ફીટની ઊંચાઈ પર આવેલો એક પર્વતારોહણ માર્ગ છે. બે પર્વતની વચ્ચે એક સાંકડો માર્ગ છે, જ્યાંથી પગપાળા થકી અથવા યાક પર સવાર થઈને લાહોલ ખીણથી કુલુ ખીણ વચ્ચે મુસાફરી કરી શકાય છે. આ માર્ગની નીચે હમ્તા ગામ આવેલું હોવાથી એનું નામ હમ્તા પાસ પડી ગયું હતું. ટ્રેકિંગ માટે આ સ્થળ ઘણું પ્રચલિત બની રહ્યું છે. જો ટ્રેકિંગ કરવામાં રસ નહીં હોય તો પણ અહીં એક વખત તો આવવા જેવું છે, જેનું કારણ છે અહીંનો વ્યુ; જે ખરેખર રમણીય છે. અહીં પુષ્કળ પ્રમાણમાં જંગલી ફૂલો અને ઔષધીય વનસ્પતિ ઊગે છે. ઊભી પથ્થરની દીવાલો, ધોધ, લટકેલી હિમનદીઓ, નાનાં તળાવો, ૬૦૦૦ મીટરની ઊંચાઈનાં શિખરો અહીંના માર્ગ પર જોવા મળશે. સ્પીતિ અને ચંદ્રતાલ લેક તરફ જનારા આ ટ્રેક પરથી પસાર થઈને તેમના પ્રવાસને ઍડ્વેન્ચર પૂરું પાડી શકે છે. ટ્રેકિંગ કરવા માટે યોગ્ય માર્ગદર્શનની જરૂર રહે છે, જેથી તમામ જાણકારી મેળવ્યા બાદ ટ્રેકિંગ માટે આગળ વધવું.

મનાલી વિન્ટર કાર્નિવલ

પ્રવાસનો અર્થ માત્ર ટૂરિસ્ટ પ્લેસની મુલાકાત જ લેવાની એવો નથી, પરંતુ જે સ્થળે ફરવા જઈએ છીએ એ સ્થળની માહિતી, લોકો વિશેની જાણકારી અને તેમની સંસ્કૃતિની પણ જાણકારી હોવી જરૂરી છે. મનાલી અને એની આસપાસના વિસ્તારોના લોકોની રીતભાત, સંસ્કૃતિ અને ખોરાકની ડીટેલમાં માહિતી મેળવવી હોય તો મનાલી વિન્ટર કાર્નિવલમાં સહભાગી થવું જોઈએ, જે એક ફેસ્ટિવલ છે અને એના નામ મુજબ આ ફેસ્ટિવલ દર વર્ષે વિન્ટર એટલે કે શિયાળાના સમયમાં જાન્યુઆરી દરમિયાન થાય છે. લગભગ છેલ્લા ત્રણ દાયકા કરતાં પણ વધારે સમયથી આ વિન્ટર કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. મૉલ રોડ પર આ કાર્નિવલ યોજાય છે, જેમાં મિસ્ટર અને મિસ મનાલી સ્પર્ધા, કાર્નિવલ પરેડ, ફોક ડાન્સ કૉમ્પિટિશન, સિન્ગિંગ કૉમ્પિટિશન, બૉલીવુડ ડાન્સ, સ્ટ્રીટ પ્લે, ક્લાસિકલ ડાન્સ, ટૅલન્ટ કાર્યક્રમ વગેરેનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલા કાર્યક્રમની દેશભરમાં નોંધ લેવામાં આવી હતી, જેનું કારણ હતું અહીં પ્રદર્શિત કરવામાં આવેલો સ્ત્રી સશક્તિકરણનો કાર્યક્રમ, જેમાં એકીસાથે ૫૦૦ મહિલાઓએ પારંપારિક વસ્ત્રો અને આભૂષણ પહેરીને સ્ત્રી સશક્તિકરણ દર્શાવતો ડાન્સ કર્યો હતો. દર વર્ષે આ કાર્યક્રમને માણવા અને જોવા માટે આ સમયગાળા દરમિયાન ટૂરિસ્ટો અહીં ઊમટી પડે છે.

આ પણ વાંચો : છલોછલ સુંદરતા ને મિની ભારત જેવી ફીલ એટલે ફિજી

સ્પીતિ જનારા લોકો માટે કુંઝુમ પાસનું નામ કંઈ નવું નથી. બરફથી આચ્છાદિત આ પાસ વર્ષના મોટા ભાગના સમયે બંધ રહે છે. સ્પીતિ તેમ જ એની આસપાસ જનારા લોકો આ રસ્તા પરથી પસાર થાય છે.

travel news mumbai travel weekend guide