બાળકોને લઈને ટ્રાવેલ કરવું અઘરું ભલે હોય, પણ એમાં મજા ખૂબ છે

23 June, 2022 03:06 PM IST  |  Mumbai | Jigisha Jain

બાળકો હજી એક વર્ષનાં પણ ન થયાં હોય એ પહેલાંથી જ આ દંપતી એમને લઈને ફરવા નીકળી જતાં હતાં. એમનો અનુભવ કહે છે કે આ પ્રકારના ટ્રાવેલમાં સંઘર્ષની સાથે સુપર ફન સામેલ હોય છે.

તેજસ શાહ અને તેમનાં પત્ની રુચિકા શાહ બાળકો સાથે

એમના પેરન્ટિંગમાં ટ્રાવેલ મહત્ત્વનો ભાગ છે જેના થકી તેઓ બાળકો સાથે એક સ્ટ્રૉન્ગ બૉન્ડ બનાવી શક્યા છે અને એમને ઘણું વધુ શીખવી પણ શક્યા છે

‘હજી તો બાળકો નાનાં છે એટલે ફરવાનું તો અમે વિચારતાં જ નથી.’

‘નાનાં બાળકોને લઈને ટ્રાવેલિંગ કરીએ તો હેરાનગતિ સિવાય કશું હાથ નથી લાગતું. બહાર એમને સંભાળીએ કે આપણે ફરીએ?’

‘મારું બાળક તો જેવું બહાર જાય કે માંદું જ પાડી જાય એટલે અમે તો છેલ્લાં ૫-૭ વર્ષથી મોટી ટૂરમાં ગયાં જ નથી. વધુમાં વધુ લોનાવાલા-ખંડાલા જઈ આવીએ એટલે ઘણું.’

આવાં સ્ટેટમેન્ટ બોલનારાં ઘણાં માતા-પિતા તમે જોયાં હશે અને હકીકત છે કે બાળક એકદમ નાનું હોય ત્યારે એને લઈને ફરવા નીકળવું ઘણું અઘરું થઈ પડે. પરંતુ જુહુમાં રહેનારા બિઝનેસમૅન તેજસ શાહ અને તેમનાં રાઇટર પત્ની રુચિકા શાહ જુદી માટીના પેરન્ટ્સ છે. તેઓ માને છે કે તકલીફો તો પડે પરંતુ એના બદલામાં જે મળે છે એ મોટો લહાવો છે જે પેરન્ટ્સે ગુમાવવો ન જોઈએ. તેમને બે બાળકો છે. તેમની દીકરી રુહી હાલમાં ૧૩ વર્ષની છે અને આર્યવીર હાલમાં ૯ વર્ષનો છે. એ બન્ને સાવ નાનાં હતાં, લગભગ ૯-૧૦ મહિનાના હતાં ત્યારથી તેજસ અને રુચિકા બન્ને ભારતની બહાર મોટા વેકેશન પર જતાં. અત્યાર સુધીમાં તેઓ બાળકોને લઈને થાઇલૅન્ડ, સિંગાપોર, હૉન્ગકૉન્ગ, ગ્રીસ, ટર્કી, સાઉથ આફ્રિકા, ઇટલી, ફ્રાન્સ, બેલ્જિયમ, શ્રીલંકા, બાલી, નેધરલૅન્ડ્સ, ઑસ્ટ્રિયા, સિક્કિમ, કાશ્મીર, રાજસ્થાન જેવી જગ્યાઓએ ફરી આવ્યાં છે. આમાંથી અમુક દેશો તો એવા છે જ્યાં તેઓ અઢળક વાર જઈ આવ્યાં છે. ઇટલી જેવા શહેરમાં તો તેઓ ૫-૬ વાર જઈ આવ્યાં.  

શોખ માટે રાહ કેમ?
તેજસ શાહને પહેલેથી જ ફરવાનો અઢળક શોખ. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારા ઘરમાં બધા જ ફરવાના શોખીન. મારા પેરન્ટ્સ પણ પહેલેથી જ એવા છે. હું એમની સાથે ખૂબ ફર્યો છું અને એટલે જ હું ઇચ્છતો હતો કે મારાં બાળકો પણ નાનપણથી ફરે, કારણ કે ફરવું એ ફક્ત મજા માટે નથી. જીવનમાં અઢળક જાણવા અને શીખવા માટે પણ ફરવું ખૂબ જરૂરી છે. એવું હું માનું છું. બાળકો નાનાં હતાં ત્યારે મારી પત્નીને થોડું એમ લાગતું હતું કે હમણાં ન ફરીએ. એ મોટાં થશે પછી ફરીશું. ત્યારે મેં એને કીધું હતું કે એવું નહીં વિચાર. એ લોકો મોટા થશે ત્યારે આપણે ઘરડાં થઈ જઈશું. એવી રાહ શું કામ જોવાની? તકલીફ પડશે તો જોયું જશે પણ આપણે તો ફરીશું.’ 

ગિફ્ટ કે ટ્રાવેલિંગ?
એનાથી ઊલટું રુચિકા લગ્ન પહેલાં ક્યાંય ખાસ ફરી નહોતી. એ વિશે વાત કરતાં તે કહે છે, ‘મારા ઘરમાંથી અમે દર વર્ષે ફક્ત ગુજરાત જતા. બાકી કોઈને ફરવાનો શોખ નહીં. લગ્ન કરીને આવી પછી મને સમજાયું કે અહીં તો બધાને જ ફરવાનો ભારે શોખ. શનિ-રવિવારે પણ કોઈ ઘરમાં બેસે જ નહીં. અડધા કલાક પહેલાં નક્કી કરે કે ચાલો મહાબળેશ્વર અને બધા બૅગ ઉઠાવીને નીકળી પડે. પણ જેમ-જેમ હું એ લોકો સાથે ફરવા લાગી એમ-એમ મને ખૂબ મજા પાડવા લાગી. મારા પતિએ મને પૂછ્યું હતું કે તને મારા તરફથી એક્સપેન્સિવ ગિફ્ટસ જોઈએ છે  કે ટ્રાવેલિંગ? મેં ટ્રાવેલિંગ માગ્યું હતું.’ 

તકલીફોમાં જ મજા 
તો શું નાનાં બાળકોને લઈને ફરવામાં તકલીફ ન પડી? ‘પડી જ હોયને!’ એમ હસતાં-હસતાં રુચિકા કહે છે, ‘બાળકો જુદા-જુદા પ્રકારના વાતાવરણમાં માંદાં પડે. એકદમ એમને બધું માફક ન આવે એવું તો થાય જ. પરંતુ ખરું કહું તો એ રીતે મારાં બાળકો ઘડાયાં. નાનપણથી એમને એ આદત પડી કે કઈ રીતે અલગ-અલગ વાતાવરણમાં રહી શકાય. તકલીફ ત્યારે વધુ પડી જ્યારે બે બાળકો થયાં. બન્ને વચ્ચે ફક્ત ચાર વર્ષનો ફરક. એક વખત લંડનની એક બસમાં હું બન્નેને માંડ સંભાળી રહી હતી એ સમયે એક સ્ત્રી મારી બૅગ ચોરીને ભાગી. એ બૅગમાં અમારા પાસપોર્ટ, પૈસા બધો જ મહત્ત્વનો સામાન હતો. એ તો ભલું થાય કે એક ફ્રેન્ચ માણસે એ સ્ત્રીને પકડી અને અમારી મદદ કરી. આવું જ એક વાર થયું હતું કે બન્ને બાળકો એકદમ ક્રૅન્કી થયેલાં. એ સમયે સિક્યૉરિટી ચેકમાંથી મારા પૈસા ચોરાઈ ગયેલા. બાળકોને સંભાળું કે પરિસ્થિતિ, એવી હાલત થઈ ગયેલી મારી.’ 

હોટેલ નહીં, અપાર્ટમેન્ટ
રુચિકા અને તેજસ બન્ને કોઈ પણ દેશ કે જગ્યાને ટૂરિસ્ટની રીતે નહીં, ત્યાંના વતનીની રીતે એક્સપ્લોર કરવામાં માને છે. એ બાબતે વાત કરતાં તેજસ શાહ કહે છે, ‘અમે જ્યાં પણ જઈએ ત્યાં હોટેલમાં ન રોકાઈએ. ત્યાંનું કોઈ અપાર્ટમેન્ટ રેન્ટ પર લઈએ. એવી જગ્યા પસંદ કરીએ જ્યાંથી ઇન્ડિયન રેસ્ટોરાં નજીક હોય. ત્યાંની માર્કેટમાંથી શૉપિંગ કરીએ અને એના કિચનમાં જ બ્રેકફાસ્ટ બનાવીએ. બાળકો માટે ઇલેક્ટ્રૉનિક કુકર લઈ જતા જેમાં ભાત કે ખીચડી કશું બનાવી લેતા. બધી જ ટૂર અમે જાતે જ પ્લાન કરીએ. જુદી-જુદી જગ્યાઓ જાતે શોધીએ. આમાં અનુકૂળતા ખૂબ રહે છે અને બજેટમાં પણ કામ થાય છે. ઑસ્ટ્રિયા, જર્મની, લંડન, પટાયા, ઇટલી, બેલ્જિયમ અને ગ્રીસ એમ બધી જગ્યાએ અમે આમ જ કર્યું છે.’

પ્લાનિંગ બહુ જરૂરી
દર વર્ષે ક્રિસમસ, દિવાળી અને સમર વેકેશનમાં અચૂકપણે લાંબા વેકેશન માટે ફરવા જવાનો આ પરિવારનો નિયમ છે. આ સિવાય લૉન્ગ વીક-એન્ડ આવે તો એમાં પણ પ્લાન્સ બનેલા જ હોય. શનિ-રવિવારની રજામાં આસપાસની જગ્યાઓ નક્કી થઈ જાય. રુચિકા, જેને એક સમયે ટ્રાવેલિંગમાં ખાસ રસ નહોતો એ કેટલાંય વર્ષોથી આખા ઘરના બધા જ લોકોનું ટ્રાવેલિંગનું મૅનેજમેન્ટ સંભાળે છે. એ એમાં એટલી એક્સપર્ટ બની ગઈ છે કે લોકો એની આઇટિનરી માગે અને એ જ ફૉલો કરે છે. કઈ રીતે જવું, કેટલું ફરવું, ક્યાં-ક્યાં નવી જગ્યાઓ શોધવી, ક્યાં વેજિટેરિયન ખાવાનું મળશે, ક્યાં રહીશું તો સસ્તું પડશે જેવું બધું પ્લાનિંગ રુચિકા જ સંભાળતી હોય છે. એ વિશે તે કહે છે, ‘આ પ્રકારના પ્લાનિંગમાં અઢળક રિસર્ચ જોઈએ. ૩-૪ મહિના પહેલાં પ્લાન કરીએ એટલે બજેટ-ફ્રેન્ડ્લી ટૂર કરી શકાય. એક સમય એવો પણ હતો જ્યારે પૈસાની તંગી હતી તો પણ અમે ફરવાનું છોડ્યું નહોતું. સવારે બ્રેકફાસ્ટ અને રાત્રે ડિનર કરીને લંચ સ્કિપ કરતા પણ ફરવા ચોક્કસ જતાં. આજે હવે બાળકો મોટાં થયાં તો રિસર્ચનું ઘણું કામ એ બન્ને પણ કરે છે.’

ફાયદાઓ અઢળક છે
બાળકોને નાનપણથી આટલું ટ્રાવેલ કરાવ્યું છે એનો શું ફાયદો થયો એ વિશે વિસ્તારથી વાત કરતાં રુચિકા કહે છે, ‘સૌથી પહેલો ફાયદો બાળકો સાથેનો અમારો બૉન્ડ ખૂબ સ્ટ્રૉન્ગ બન્યો. ઘરે તમે એટલો સમય બાળકોને ન આપી શકો જેટલો બહાર આપી શકો. બીજું બાળકો પહેલેથી જ જુદી પરિસ્થિતિમાં રહેવા ટેવાયેલાં હતાં જેથી ઍડ્જેસ્ટમેન્ટ શીખવવું નથી પડ્યું. હાલમાં અમે દુબઈ એક્સ્પોમાં ગયાં હતાં જ્યાં ૧૮૦ દેશોનું એક્ઝિબિશન હતું. એ તમે જુઓ તો ઑલમોસ્ટ ૧૮૦ દેશો ફર્યા હોય એટલું એક્સપ્લોરેશન મળે. અમે લોકોએ ૪ દિવસમાં પૂરેપૂરું જોઈને ગોલ્ડન પાસપોર્ટ હાંસલ કર્યો જેના માટે દરરોજ ૨૨,૦૦૦-૨૫,૦૦૦ સ્ટેપ્સ અમે ચાલતાં. આમ ટ્રાવેલને કારણે બાળકોની ફિઝિકલ-મેન્ટલ સ્ટ્રેંગ્થ પણ ઘણી ડેવલપ થઈ છે અને એમનું જ્ઞાન પણ ઘણું વધ્યું છે.’

બહુ શીખવા મળશે, અમે પણ શીખ્યા 

બાળકો ટ્રાવેલને કારણે ઘણું શીખ્યાં એટલું જ નહીં, અમે બાળકોને લીધે ઘણું શીખ્યાં એમ જણાવતાં રુચિકા કહે છે, ‘હિસ્ટોરિકલ જગ્યાઓ હોય કે આધુનિક, બાળકોને સમજાવવા માટે પહેલાં અમે સમજ્યાં અને પછી એમને સમજાવ્યું. એ સિવાય હું વધુ ઍડ્વેન્ચરસ નથી પરંતુ જો હું ડરીશ તો મારાં બાળકો પણ ડરશે, એ મને મંજૂર નહોતું. એમને એવું ન લાગે એ માટે મેં મારા સ્વભાવ વિરુદ્ધ ઘણી ઍડ્વેન્ચરસ રાઇડ્સનો અનુભવ લીધો છે. બંજી જમ્પિંગ, પૅરાસેઇલિંગ, હૉટ ઍર બલૂન અને ન્યુ જર્સીમાં આવેલી દુનિયાની સૌથી ફાસ્ટ અને ક્રેઝી કહી શકાય એવી રાઇડ્સમાં પણ હું બેઠી છું. મને યાદ છે કે રુહી ફક્ત ૩ વર્ષની હતી ત્યારે ન્યુ જર્સીના સિક્સ ફ્લૅગ્સમાં જુદી-જુદી રાઇડ્સમાં હું અને તેજસ સાથે ન બેસી શકીએ, કારણ કે રુહીને કોણ સાચવે? તો અમે વારાફરતી લાઇનમાં ઊભાં રહ્યાં. એક રાઇડમાં જાય ત્યારે બીજો બાળકને સાચવે પણ આ રીતે પણ એક પણ રાઇડ નહોતી છોડી, બધી જ રાઇડ્સમાં બેઠાં હતાં.’

columnists travel news Jigisha Jain