અનાયાસ સ્પર્શ પ્રેમનો હશે કે ખોટા ઇરાદાનો?

02 April, 2021 12:02 PM IST  |  Mumbai | Sejal Patel

પ્રેમની લાગણી હોય તો એમાં પહેલાં પરસ્પરને સમજવાની વાત હોય, ડાયરેક્ટ ટચ અને એ પણ અણછાજતો ટચ તો ન જ હોય

પ્રતીકાત્મક તસવીર

હું ૨૦ વર્ષની ખૂબ મધ્યમ વર્ગના પરિવારની યુવતી છું. હું ભણવામાં બહુ હોશિયાર નહોતી એટલે બ્યુટી પાર્લરનું કામ કરતી હતી. પાર્લરની જૉબ હમણાં છૂટી ગઈ છે એટલે બે મહિનાથી એક ગાર્મેન્ટ શૉપમાં કામે લાગી છું. અમારા સ્ટોરમાં લગભગ છ જણ કામ કરે છે. શૉપના માલિકનો દીકરો મારી સાથે બહુ સારી રીતે વાત કરે છે. ક્યારેક તો શૉપ પરથી ચાલીને સ્ટેશન જતી હોઉં તો તેની બાઇક પર મને મૂકવા પણ આવે. મને ખબર નથી તેના મનમાં શું છે, પણ તે વગરકારણે મને ટચ કરવાની કોશિશ કરતો હોય. બાઇક પર ખોટેખોટી બ્રેક મારે છે.  ક્યારેક તો કસ્ટમરની સામે જ મારા ખભે કે કમર પર હાથ મૂકી દે. શું તે મને લાઇક કરતો હશે એટલે આવું કરે છે કે પછી તે કોઈ ગેરફાયદો ઊઠાવવા માગતો હશે? તેના મનમાં મારા માટે ફીલિંગ્સ છે કે કેમ એ જાણવા શું કરવું?

તમે જે સવાલ પૂછ્યો છે એ પરથી એટલું સ્પષ્ટ છે કે તેને તમારા માટે ફીલિંગ્સ હોય કે ન હોય, તમને તેના માટે કૂણી લાગણી જરૂર છે. પ્રેમની લાગણી હોય તો એમાં પહેલાં પરસ્પરને સમજવાની વાત હોય, ડાયરેક્ટ ટચ અને એ પણ અણછાજતો ટચ તો ન જ હોય.

શેઠનો દીકરો છે એટલે તમને થોડુંક વધુ અટેન્શન મળતું હોય ત્યારે ગમતું હોય એ સ્વાભાવિક છે, પણ બહેન, આ પ્રોફેશનલ વર્લ્ડ છે એટલે સતર્ક રહેવું જરૂરી છે. ઇવન બૉયફ્રેન્ડ પણ હોય, જો તે તમને ન ગમે એ રીતે સ્પર્શ કરતો હોય તો એ તમારા માટે વૉર્નિંગ સાઇન હોવી જોઈએ. જ્યારે આ તો જસ્ટ બે મહિનાની ઓળખાણ છે અને એમાં કમર પર હાથ મૂકવા જેટલી ઘનિષ્ઠતા કોઈ બતાવે એ પચે એવી વાત નથી.

તમને તેના માટે ભલે ફીલિંગ્સ હોય, પણ તેના ઇરાદા વિશે જાણવું હોય તો જ્યારે પણ તે વ્યક્તિ તમને સ્પર્શ કરવાની કોશિશ કરે ત્યારે તમારો અણગમો ચહેરા પર જાહેર કરો. જો તેને ઇરાદો ઠીક-ઠાક હશે, તમને લાઇક કરતો હશે તો તમને ન ગમતી ચીજ કરતાં અચકાશે. જો તમારા અણગમા પછી પણ તે નજીક આવે અને અડપલાં કરવાનું ન છોડે તો તેના ઇરાદાઓ બાબતે તમારે સાવધ થવું જરૂરી છે.

columnists sejal patel