વાઇફ ડિપ્રેશનમાં છે, સેક્સથેરપી કામ લાગે?

04 October, 2021 01:47 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

શું સેક્સને થેરપીની જેમ વાપરી શકાય? ક્યારેક તેને સમાગમ બહુ ગમે છે તો ક્યારેક તેને ટચ કરું તો પણ એ વડચકાં નાખવા માંડે છે. સમજાતું નથી કે તેની સાથે શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૩પ વર્ષની છે. વાઇફ વારંવાર ડિપ્રેશનમાં સરી પડે છે અને એ માટે દવા પણ ચાલે છે. મેડિસિન ચાલતી હોય ત્યાં સુધી મૂડ બરાબર રહે પણ દવા બંધ કરો તો ગરબડ શરૂ થઈ જાય. મેં હમણાં એવું વાંચ્યું કે સેક્સ ડિપ્રેશન માટેની અક્સીર મેડિસિન પુરવાર થઈ શકે છે, શું એ સાચું છે? ડૉક્ટરનું કહેવું છે કે લાંબો સમય ઍન્ટિ-ડિપ્રેશન્ટ દવાઓ લેવાથી નુકસાન થશે એટલે અમુક સમય પછી દવા બંધ કરી દેવી પડે છે. સાઇકોલૉજિસ્ટ પાસે કાઉન્સેલિંગ કરાવવાથી પણ કોઈ ખાસ ફાયદો નથી. વાંચ્યું છે કે સેક્સથી વ્યક્તિનો મૂડ સુધરે અને ડિપ્રેશન ઘટે છે. મારી વાઇફ સાથે આ પ્રયોગ કરી જોયો, પણ એનાથી લાંબો સમય ફરક નથી પડતો. શું સેક્સને થેરપીની જેમ વાપરી શકાય? ક્યારેક તેને સમાગમ બહુ ગમે છે તો ક્યારેક તેને ટચ કરું તો પણ એ વડચકાં નાખવા માંડે છે. સમજાતું નથી કે તેની સાથે શું કરવું?
મુલુંડના રહેવાસી

તમે જે વાંચ્યું એ બિલકુલ સાચું છે. સેક્સથી ડિપ્રેશનમાં ફરક પડે અને માણસમાં પૉઝિટિવિટી આવે. સેક્સને લીધે શરીરમાં ફિલગુડ હૉર્મોન્સનો સ્રાવ વધે છે એ વાત મેડિકલ સાયન્સમાં લાંબા સમયથી પુરવાર થઈ ગઈ છે. ઑક્સિટોસિન અને એન્ડોર્ફિન હૉર્મોન્સના સ્રાવને કારણે વ્યક્તિને માનસિક સારું લાગે છે. એનાથી ફિઝિકલ પેઇન ઘટે છે અને સ્ટ્રેસ રીમૂવ થવાને લીધે મૂડ પણ સુધરે છે. જોકે એની અસર લાંબો સમય ટકતી નથી એટલે સેક્સ નિયમિત રીતે થાય એ ખૂબ જરૂરી છે, પણ તમારા કેસમાં તો આ વાત પણ બરાબર નથી લાગતી. 
લાંબા સમયથી ડિપ્રેશન રહેતું હોય તેની માટે સેક્સથેરપી બહુ કામ ન આવે. હા, વ્યક્તિને પ્રેમ, હૂંફ, આલિંગન અને સૌથી વધુ તો કોઈ પોતાને સમજે છે અને પસંદ કરે છે એ ફિલિંગ હેપિનેસ આપે. ડિપ્રેશનના દરદીઓના મૂડની અસર સેક્સ પર પણ પડે એ પણ એટલું જ સાચું છે. એનાથી હર્ટ થયા વિના તમે અનકન્ડિશનલ પ્રેમ આપતા રહો એ જરૂરી છે. દરેક વ્યક્તિના ડિપ્રેશન માટે કારણો જુદાં-જુદાં હોય છે. એની તીવ્રતા અને રીઍક્શન્સ પણ ભિન્ન હોય છે. કારણ શું છે એ સમજ્યા વિના કરવામાં આવેલી કોઈ પણ ટ્રીટમેન્ટથી પર્મેનન્ટ ઇલાજ મળતો નથી.

sex and relationships columnists