રામાયણકાલીન છે હરણીના હનુમાનજી

29 March, 2026 06:23 PM IST  |  Mumbai | Alpa Nirmal

કહેવાય છે કે મોહમ્મદ ગઝનીના આક્રમણથી બચવા ગ્રામ્યજનોએ મારુતિ ભીડભંજન મંદિરની વાસ્તુકલા ઇસ્લામિક ઢાંચા અનુસાર કરી નાખી હતી જેથી આ હિન્દુ દેવળ એ દોરમાં પણ સુરક્ષિત રહ્યું હતું.

રામાયણકાલીન છે હરણીના હનુમાનજી

વિશ્વામિત્રીના કાંઠે આવેલા વડોદરાના ઍરપોર્ટ નજીક આવેલું શ્રી ભીડભંજન મારુતિ મંદિર વિશ્વનું એકમાત્ર મંદિર છે જ્યાં હનુમાનના માનવરૂપની પૂજા થાય છે. વળી અહીં પવનસુતની મૂર્તિની મુદ્રા પણ અનોખી છે. પ્રભુની આજ્ઞા શિરોમાન્ય કરતા હોય એમ અહીં રામદૂત જમણો હાથ પોતાના મસ્તક પર રાખીને ઊભા છે

ભીડભંજન મારુતિ મંદિરમાં નવ ગ્રહને સમર્પિત અલાયદી દેરી છે. મંગળવાર અને શનિવારે શનિદેવને તેલ ચડાવવા હજારો ભાવિકો અહીં આવે છે.

એક મત અનુસાર હરણી વિસ્તારનું નામ દૈત્ય હિરણ્ય પરથી પડ્યું છે.

કહેવાય છે કે મોહમ્મદ ગઝનીના આક્રમણથી બચવા ગ્રામ્યજનોએ મારુતિ ભીડભંજન મંદિરની વાસ્તુકલા ઇસ્લામિક ઢાંચા અનુસાર કરી નાખી હતી જેથી આ હિન્દુ દેવળ એ દોરમાં પણ સુરક્ષિત રહ્યું હતું.

સંસ્કારનગરી વડોદરાનો લીલો ચેવડો અને ભાખરવડી દુનિયાભરના સ્વાદરસિકોમાં જેટલાં પ્રખ્યાત છે એટલા અહીંના ભીડભંજન હનુમાનજી પ્રસિદ્ધ નથી. અરે વડોદરાનાં દર્શનીય સ્થળોની સૂચિમાં આ રામાયણકાલીન સ્થળનો ઉલ્લેખ નથી. આપણામાંના મોટા ભાગના લોકો સામાજિક પ્રસંગે કે અન્ય કારણસર સયાજીનગરી ગયા હશે. વળી અહીંનો મૅગ્નિફિશન્ટ રાજમહેલ લક્ષ્મી વિલાસ પૅલેસ, કમાટીબાગ, કીર્તિ મંદિર પણ જોવા ગયા હશો પણ હરણીના હનુમાનદાદાનાં દર્શન નહીં કર્યાં હોય.

ખેર, ચૈત્ર સુદી પૂર્ણિમાએ અંજનીસુતનો પ્રાગટ્યદિન છે ત્યારે હવે વડોદરા જઈશ ત્યારે ભીડભંજન મારુતિને પગે લાગવા જઈશ જ એવા પ્રૉમિસ સાથે આપણે કરીએ આ પૌરાણિક સ્થળની માનસયાત્રા.


નવ ગ્રહોની દેરી.

વડોદરાનગરીના ઇતિહાસના ઊંડાણમાં જઈએ તો એનું કનેક્શન છેક આદિમાનવના કાળનું નીકળે. કહેવાય છે કે આદિમાનવો મહી નદીના કિનારે રહેતા હતા. શહેરના ઉત્તર-પૂર્વના ૧૦થી ૧૫ કિલોમીટરના દાયરામાં અનેક સ્થળોએ તેમના અસ્તિત્વનાં પ્રમાણ સાંપડ્યાં છે. એ જ રીતે વિશ્વામિત્રીના કિનારેથી મળલા પાષાણયુગી અવશેષો પણ આ વાતની પુષ્ટ‌િ કરે છે અને ઈસવી સનની શરૂઆતમાં અંકોટક્કા (હાલનું અકોટા)માં માનવવસાહત હતી જ એનો ઉલ્લેખ તો પ્રાચીન ભારતની તવારીખમાં છે જ. એ પછી પાંચમી અને છઠ્ઠી શતાબ્દીમાં આ પ્રદેશ સમૃદ્ધ હતો. અહીં જૈન શ્રાવકોની વસ્તી વિપુલ પ્રમાણમાં હતી જેની સાબિતીરૂપે અનેક જૈન તીર્થંકરોની કાંસ્ય પ્રતિમાઓ બરોડા મ્યુઝિયમમાં અત્યારે પણ છે. એ પછી આ ભૂમિ પર ચાલુક્યો, ગુપ્તો, સોલંકી રાજપૂતોનું સામ્રાજ્ય રહ્યું અને એ પછી મુસ્લિમ સુલતાનોએ અહીં કબજો જમાવ્યો હતો. જોકે તેમનો કાર્યકાળ અતિ લાંબો નહોતો, કારણ કે ઈ. સ. ૧૭૩૨માં મરાઠા સેનાપતિ પિલાજીરાવ ગાયકવાડે વડોદરા પર વિજય હાંસલ કર્યો અને છેક ભારતની સ્વતંત્રતા સુધી ગાયકવાડ વંશ સત્તામાં રહ્યો.

જોકે આ તો થયો વડોદરાનો પ્રાચીન-અર્વાચીન ઇતિહાસ. આ ભૂમિનો ઉલ્લેખ તો પૌરાણિક કાળમાંય થયો છે. સ્કંદપુરાણમાં આલેખાયું છે કે સ્વયં શ્રીકૃષ્ણ પાંડવોને અહીં લઈ આવ્યા હતા, કારણ કે આ ધરતી અનેક તપસ્વી, જ્ઞાની, વિદ્વાન, ઋષિમુનિઓની તપોસાધના-સ્થળ રહી હતી. ઋષિ વિશ્વામિત્ર અહીંના જ અરણ્યમાં રહેતા અને અહીંથી વહેતી નદીના કિનારે દિવસોના દિવસો ધ્યાનમગ્ન રહેતા (માટે જ તો અહીંની નદીને નામ મળ્યું છે વિશ્વામિત્રી) અને આ ઋષિ વિશ્વામિત્ર સાથે જ હરણીના હનુમાનજીની કથા જોડાયેલી છે.

મંદિરનાં સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે શ્રી રામ લંકાધિપતિને હરાવીને પાછા ભારત આવી રહ્યા હતા ત્યારે અયોધ્યા જતાં પૂર્વે સીતામાતાએ પતિદેવને ગુરુ વિશ્વામિત્રના આશીર્વાદ લેવાનું સૂચન કર્યું હતું. પત્નીના સૂચનને માન્ય રાખીને શ્રી રામ ભાઈ લક્ષ્મણ, ભાર્યા સીતા અને સેવક હનુમાન સાથે અત્યારે હરણી તરીકે ઓળખાતી ભૂમિ પર પધાર્યા.


રામ-લક્ષ્મણ જાનકીનું મંદિર.

રાજા પ્રજા સહિત ઋષિઓ, તપસ્વીઓ અને સાધકોનો પણ સંરક્ષક છે. દર્શન-વંદન કરી જ્યારે રામજીએ રાજર્ષિ વિશ્વામિત્રને કુશળમંગળ પૂછ્યા ત્યારે ઋષિએ જણાવ્યું હતું કે એ ભૂમિ પર હિરણ્ય નામના અસુરનો બહુ ઉપદ્રવ છે. તે ઋષિઓનાં ધ્યાન અને ધાર્મિક ક્રિયાઓમાં અડચણ ઊભી કરે છે, તેમને સખત હેરાન કરે છે. મર્યાદાપુરુષોત્તમ ભગવાનને ગુરુએ પેલા રાક્ષસના કહેરમાંથી છોડાવવાનું કહ્યું અને શ્રી રામે સેવક બાલાજીને તેનો નાશ કરવા મોકલ્યા.

પ્રભુનો આદેશ થતાં જ કેસરીનંદ તો પોતાની ગદા લઈને ઊપડ્યા હિરણ્યને મારવા, પણ સામા પક્ષે હિરણ્ય પણ બળિયો હતો. સામસામે બેઉનું યુદ્ધ થયું જે પૂરું ૭ દિવસ ચાલ્યું. ન તો અંજનીસુત જીત્યા, ન તો હિરણ્ય હાર્યો. અઠવાડિયા (કેટલાક લોકોના મતે ૧૧ દિવસ)ના અંતે સ્વયં સુમિત્રાનંદન હિરણ્યને મારવા તૈયાર થયા અને પોતાની તરકશમાંથી બાણ કાઢ્યું ત્યાં તો બ્રહ્માજીની આકાશવાણી થઈ કે હિરણ્ય એ રીતે નહીં મરે. તેણે મારી તપસ્યા કરીને વરદાન મેળવ્યું છે. આપ રાજા છો, આપના હાથે આવા અસુરને હણવો યોગ્ય ન ગણાય. મહાબલને કહો તે તેના વિરાટ રૂપમાં પ્રગટ થાય. બ્રહ્માજીની વાણી સાંભળીને હનુમાનજીએ વિરાટ કદ ધારણ કર્યું અને હિરણ્ય પર પોતાની ગદાનો પ્રહાર કરીને તેને ભોંયભેગો કરી નાખ્યો અને તેની છાતી પર પગ મૂકી ઊભા રહી ગયા. હિરણ્યનું રામનામ સત્ય થઈ ગયું અને ધરતી દૈત્યમુક્ત થઈ ગઈ.

અહીંના મોટનાથ મહાદેવની સ્થાપના શ્રી રામે કરી હતી

પુરાણો અને અનેક પ્રાચીન ગ્રંથોની કથાઓમાં વારંવાર ઉલ્લેખાયું છે કે ભગવાન રામ દરેક કાર્ય કરતાં પૂર્વે મહાદેવજીની પૂજા-અર્ચના કરતા અને એ પછી જ કાર્યનું મંગલાચરણ કરતા. એ અન્વયે વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ મહાદેવની સ્થાપના શ્રી રામે કરી છે. દંતકથા મુજબ હિરણ્ય સાથે યુદ્ધ કરતાં પૂર્વે અયોધ્યાપતિએ અહીં શિવલિંગની સ્થાપના કરી અને ભોલેનાથની પૂજા કરી હતી. શ્રાવણ મહિનામાં મોટનાથ મહાદેવનાં દર્શનાર્થે આજુબાજુનાં ગામડાંઓમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો ઊમટી આવે છે. તમે પણ ભીડભંજન મારુતિની સાથે મોટનાથ મહાદેવનો જળાભિષેક કરવા આવવાનું ભૂલતા નહીં.

સંકટમોચનના આ કાર્યથી પ્રભુ રામ ખુશ થયા અને આજ્ઞા કરી કે તમે માનવજાતને આસુરી શક્તિઓથી બચાવવા અહીં જ માનવરૂપે વસી જાઓ. રામેષ્ટએ પોતાના આરાધ્યદેવની આજ્ઞા ધારણ કરીને એ જ ક્ષણે, એ જ મુદ્રામાં મનુષ્યની સાઇઝની મૂર્તિ પ્રગટ થઈ જે આજે ભીડભંજન મારુતિના નામે ઓળખાય છે. અહીં તેમની પાંચ ફુટ બે ઇંચની પ્રતિમા છે જેમાં હનુમાનજીનો જમણો હાથ મસ્તક પર અને ડાબો હાથ હૃદય પર છે. અફકોર્સ, આ પ્રતિમા એ કાળની છે? ત્યાર પછી કોણે પૂજી? પહેલું મંદિર કે દેરી ક્યારે, કોણે બનાવી એ વાતનો સ્પષ્ટ ખુલાસો ક્યાંય નથી. પણ વિસ્તારનું નામ હરણી એટલે પડ્યું છે કે એ સમયે અહીં આવેલા જંગલના આ એરિયામાં અરણીનાં વૃક્ષો વધુ હતાં જેનું અપભ્રંશ થયું હરણી.


રાવણની લંકામાં સીતા માતા સાથે પવનપુત્રનું અશોકવનમાં મિલન થાય છે એ દૃશ્ય. 

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

વેલ, આખી પૂર્વભૂમિકા વાંચી. હવે ઊપડીએ શ્રી ભીડભંજન મારુતિ મંદિરે. હરણીના રહેણાક વિસ્તાર વચ્ચે આવેલું આ મંદિર થોડા દાયકાઓ પૂર્વે વિસ્તર્યું છે અને એ જ પ્રમાણે એનું બાંધકામ થયું છે. પ્રવેશદ્વારથી પ્રવેશ કરતાં મધ્યમાં બજરંગબલી બિરાજે છે. દિવસનો મોટો સમય તેમનો શણગાર રચાયેલો રહે છે એથી તેમનું ઓરિજિનલ સ્વરૂપ નથી દેખાતું, પરંતુ કેસરિયા સિંદૂરથી લીપેલા તેમના ચહેરા પર પુરુષોને હોય એવી સુવર્ણની મૂછ બનાવાઈ છે અને પૌરુષીય પ્રભાવ પાડતી આ મૂછથી કપિશનો ચહેરો અત્યંત પ્રભાવશાળી અને ચુબંકીય દેખાય છે. મંદિરના પરિસરની લાંબી પરસાળોમાં આ મહાવીરના પ્રાગટ્યની કથા કહેતાં ચિત્રો અને રચનાઓ છે; તો રામ, સીતા, લક્ષ્મણ, શંકરસુવનની સુંદર પ્રતિમાઓ ધરાવતાં નાનાં મંદિરો પણ છે. બીજી બાજુ વિષ્ણુ અને લક્ષ્મીજીની મૂર્તિઓ પણ છે. આખું વરસ હનુમાનભક્તો અહીં દર્શન કરવા આવે છે, પરંતુ મંગળવાર અને શનિવારે શ્રદ્ધાળુઓની સંખ્યાનો આંકડો ચાર ડિજિટે પહોંચી જાય છે. એ ઉપરાંત દરેક સનાતની તહેવારોના ટાંકણેય અહીં ખૂબ ભીડ હોય છે અને શ્રાવણ મહિનો, હનુમાન જયંતી, રામનવમીના દિવસે તો અહીંની ઝાકમઝોળ દેખતે હી બનતી હૈ. સવારે સાતથી રાતે સાડાનવ-દસ વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ મંદિરના હનુમાનજી પરત્વે સ્થાનિક લોકોને અસીમ શ્રદ્ધા છે. ભક્તોના મતે બજરંગબલી ભક્તોની સઘળી ભીડ (પીડા, કષ્ટ)નું ભંજન (નષ્ટ) કરે છે.

alpa nirmal ramayan culture news lifestyle news life and style columnists