છલોછલ સુંદરતા ને મિની ભારત જેવી ફીલ એટલે ફિજી

દર્શિની વશી - ટ્રાવેલ-ગાઇડ | Jun 09, 2019, 13:09 IST

ભારત જ્યારે બ્રિટિશરોના કબજામાં હતું ત્યારે આ દેશનો ઉદ્ધાર કરવાની જવાબદારી લેનારા બ્રિટિશરોએ ભારતીયોને સજાના ભાગરૂપે ફિજી મોકલ્યા. ભારતીયોએ ત્યાં શેરડી ઉગાડીને વેપાર શરૂ કર્યો અને આજેય ભારતીયોનો દબદબો અહીં અકબંધ છે

છલોછલ સુંદરતા ને મિની ભારત જેવી ફીલ એટલે ફિજી
સુંદર આઈલૅન્ડમાં મામાનુકા આઈલૅન્ડનો સમાવેશ થાય છે. હૉલીવુડ સ્ટાર્સ અને હનીમુન કપલનું માનીતુ ડેસ્ટિનેશન છે.

ટ્રાવેલ-ગાઇડ

સાઉથ પૅસિફિક કન્ટ્રી ફિજીના અલૌકિક બીચ અને અદ્ભુત દરિયાઈ સૃષ્ટિ જોઈને તમે પણ કહી ઊઠશો કે આ દેશ પર સમુદ્ર દેવતા ઓવારી જ ગયા છે. ભારત જ્યારે બ્રિટિશરોના કબજામાં હતું ત્યારે આ દેશનો ઉદ્ધાર કરવાની જવાબદારી લેનારા બ્રિટિશરોએ ભારતીયોને સજાના ભાગરૂપે ફિજી મોકલ્યા. ભારતીયોએ ત્યાં શેરડી ઉગાડીને વેપાર શરૂ કર્યો અને આજેય ભારતીયોનો દબદબો અહીં અકબંધ છે

ફિજી નામ તો ઘણી વખત સાંભળવા મળ્યું છે પરંતુ જ્યારે કોઈ પૂછે કે ફિજી કયા દેશની બાજુમાં આવેલું છે અને કયા ખંડમાં આવે છે તો વિચારમાં પડી જવાય છે બરાબરને? વાત સાચી છે, ફિજી એટલુંબધું નાનકડું છે કે જો વર્લ્ડ મૅપ હાથમાં લઈને બેસો તો પણ નજરે નહીં પડે. પરંતુ આપણામાં કહેવત છેને, નાનો પણ રાઈનો દાણો. એ ફિજી માટે પર્ફેક્ટ બંધ બેસે છે. શું કામ એ આગળ જોઈએ.

ફિજી ચારે તરફ પૅસિફિક મહાસાગરથી વીંટળાયેલો ટાપુ છે અને ટાપુ પણ કેવો, બે-ચાર નહીં પરંતુ ૩૩૨ નાના-નાના દ્વીપોના સમૂહથી બનેલો. આ ટાપુઓ કેવી રીતે બન્યા અને દુનિયાની સામે કેવી રીતે આવ્યા એના વિશે પાકી માહિતી કોઈને નથી. દરેક લોકો પાસે એની અલગ- અલગ સ્ટોરી છે જેમાં સૌથી પ્રચલિત કહાની છે ભૌગોલિક હલચલની. કહેવાય છે કે પૃથ્વીના ભૂસ્તરીય પોપડાઓમાં વારંવાર હલચલન અને ઊથલપાથલ થવાને લીધે આ તમામ ટાપુઓનું નિર્માણ થયું હોવું જોઈએ. અન્ય દેશોથી દૂર આવેલા આ ટાપુ પર માનવ વસાહત કેવી રીતે આવી એની સ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. ઇતિહાસકારોનું કહેવું છે કે આજથી સેંકડો વર્ષ પૂર્વે ઇન્ડોનેશિયા અને મલેશિયામાંના કેટલાક આદિવાસીઓ પોતાની નાવમાં ફરતાં-ફરતાં વિરાન છતાં હરિયાળીથી છલોછલ એવા ટાપુ પર અનાયાસે આવી ચડ્યા. માનવરહિત આ સુંદર ટાપુ આદિવાસીઓને મનમાં વસી ગયો અને એવો વસી ગયો કે તેમણે અહીં જ ધામા નાખી દીધા. આ તો થઈ ફિજીના ઇતિહાસની વાત. વર્તમાનની વાત કરીએ તો ફિજીનું ઑફિશ્યલ નામ રિપબ્લિક ઑફ ફિજી છે. ફિજી સાઉથ પૅસિફિક કન્ટ્રી ગણાય છે જે પૅસિફિક ઓશનમાં ન્યુઝીલૅન્ડથી નૉર્થમાં ૨૦૦૦ કિલોમીટરના અંતરે આવેલું છે. એના પાડોશી દેશોમાં વનુટાઉ અને બીજું ન્યુ કેલેડોનિયા જે ફ્રાન્સનો એક હિસ્સો છે. આગળ કહ્યું એમ ફિજી ટાપુ ૩૩૦ જેટલા નાના-નાના દ્વીપનો બનેલો છે પણ એમાં ૧૦૦થી અધિક દ્વીપ પર જવાનો પ્રતિબંધ છે. ફિજીનો વિસ્તાર ૧૮,૩૦૦ સ્ક્વેર કિલોમીટરમાં પથરાયેલો છે ત્યારે અહીંની વસ્તી ૯ લાખની આસપાસ છે. અહીંના લોકોની મુખ્ય ભાષા અંગ્રેજી, ફિજિયન અને ફિજી હિન્દી છે. અહીંની રાજધાની સુવા છે એટલું જ નહીં, અહીંનું સૌથી મોટું અને મુખ્ય શહેર પણ છે.

મૂળ ટૂરિઝમના મુદ્દા પર આવીએ તો ફિજી ચારે તરફથી સમુદ્રથી ઘેરાયેલો હોવાથી અહીં પુષ્કળ બીચ તો છે જ. આ સિવાય સમુદ્રની અંદર છુપાઈને બેસેલી અલૌકિક જીવસૃષ્ટિ, ઍડ્વેન્ચરથી ભરપૂર વૉટરસ્પોર્ટ્સ, નૅશનલ પાર્ક, નવલા વિલેજ વગેરે અહીંનાં મુખ્ય આકર્ષણો છે.

મિની ભારત

એવું કહેવાય છે કે શરૂઆતમાં અહીં આવીને વસેલા આદિવાસીઓ ઘણા પછાત હતા. બહારની દુનિયાને આ ટાપુ વિશે કંઈ કરતાં કંઈ જાણકારી હતી નહીં. એવી જ રીતે આદિવાસીઓને બહારની દુનિયાની સાથે કોઈ સંપર્ક હતો નહીં. એને લીધે અહીંના આદિવાસીઓમાં કોઈ સુધારો થયો નહીં. તેઓ એટલીબધી રીતે પછાત હતા કે તેઓ જરૂર પડે તો માનવીને પણ પકવીને ખાઈ લેવામાં વિચાર કરતા નહીં. ૧૮મી સદીના અંતમાં અહીંના આદિવાસી રાજાએ તેમની આદિવાસી પ્રજાને સુધારવા માટે બ્રિટિશ સરકારની મદદ માગી. આદિવાસીઓ સુધરવા લાગ્યા, પરંતુ બીજી તરફ એ સમયે ભારત બ્રિટિશ શાસન હેઠળ ગુલામ હતું અને ભારતમાં એ સમયે અંગ્રેજોને ખદેડવા માટેનો બળવો જોરમાં ચાલતો હતો. બસ, અંગ્રેજોએ ભારતીય બળવાખોરોને સબક આપવા આ આદિવાસી ટાપુ પર મોકલવા માંડ્યા હતા. કહેવાય છેને આપણા ભારતીયો માટીમાંથી પણ સોનું શોધીને લાવી શકે છે. એવું જ બન્યું. અહીં તેમણે શેરડી ઉગાડવાનું કામ શરૂ કરી દીધું જેને લીધે અહીં શુગર ફૅક્ટરીઓ સ્થપાઈ. જોતજોતામાં અહીં ભારતીયોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો, જેને લીધે આજે ફિજીનો કેટલોક વિસ્તાર મિની ભારત તરીકે ઓળખાય છે.

આઇલૅન્ડ

ફિજીમાં બે મુખ્ય આઇલૅન્ડ છે. એક છે વીતી લેઉ અને બીજો છે વનુઆ લેઉ. આ બે આઇલૅન્ડ પર ફિજીનું ૮૭ ટકા જેટલું પૉપ્યુલેશન રહે છે. ફિજીની રાજધાની સુવા વીતી લેઉ પર આવેલી છે. તેમ જ મુખ્ય ક્રૂઝ પૉઇન્ટ પણ અહીં જ આવેલો છે. વનુઆ લેઉ પર ઍક્ટિવ જ્વાળામુખી આવેલો છે. અહીં ભારતીયોની મોટી સંખ્યામાં મોજૂદગી હોવાથી અહીં ભારતીય હોટેલો પણ છે તેમ જ ઘણુંખરું ભારતીય કલ્ચર પણ જોવા મળે છે. આઇલૅન્ડ પર બીચ હાઉસ મળી રહે છે જેમાં રહેવાની અને ત્યાંથી ફરવાની મજા પડે છે.

સુવા

ફિજીની રાજધાની સુવા છે જેને ફિજીનું હાર્ટ પણ માનવામાં આવે છે. દેશનું ૫૦ ટકા જેટલું શહેરી પૉપ્યુલેશન અહીં સ્થિત છે એટલું જ નહીં, સાઉથ પૅસિફિકનું સૌથી મોટું શહેર પણ છે. હરિયાળીથી પ્રચુર એવું આ શહેર વધુ વરસાદ આકર્ષે છે, જેને લીધે અહીંના પ્રાકૃતિક સૌંદર્યમાં પણ જબરી ભરમાર દેખાય છે. ફિજી શહેર કેવું છે એ જાણવું હોય તો સુવામાં ફરવું. અલગ ઢબે બનેલાં મકાનો, મૉડર્ન શૉપિંગ પ્લાઝા, ફૂડમાં વૈવિધ્ય, ભારતીય સાડીની દુકાનો વગેરે જોવું અહીં સામાન્ય છે. અહીંના આકર્ષણમાં એક છે ફિજી મ્યુઝિયમ, જેમાં ફિજીના ઇતિહાસની ઝાંખી જોવા મળે છે. આ સિવાય થોલો ઈ સુવા ફૉરેસ્ટ પણ અહીંનું નોખું નજરાણું છે. ખૂબ જ સરસ મજાના આ જંગલમાં વાઇલ્ડલાઇફ ઍનિમલો તો છે સાથે ૧૪ અલગ-અલગ પ્રજાતિનાં પક્ષીઓ પણ છે. અહીં પ્રવેશવા માટે ટિકિટ લેવી પડે છે. હિન્દુ ધર્મના લોકો અહીં વસતા હોવાથી મંદિરો પણ આવેલાં છે જેમાંનાં મોટા ભાગનાં મંદિરો દક્ષિણ ભારતીય શૈલીમાં બંધાયેલાં છે. જુલાઈ અને ઑગસ્ટ દરમિયાન અહીં તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. મરીઅમ્મા મંદિર અહીંનું પ્રસિદ્ધ મંદિર છે.

નવાલા વિલેજ

ફિજીનું સુંદર અને પરંપરાગત રીતે બંધાયેલું ગામ એટલે નવાલા વિલેજ. આ ગામડામાં આવેલાં તમામ ઘરો પારંપારિક ઢબે બંધાયેલાં છે. સૌથી વધુ ધ્યાન આકર્ષિત કરતી વસ્તુ આ ગામ એકદમ ચોખ્ખું છે સાથે ગામની અંદર આવેલાં તમામ ઘરો એકસમાન રીતે બાંધવામાં આવેલાં છે. તેમ જ ઘરોને ઘાસ જેવા લોકલમાં થતા મટીરિયલનો ઉપયોગ કરીને જ બનાવવામાં આવેલાં છે. માત્ર સ્કૂલ, ચર્ચ અને રેડિયો-સ્ટેશનને બાંધવામાં જ સિમેન્ટ અને ઈંટનો ઉપયોગ કરવામાં આવેલો છે. ઘરથી કિચન અને ટૉઇલેટ અલગ બનાવવામાં આવેલાં છે. આ ગામડામાં પ્રવેશવા માટે ફી ચૂકવવી પડે છે.

સવા ઈ લાઉ

Sawa e Lau caves

સવા ઈ લાઉ કેવ અહીંનું આકર્ષક નજરાણું છે. ટૂરિસ્ટો અહીં ખાસ આવે છે. જ્વાળામુખી ફાટવાથી બનેલી આ ગુફા બેનમૂન સૌંદર્યની સાક્ષી છે. 

યાસવા આઇલૅન્ડ પર સવા ઇ લાઉ કેવ એટલે કે ગુફા આવેલી છે. કહેવાય છે કે જ્વાળામુખી ના ફાટવાથી આ ગુફાનું નિર્માણ થયું હતું. આવા પ્રકારની અહીં બે ગુફા છે જેની અંદરથી જોવાનું એક ઍડ્વેન્ચરથી કંઈ ઓછું નથી. પારદર્શક અને બ્લુ પાણી ધરાવતા બીચ અને એને અડીને ગુફા આવેલી છે. બીચને અડીને આવેલી હોવાથી આ ગુફાની અંદર પાણી છે, પરંતુ પાણી પણ ફક્ત ચાલી શકાય એટલાં નથી પરંતુ ડૂબી જવાય એટલાં હોય છે. આ ગુફામાં આગળ જવું હોય તો તમારે તરીને જવું પડે છે. આ નૅચરલ પૂલમાં સ્વિમ કરવાની મજા પડશે. સાથે કોઈ ગાઇડ મળી જાય તો મજા બમણી પડે છે. ગુફાની અંદરની તરફની દીવાલો પર અગાઉના સમયનાં ભીંતચિત્રો, પેઇન્ટિંગ, લખાણ ગુફાને અદ્ભુત સુંદરતા બક્ષે છે. ઘણા રિસૉર્ટ કેવની ટ્રિપને તેમના પ્લાન હેઠળ આવરી લે છે.

અન્ડરવૉટર ફિજી

Underwater FIJI

વૉટર સ્પોર્ટ્સનો અહીં ખજાનો છે એટલે વૉટર સ્પોર્ટ્સના પ્રેમીઓને અહીં મજા પડી જવાની છે. 

આટલોબધો સમૃદ્ધ દરિયાકિનારો હોય અને એની નજીક અન્ડરવૉટર સૃષ્ટિ નહીં હોય એવું કેમ બની શકે? વીતી લેઉથી ૧૦૦ કિલોમીટરના અંતરે કંડાઉ આવેલું છે. નાનકડા એવા આ ટાઉનના છેડા કોઈ રોડને મળતા નથી. છે તો માત્ર નયનરમ્ય સમુદ્રકિનારો. અહીંના પાણીની અંદર ઢગલાબંધ પરવાળાના ટાપુ તો ઠેર-ઠેર જોવા મળશે. આ સિવાય જાતજાતની માછલી, કાચબા સહિતના દરિયાઈ જીવોનો અહીં ખડકલો છે. એકદમ ચોખ્ખા અને પારદર્શક પાણીની અંદરની જળચર સૃષ્ટિ ઉપરથી પણ દેખાય છે. કંડાઉ અહીંનો ચોથો સૌથી મોટો આઇલૅન્ડ ગણાય છે, ટૂરિસ્ટોને પણ અહીં રાતવાસો કરવો ગમે છે.

મામાનુકા આઇલૅન્ડ

ફિજીનું સૌથી લોકપ્રિય ડેસ્ટિનેશન મામાનુકા આઇલૅન્ડ છે. ખૂબસૂરત બીચ અને અહીંનું બ્લુ વૉટર હૉલીવુડ સ્ટાર્સને અતિ પ્રિય છે. આવા લોકેશનની વચ્ચે આવેલા સુંદર અને લક્ઝ્યુરિસ રિસૉર્ટમાં રહેવાની કેવી મજા પડતી હશે! હનીમૂન કપલ્સ માટે પણ આ સ્થળ હવે ગમતીલું બની ગયું છે. થોડા સમયથી અહીં વૉટર સ્પોર્ટ્સ પણ ઑફર કરવામાં આવે છે. સર્ફિંગ અહીંની સૌથી લોકપ્રિય સ્પોટ્ર્સન ગણાય છે. આ સિવાય મામનુકા આઇલૅન્ડની નજીક સિગાટોકા આઇલૅન્ડ આવેલો છે જ્યાં જેટ બોટ સફારી અવેલેબલ થઈ રહે છે જે ફિજીના અમુક દરિયાકિનારાનાં સ્થળોનું દર્શન કરાવે છે.

ટોન્ગા ટાપુ

પૅસિફિક મહાસાગરની નજીક ટોન્ગા ટાપુ આવેલો છે. માત્ર ૭૫૦ વર્ગ કિલોમીટરનો સપાટ ભૂ પ્રદેશ ધરાવતો અને ૧૭૦ નાના-નાના ટાપુઓનો સમૂહ આ ટોન્ગા ટાપુ છે. આ ટાપુ ફિજીથી ૮૦૦ કિલોમીટરના અંતરે આવેલો છે. ટોન્ગાની જનસંખ્યા માત્ર એક લાખની જ છે જેમાંથી મોટા ભાગના લોકો મુખ્ય ટોન્ગા ટાપુ પર રહે છે. આ ટાપુ પણ ફિજીની જેમ સુંદરતાથી છલોછલ છે. આ ટાપુનો ઇતિહાસ ૩૫૦૦ વર્ષ જૂનો છે. મૂળ મલય લોકો આ ટાપુ પર આવીને વસ્યા હતા. ફિજી આવવાનું થાય તો આ ટાપુ પર આવવાનું ચૂકવા જેવું નથી.

જાણી-અજાણી વાતો

ફિજીમાં હિન્દુની વસ્તી લગભગ ૨૭ ટકા જેટલી છે, જેને લીધે અહીં ૩૭ ટકા લોકો હિન્દી ભાષા બોલી જાણે છે.

અહીં ગુજરાતીઓની વસ્તી મોટી સંખ્યામાં છે. મોટા ભાગના ગુજરાતી ઉપરાંત હિન્દુઓની વસ્તી પાટનગર સુવામાં છે.

અહીંનો મુખ્ય વ્યવસાય શુગરકેન ઇન્ડસ્ટ્રીનો છે. આ સિવાય ટુરિઝમ ઇન્ડસ્ટ્રી અહીંની મુખ્ય ઇન્ડસ્ટ્રી ગણાય છે.

ફિજિયન ડૉલર અહીંનું ચલણ છે.

એક સમયે પછાત ગણાતા આ દેશમાં સાક્ષરતાનું પ્રમાણ આજે ૯૨ ટકા છે.

ફિજીને છેક ૧૯૭૦ની સાલમાં યુનાઇટેડ કિંગડમ પાસેથી આઝાદી મળી હતી. તેમ છતાં હજી આ દેશ આડકતરી રીતે તેમની સાથે જોડાયેલો છે.

વાતમાં કેટલી હકીકત છે એ ખબર નથી, પરંતુ એવું કહેવાય છે કે અહીંના લોકો આત્માઓ સાથે વાત કરવામાં માહેર છે જે માટે તેઓ વિશ્વભરમાં જાણીતા પણ છે.

ફિજિયન ડૉલર પર આજે પણ રાણી એલિઝાબેથનો ફોટો છે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

ફિજી ટ્રાવેલ કરવું આમ તો સહેલું અને સરળ છે તેમ જ અહીંના લોકલ પણ ફ્રેન્ડ્લી નેચર ધરાવે છે. તેમ છતાં કેટલીક બેઝિક બાબતથી લઈને સેફટીને સંબધિત જરૂરી માહિતીથી થોડા માહિતગાર થઈ જઈએ.

આમ તો ઇંગ્લિશ લૅન્ગ્વેજ અહીં મોટા ભાગના લોકોને સમજાય છે તેમ છતાં અહીંની લોકલ લૅન્ગ્વેજ જે ફિજિયન છે એના કેટલાક બેઝિક વર્ડ જાણી લેવા સારા રહેશે જેથી ટ્રાવેલિંગ વખતે લોકલ લોકો સાથે વાતચીત કરતી વખતે સરળતા રહે.

અહીંના ઘણા લોકો ખેતી વ્યવસાયની સાથે સંકળાયેલા હોવાથી તેમના હાથમાં માચેટા (મોટા છરા જેવું ધારિયું) રહેલા હોય છે. જો તમારી આસપાસ ફરતા લોકોના હાથમાં આવા પ્રકારનાં હથિયાર જોવા મળે તો ગભરાવું નહીં.

ફિજીમાં રાતના સમયે મહિલાઓએ બહાર એકલા ફરવા નીકળવું જોખમી સાબિત થઈ શકે છે.

અહીં જવાનું વિચારી રહ્યા હો તો તમારે બુલા શબ્દ શીખી લેવો જોઈએ. ફિજી ભાષામાં બુલાનો અર્થ થાય છે હેલો.

પૅસિફિક ઓશનની આસપાસ આવતા દેશમાં અવારનવાર ભૂકંપ મહેસૂસ થતા રહે છે. ફિજી પણ એમાંથી બાકાત નથી. ફિજીમાં બે સક્રિય જ્વાળામુખી છે, જેથી અહીં પણ ભૂકંપના ઝટકા આવ્યે રાખે છે.

આ પણ વાંચો : ચારધામને શું કહેશો ધરતી પરનું સ્વર્ગ કે સ્વર્ગ પરની ધરતી

ક્યારે અને કેવી રીતે જશો?

અહીં આવવા માટે ઑક્ટોબર મહિનો સૌથી બેસ્ટ ગણાય છે જ્યારે અહીંનું ક્લાયમેન્ટ ઠંડું હોય છે અને ક્રાઉડ પણ ઓછું થઈ ગયું હોય છે. ફિજીમાં બે ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ આવેલાં છે. એક છે નડી અને બીજું છે સુવા ખાતે. મુંબઈથી ફિજી આવવા માટેની ડાયરેક્ટ ફ્લાઇટ નથી, પરંતુ લૉસ ઍન્જલસ, હૉન્ગકૉન્ગ, સોલ વગેરે સ્થળોથી અહીં આવતી સીધી ફ્લાઇટ મળી રહે છે. આ આઇલૅન્ડની અંદર ફરવા માટે બસ સૌથી બેસ્ટ અને સસ્તો વિકલ્પ છે. તો એક આઇલૅન્ડથી બીજા આઇલૅન્ડ પર જવા માટે બોટ ફેરીનો ઉપયોગ થાય છે, જ્યારે ફિજી સુધી પહોંચવા માટે હવાઈ માર્ગ સૌથી બેસ્ટ વિકલ્પ ગણાય છે. આ ઉપરાંત લૉન્ગ ટ્રાવેલ કરવાના શોખીનોને માટે ઑસ્ટ્રેલિયાથી ફિજી આવવા માટે બોટ ફેરીનો લાભ લઈ શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK