રાત્રે બાળક ઊંઘમાં રડે ત્યારે મમ્મી સફાળી બેઠી થઈ જાય છે, પણ પપ્પા સૂતા જ રહે છે

23 July, 2026 05:38 PM IST  |  Mumbai | Jigisha Jain

આજના સમયમાં બાળકના ઉછેરમાં માતા અને પિતા બંનેની ભાગીદારી વધી રહી છે, જે સકારાત્મક બદલાવ છે. પરંતુ બંનેની જવાબદારીઓ અને ભૂમિકાઓ હંમેશાં એકસરખી હોતી નથી. આ તફાવત સમજવાથી સંબંધોમાં અનાવશ્યક મતભેદ ટાળી શકાય છે.

રાત્રે બાળક ઊંઘમાં રડે ત્યારે મમ્મી સફાળી બેઠી થઈ જાય છે, પણ પપ્પા સૂતા જ રહે છે

આવા સમયે મમ્મીને લાગે છે કે પપ્પાને કેમ કંઈ ફરક જ નથી પડતો? તો એટલું સમજવું જરૂરી છે કે આ ફરક કુદરતી છે. આજકાલ મમ્મી-પપ્પા બન્નેનું બાળકના લાલન-પાલનમાં સરખું પ્રદાન હોવું જોઈએ એવું માનનારા લોકોનો વર્ગ મોટો થયો છે જેને કારણે ઘણાં ઘરોમાં બાળકને નવડાવતાં, જમાડતાં કે તેની સુસુ-પૉટી સાફ કરતા પિતા જોવા મળે છે જે એક સુખદ બદલાવ કહી શકાય. જોકે આ સરખા પ્રદાનની વાતને શબ્દશ: લેનારાં કપલ્સમાં ઝઘડાઓનું પ્રમાણ વધતું જણાય છે. ઉછેરમાં ભાગીદારી હોવી જરૂરી છે, પણ કેટલી એ કોણ નક્કી કરશે. કારણ કે માતા-પિતા બન્નેનો રોલ બાળકના જીવનમાં મહત્ત્વપૂર્ણ છે, પણ એ સરખો નથી હોવાનો

તાજેતરમાં ઍક્ટ્રેસ રુબીના દિલૈકે એક ઇન્ટરવ્યુમાં કહેલું કે ‘તેની દીકરી રાત્રે ઊંઘમાં જોરથી શ્વાસ લે તો પણ તે ઊઠી જાય છે અને એ પણ એકદમ ચિંતાથી કે શું થઈ ગયું, પણ આ જ વર્તન બાળકના પિતા પાસેથી અપેક્ષિત નથી. ઊલટું બાળકના પિતા આ જ પરિસ્થિતિમાં જે પલંગ પર બીજી બાજુમાં સૂએ છે એ ખુશીથી, શાંતિથી ઊંઘતા રહી શકે છે. નસકોરાં પણ બોલાવતાં હોય છે. જોકે આ બાબતને હું મોટો ઇશ્યુ બનાવીને લડી શકું નહીં કે હું રાત્રે ઊઠી ગઈ અને તું કેમ ન ઊઠ્યો. એ જસ્ટિફાઇડ જ નથી, કારણ કે કુદરતે માતાને બાળક પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવી છે. એટલે અહીં હું એમ કહું કે તે કેમ નથી ઊઠતો કે તેને બાળકની કશી પડી નથી એ ખોટું છે.’

જૂની વ્યવસ્થા 

રુબીનાએ આ વાત કરીને એક મોટી તકલીફ તરફ આંગળી ચીંધી છે જે આજકાલ નવા બનેલા પેરન્ટ્સમાં જોવા મળે છે. જોકે એ સમજતાં પહેલાં આ વાતની ઊંડાઈ સમજીએ. એક સમયે બાળકનું સંપૂર્ણ ધ્યાન ફક્ત મમ્મીઓ રાખતી. તેને ખવડાવવા, પિવડાવવા, સુવડાવવા, સુસુ- પોટી સાફ કરવા, તે માંદું પડે તો તેનું ધ્યાન રાખવા, તે રડે તો તેને શાંત કરવા, તે પડે તો તેને દવા લગાવવા સુધીનું બધું જ કામ મમ્મી કરતી હતી. એક આખી જનરેશનના પપ્પાઓએ આ કામ કર્યાં જ નથી, કારણ કે બાળકનાં કામને પુરુષોનાં કામ માનવામાં જ નહોતાં આવતાં. જેમ ઘર સાચવવાનું કામ મમ્મીનું હતું એ જ રીતે બાળકના લાલન-પાલનનું કામ મમ્મીનું હતું. પપ્પાનાં કામ જુદાં હતાં. પપ્પા કમાવાનું અને ઘર ચલાવવાનું કામ કરતા. મમ્મી અને બાળકોની જરૂરિયાતોને પૂરી કરવાનું કામ પપ્પાનું હતું. આમ બન્નેના રોલ સ્પષ્ટ અને વિભાજિત હતા. આ સિસ્ટમ એક રીતે ખૂબ સારી હતી. બન્નેનાં કામ સાવ જુદાં હતાં. એકબીજાના કામમાં દખલ દીધા વગર બન્ને પોતાનાં કામ કરતાં એટલે વગર કોઈ ઘર્ષણે વર્ષો સુધી આ સિસ્ટમ વ્યવસ્થિત ચાલી. જોકે દરેક સિસ્ટમની પોતાની તકલીફો છે. આ સિસ્ટમમાં બન્ને પર ભાર એકતરફી થઈ રહ્યો હતો. સ્ત્રી પર કૅર-ગિવરની ભૂમિકા એટલી વધી રહી હતી કે તે પોતાના મનનું કામ કરી શકતી નહોતી. આર્થિક રીતે પગભર ન હોવાને કારણે તેણે ઘણું સહન કરવું પડતું હતું. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે, સશક્ત બનવા માટેના તેણે પ્રયાસો શરૂ કર્યા. પુરુષને પણ સતત કમાતા રહેવાનો અને પ્રોવાઇડ કરતા રહેવાનો ભાર તો લાગતો જ હતો એટલે સ્ત્રીઓએ કામ કરવાનું અને કમાવાનું શરૂ કર્યું ત્યારે ઘણાં ઘરોમાં પુરુષોને પણ એટલો જ હાશકારો થયો છે. પુરુષો કબૂલે કે ન કબૂલે પણ ખાસ કરીને આ મોંઘવારીમાં તેમને પણ સ્ત્રીની કમાણી અને તેના સાથ દ્વારા રાહત મળી છે.

બદલાવ

આમ જે રોલ્સ ડિફાઇન હતા એમાં બાંધછોડની શરૂઆત થઈ. ઘરસંસારનાં બે મુખ્ય કામ કમાવાનું અને સંભાળ રાખવાનું જે પહેલાં ફક્ત સ્ત્રી કે ફક્ત પુરુષનાં હતાં એમાં એકબીજાને મદદ કરવાનું શરૂ થયું. સ્ત્રીઓએ કમાવાનું શરૂ કર્યું અને પુરુષોએ ઘર પર ધ્યાન આપવાનું. આ પરિવર્તન વિશે વાત કરતાં સાઇકોલૉજિસ્ટ અને રિલેશનશિપ એક્સપર્ટ સોની શાહ કહે છે, ‘જૂની સિસ્ટમ એટલાં વર્ષો જૂની છે કે એને બદલાવામાં વાર તો લાગે જ. હજી આજે પણ આપણે ટ્રાન્ઝિટમાં છીએ, સંપૂર્ણ બદલાયા નથી કારણ કે આપણે વાત કરીએ છીએ સંપૂર્ણ રીતે જવાબદારી અડધી-અડધી વહેંચી લેવાની, પણ એ શક્ય નથી. ઘણા પુરુષોએ ઘરે કામ કરવાનું શરૂ કર્યું છે, પણ કેટલું એ ડિફાઇન નથી. ઘણાં ઘરોમાં પુરુષ જાતે થાળી લઈને જમી લે તો પણ મોટી વાત ગણાય અને ઘણાં ઘરોમાં સવારના નાસ્તાની જવાબદારી તેની હોય છે. ઘણાં ઘરોમાં સ્ત્રી ઘરના હાઉસહેલ્પનો પગાર ચૂકવી શકે એટલું કમાય તો પણ ઘણું માનવામાં આવે છે તો ઘણી સ્ત્રીઓ ઘરની લોનની EMI ભરતી હોય છે. સ્ત્રી અને પુરુષની જવાબદારીઓની સરખામણી કરવાનું આપણે શરૂ કરી દીધું છે પણ એનાથી સૉલ્યુશન આવવાને બદલે ઘર્ષણ વધી રહ્યું છે. હું આટલું કરું અને તું આટલું કરે, હું આમ કરું અને તું આમ ન કરે એ પ્રકારની સરખામણી કોઈ પણ સંબંધને ખરાબ કરે છે.’

બાળઉછેરમાં ભાગીદારી

જે પહેલાં હતું એ દરેક ઘરમાં એકસરખું દૃશ્ય જોવા મળતું. ઘરનાં કામ સ્ત્રીઓ કરતી અને કમાવાનું કામ પુરુષો કરતા. બાળકના ઉછેરમાં પણ બાળકની જરૂરિયાતો અને ફી જેવા ખર્ચા પુરુષો કરતા અને તેની સંભાળ રાખવાનું કામ સ્ત્રીઓ કરતી. જોકે આજે સમય બદલાયો છે. બાળકના ઉછેરમાં બન્નેની ભાગીદારી હોવી જોઈએ એ વાત લોકો સ્વીકારવા લાગ્યા છે. એ વિશે વાત કરતાં સોની શાહ કહે છે, ‘બાળક બન્નેનું છે અને એની જવાબદારી બન્નેની જ હોય એ સહજ છે. જવાબદારી તો બન્ને પક્ષે હંમેશાં જ ઉઠાવી હોય છે, પણ બાળકનાં જે રોજિંદાં કામ છે એ આજે વહેંચાવા લાગ્યાં છે. પુરુષોએ ધીમે-ધીમે બાળઉછેરમાં રસ લેવાનું શરૂ કર્યું છે. બાળક રાત્રે રડે તો મમ્મી તેને દૂધ પીવડાવે અને પપ્પા તેને ઓડકાર દેવડાવવા માટે તેને લઈને ફરે એ સીન ઘણાં ઘરોમાં સામાન્ય રીતે જોવા મળે છે. જે પપ્પાઓ બાળકનાં સુસુ-પોટી કરે તો તરત મમ્મીઓને સોંપી દેતા એ હવે ખુદ તેને સાફ કરીને ડાઇપર પહેરાવતા થયા છે જે પપ્પાઓ માટે એક પૉઝિટિવ ચેન્જ છે. એનો ફાયદો મમ્મીને છે એના કરતાં પપ્પાને વધુ છે, કારણ કે આ રીતે તેઓ પોતાના બાળક સાથે વધુ મજબૂતાઈથી જોડાય છે જે લહાવો પહેલાંના પપ્પાઓને મળતો નહીં.’

તકલીફ ક્યારે શરૂ થાય?

બદલાયેલી સિસ્ટમમાં ઘર્ષણ ઘણું વધારે છે, કારણ કે કોઈ પણ બદલાવ સમય અને સ્વીકાર બન્ને માગે છે. બાળઉછેરમાં જે કથન વહેતું થયું છે કે પિતાએ પણ તેની ભાગીદારી આપવી એ કથન પુરુષના જીવનમાં એક મોટો બદલાવ છે જે આવતાં સમય લાગી રહ્યો છે અને એનો સ્વીકાર કરવામાં પણ ઘણી છોછ દેખાઈ રહી છે. નવા બનેલા પેરન્ટ્સમાં ઝઘડાઓ અને અસંતોષ ઘણો વધી રહ્યો છે, કારણ કે સ્ત્રી ઇચ્છે છે કે પુરુષ તેની સાથે એ દરેક વસ્તુ કરે જે તે પોતે બાળક માટે કરી રહી છે. તે જે અનુભવી રહી છે એ પિતા નથી અનુભવી શકતો, તે જે રીતે બાળકનું ધ્યાન રાખી રહી છે એ રીતે પિતા નથી રાખી શકતો. ઘણી સ્ત્રીઓ તો એવી ફરિયાદ કરે છે કે મારા જેટલું ન કરે તો કઈ નહીં, એનાથી ૧૦ ટકા તો કરે. એ પણ ન મળે ત્યારે નિરાશ થાય છે. ત્યારે તે ફરિયાદો કરવા લાગે છે. તેને મનમાં એ તકલીફ થાય છે કે પોતે બાળક માટે આટલું કરી રહી છે પણ બાળકના પિતાને બાળકની પડી નથી. બાળક રડે છે તો તે છાનું નથી રાખી શકતો, બાળક રેસ્ટ-લેસ થાય ત્યારે તે સુવડાવી નથી શકતો, બાળક તકલીફમાં હોય ત્યારે તેને સમજાતું નથી કે બાળકને પ્રૉબ્લેમ થઈ રહ્યો છે. આમ તે સતત ફરિયાદો કરે છે અને આ રીતે બન્ને વચ્ચે ખટરાગ ઉત્પન્ન થાય છે.

આટલું સમજવું જરૂરી

સ્ત્રી અને પુરુષ બન્ને એકસમાન છે એ વાત સાચી, પરંતુ આ સમાનતા કઈ જગ્યાએ તમે માગો છો એ પણ જોવું જરૂરી છે. એ વિશે વાત કરતાં સોની શાહ કહે છે, ‘શારીરિક રીતે માતા બાળક સાથે વધારે જોડાયેલી છે. કુદરતે જ આ રચના કરેલી છે અને એ બદલાઈ નહીં શકે. બાળકની તકલીફો માતાને સમજાય એવી પિતા નહીં જ સમજી શકે એ સ્વીકારવું જરૂરી છે. માતા બાળકને ૯ મહિના પોતાની કૂખમાં ઉછેરે છે એટલે તેના નાનામાં નાના બદલાવને તે જે રીતે સમજી શકે છે એ રીતે પિતા નહીં જ સમજી શકે. બીજું એ કે પિતાનો રોલ પણ બાળકના જીવનમાં અતિ મહત્ત્વનો છે જેનું સ્થાન માતા નહીં ભરી શકે. પિતા જે પ્રકારની સુરક્ષા બાળકને ફીલ કરાવી શકે છે એ માતા નથી કરાવી શકે એમ. અહીં વાત પૈસાની નથી, પ્રોવાઇડરની ભૂમિકાની છે. માતા અને પિતા બન્ને બાળકના ઉછેરમાં અને તેનાં રૂટીન કામોમાં સહભાગી બને એ ઘણી સુંદર વ્યવસ્થા છે, પણ બાળઉછેરમાં બન્નેનો રોલ એકસરખો જરૂરી ગણાય છે પણ એ સરખો નથી હોતો એ સ્વીકારવું જ રહ્યું.’ 

 

lifestyle news life and style rubina dilaik relationships parenting tips sex and relationships exclusive Jigisha Jain