✕

થોડું તો હું જીવું કે નહીં મારા માટે?

05 October, 2026 11:43 AM IST  |  Mumbai | Jigisha Jain

ડિવૉર્સ શબ્દ આજે પણ આપણને અજુગતો લાગે છે અને ખાસ કરીને ૫૦-૬૦-૭૦ વર્ષની ઉંમરની વ્યક્તિ આવી વાત કરે તો વધુ લાગે

ચુંબકના એક દૃશ્યમાં નીના ગુપ્તા.

હાલમાં આવેલી વેબ-સિરીઝ ‘ચુંબક’માં નીના ગુપ્તાનું પાત્ર ‘રજની’ આ વાક્યનો વારંવાર પ્રયોગ કરે છે. દરેક સ્ત્રી જેણે આખું જીવન પરિવારની સેવામાં વિતાવ્યું હોય છે તેનો અંતરાત્મા એક સમયે પોકારી ઊઠતો હોય છે કે હવે થોડું તો હું જીવું કે નહીં મારા માટે? પણ શું ખરેખર તે ફક્ત પોતાના માટે જીવવા માગે છે ખરી?

‘સારાભાઈ v/s સારાભાઈ’, ‘સુમિત સંભાલ લેગા’, ‘દેખ ભાઈ દેખ’ કે ‘ખિચડી’ એવા શો છે જે મારા માટે રેમેડીનું કામ કરે છે. એક એપિસોડથી ચાલે કે ૪-૫ જોવા પડે એ નિર્ભર કરે છે કે મારી માનસિક હાલત કેટલી ખરાબ છે. ‘સિટકૉમ’ એ સિચુએશનલ કૉમેડીનું ટૂંકું નામ છે જેમાં પાત્રો એ જ રહે પણ તેમની પરિસ્થિતિ બદલાતી રહે અને એમાંથી કૉમેડી ઊભી થાય. મને આવા શો ખૂબ ગમે. હાલમાં OTT પ્લૅટફૉર્મ પર આવેલી આતિશ કાપડિયા લિખિત અને દિગ્દર્શિત વેબ-સિરીઝ ‘ચુંબક’ પણ આ જ પ્રકારમાં બંધ બેસે છે. પોતાનાં અદ્ભુત પાત્રો માટે જાણીતા આતિશ કાપડિયાની આ નવી વેબ-સિરીઝના એક નવા પાત્ર વિશે આજે મારે વાત કરવી છે. 

આ વેબ-સિરીઝમાં નીના ગુપ્તાએ રજની નામનું પાત્ર ભજવ્યું છે. રજની દેવેન ભોજાણી દ્વારા અભિનીત પાત્ર ‘કુશલ મર્ચન્ટ ઉર્ફે કુકુને’ની પત્ની છે જેને ભૂલવાની માનસિક બીમારી છે. પહેલા જ એપિસોડમાં રજની એ એલાન કરે છે કે તે થાકી ગઈ છે. લગ્ન પહેલાં ૨૦ વર્ષ પિતાની અને ભાઈઓની સેવા કરી. લગ્ન પછી બાવીસ વર્ષ નિખિલેશ એટલે કે તેનો પુત્ર જે હાલમાં અમેરિકા જતો રહ્યો છે તેની પાછળ કાઢ્યાં. છેલ્લા એક વર્ષથી પતિની મેન્ટલ બીમારી. આ બધામાં તે હેરાન થઈ ગઈ છે. રજની કહે છે, ‘મને ડિવૉર્સ જોઈએ છે અને ઇટ્સ ફાઇનલ.’ 

ડિવૉર્સ શબ્દ આજે પણ આપણને અજુગતો લાગે છે અને ખાસ કરીને ૫૦-૬૦-૭૦ વર્ષની ઉંમરની વ્યક્તિ આવી વાત કરે તો વધુ લાગે. આખું જીવન સાથે જીવ્યા પછી હવે શું ડિવૉર્સ? પરંતુ નવાઈ અહીં ફક્ત એ વાતની નથી કે રજનીને ડિવૉર્સ જોઈએ છે, તેની ડિવૉર્સની શરતો વધુ નવાઈ પમાડે છે. રજની ડિવૉર્સ લીધા પછી એ જ ઘરમાં રહેવા માગે છે કારણ કે કુકુનું પોતાના સિવાય બીજું છે જ કોણ એ વાતનો તેને અહેસાસ છે. તે પતિ માટે ૩ ટાઇમનું જમવાનું, દવાઓ, ફિઝિયોથેરપી, સાંજની વૉક અને ડાયપર ચેન્જ જેવી બધી જ જવાબદારીઓ ડિવૉર્સ પછી પણ પૂરી કરવા માગે છે કારણ કે કુકુને તે એક કૅરટેકરના હવાલે છોડવા નથી માગતી. કોર્ટમાં જ્યારે કેસ લડાય છે ત્યારે પતિ વિરુદ્ધ એક શબ્દ તે સાંભળવા નથી માગતી. ઊલટું તે બન્ને વચ્ચેનો પ્રેમ ખૂબ જ સુંદર રીતે કોર્ટરૂમમાં સામે આવે છે. છતાં રજનીને ડિવૉર્સ તો જોઈએ જ છે. 

પણ જો બધું બરાબર હોય તો ડિવૉર્સ શું કામ? આ પ્રશ્ન બધા જ તેને પૂછે ત્યારે તે બરાડી ઊઠે છે કે ‘થોડું તો હું મારા માટે જીવું કે નહીં?’ આ શબ્દો રજનીના મોઢે અને બાકીના લોકોના મોઢે વારંવાર સાંભળવા મળે છે. ખુદ માટે જીવવાની ઇચ્છા દરેક સ્ત્રીના મનના ઊંડાણમાંથી ઊઠે છે. સ્ટૅન્ડ-અપ કૉમેડિયન તરીકે ઓળખાતા અને પોતાના અદ્ભુત સ્ટોરીટેલિંગથી તમને ઇમોશનલ કરીને રડાવી શકવાનું કૌવત ધરાવતા ઝાકિર ખાને પોતાના ‘યાર પાપા’ શોમાં પણ આવી જ કંઈક વાત કરેલી. એક કિસ્સામાં ઝાકિરની મમ્મી તેને કહે છે, ‘અરે ભાઈ! હું તો પીસાઈને રહી ગઈ બાપ અને છોકરા બન્ને વચ્ચે. કોઈ દિવસ આ કંઈક, કોઈ દિવસ પેલા કંઈક. કોઈ દિવસ તું સંભળાવે, કોઈ દિવસ તે સંભળાવે. એક દિવસ મારું મગજ ગયુંને તો હું તો નીકળી જઈશ આ ઘરમાંથી.’ તેના પર ઝાકિર કહે છે કે ૨૦ વર્ષ થઈ ગયાં આ વાતને; પણ હજી સુધી ક્યાંય નીકળી તો છે નહીં, ખાલી કીધા કરે બસ. કંઈ પણ થાય તો હું જતી રહીશ કહેનારી સ્ત્રી દરેક ઘરમાં વસે છે. મજાની વાત જ એ છે કે તે ક્યારેય જતી નથી. ‘લજ્જા’ ફિલ્મનો પણ એક ડાયલૉગ હતો કે એક પુરુષ સ્વયંની ખોજમાં ઘર છોડીને જાય છે. કોઈ દિવસ કોઈએ સાંભળ્યું છે કે એક સ્ત્રી સ્વયંની ખોજમાં પોતાનું ઘર-પરિવાર કે બાળકને છોડીને ચાલતી થઈ? સ્ત્રીઓ નથી જતી. 

એમ છતાં આ ભાગી જવાની કે છુટકારો પામવાની ઇચ્છા ખબર નહીં કેમ સ્ત્રીના મનમાં એટલી સ્ટ્રૉન્ગ હોય છે કે કંઈક થાય એટલે તરત તેના મોઢામાંથી નીકળી પડે છે કે મારે તો જતા રહેવું છે અહીંથી. ચુંબકમાં ‘થોડું તો જીવવું કે નહીં મારે મારા માટે’ એ શબ્દો વારંવાર બોલતી રજનીને તેના મિત્રો પણ સમજી નથી શકતા કે જીવવામાં તારે કરી શું લેવું છે? સાચું કહું તો રજનીને પણ નથી ખબર કે જીવી લેવું એટલે તેણે કરવું છે શું? પણ છુટકારો તો જોઈએ જ છે એ નક્કી વાત છે. દરેક સ્ત્રીમાં આ રજની છુપાયેલી બેઠી છે. દરેક સ્ત્રીને તેની બધી જ ઘરેલુ જવાબદારીઓ નિભાવવી હોય છે અને સાથે-સાથે એમાંથી છુટકારો પણ જોઈતો જ હોય છે. જેમ કે દરેક ઑફિસ જતી સ્ત્રીને પોતાના બાળકને ૨૪ કલાક ગળે વળગાવીને રાખવાની તીવ્ર ઇચ્છા હોય છે અને સામે પક્ષે ગૃહિણીને સોલો ટ્રિપ કે કૉર્પોરેટ નોકરી ખૂબ આકર્ષતી હોય છે. 

લૉજિક એ કહે છે કે વ્યક્તિને કાં તો બંધાવું હોય અને કાં તો છૂટવું હોય, પણ સ્ત્રીઓને બન્ને કેવી રીતે એકસાથે કરવું હોય છે? આ પ્રશ્ન મેં જ્યારે સાઇકોલૉજિસ્ટ નેહા મોદીને પૂછ્યો ત્યારે તેણે કહ્યું, ‘શક્ય છે. આ ડ્યુઅલિટી એટલે કે દ્વૈત છે. સાઇકોલૉજીમાં એના માટે એક શબ્દ છે ઍમ્બિવેલન્સ. બે વિપરીત જરૂરિયાતો એકસાથે જીવનની પ્રાથમિકતા તરીકે ઊભરી શકે છે. આને કૅરગીવરના માથાના ભાર તરીકે પણ જોઈ શકાય. દરદી કે વ્યક્તિની સેવા કરીને તે થાકી જાય છે એટલે તેને ભાગી છૂટવું છે, પણ સામે પક્ષે તેને ખબર છે કે હું નહીં કરું તો બીજું કોઈ કરશે નહીં. એટલે સતત એક દ્વંદ્વ તેમના મનમાં ઊભો થાય છે.’

પણ આનો ઉપાય શું? ઘરમાં રહીને સતત હું જાઉં છું, જાઉં છું કહેવા કરતાં કોઈ બીજો ઉપાય વિચારો. જવાબદારીઓ પૂરી નિભાવો, પણ ખુદને અવગણો નહી. ઘરના લોકોને ભરપૂર પ્રેમ કરો, તેમની કાળજી રાખો પણ ખુદને જે ખૂબ પસંદ છે એના માટે પણ સમય કાઢો. જવાબદારીઓ અને છુટકારો એ બન્ને વચ્ચેનું બૅલૅન્સ તમે સાધી શકવામાં સમર્થ બન્યા તો તમારે રજનીની જેમ નહીં કહેવું પડે કે થોડું તો હું જીવુંને મારા માટે! ઊલટું લોકો કહેશે કે જીવવું હોય તો આમના જેવું! શું કહો છો?

sex and relationships columnists Jigisha Jain web series life and style lifestyle news neena gupta