શા માટે છોકરીઓએ જ બૉડી-શેમિંગનો ભોગ બનવાનું?

18 June, 2021 02:30 PM IST  |  Mumbai | Sejal Patel

લોકો ટીકા કરે છે માટે મહત્ત્વ ન આપવું એવું નથી, પણ લોકો બહુ વખાણ કરીને આપણને માથે ચડાવતા હોય ત્યારે પણ એનાથી આપણામાં હવા ભરાવી ન જોઈએ

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૨૦ વર્ષની છે અને હું જાડી હોવાથી લોકોની મજાક બનીને રહી ગઈ છું. આ કંઈ આજની વાત નથી, છેલ્લાં ચાર-પાંચ વર્ષથી આ જ હાલત છે. મારો ભાઈ હમણાં લૉકડાઉનમાં ફૅટ બૉલ જેવો થઈ ગયો છે, પણ કોઈ તેને વજન માટે કંઈ કહેતું નથી. પણ મને હંમેશાં ડાયટ કર, એક્સરસાઇઝ કર, કાઉચમાં બેસી ન રહે એવી ઇન્સ્ટ્રક્શનનો મારો સતત થયા જ કરે. ફ્રેન્ડ્સમાં પણ મારા વજનને મજાક બનાવવામાં આવે છે. શરૂઆતમાં હું રીઍક્ટ નહોતી કરતી ને જાતે જ મજાક પણ કરતી હતી, પણ હવે તો બૉય્ઝ પણ મને ચીડવે છે. પોતે ઢોલ જેવો બેડોળ હોય છતાં મને જાડી કહે છે. મારે આ બધાથી દૂર જતા રહેવું હતું પણ હાલના સંજોગોમાં એ પણ સંભવ નથી. એને કારણે જબરી ગૂંગળામણ થાય છે.

એ વાત સાચી કે ફિગર માટે છોકરીઓને જ વધુ કૉર્નર કરવામાં આવે છે. પણ શું કરીએ આ સોસાયટીનો નજરિયો છે. લોકોની દૃષ્ટિ કેમ બદલાતી નથી એ ફરિયાદ તમને દુખી કરવા સિવાય કોઈ પરિણામ નહીં આપે.

સોસાયટીના નજરિયાને બહુ મહત્ત્વ ન આપવું એ જ આપણી માનસિક શાંતિ માટે જરૂરી છે. લોકો ટીકા કરે છે માટે મહત્ત્વ ન આપવું એવું નથી, પણ લોકો બહુ વખાણ કરીને આપણને માથે ચડાવતા હોય ત્યારે પણ એનાથી આપણામાં હવા ભરાવી ન જોઈએ. ટૂંકમાં લોકો સારું બોલે કે ખરાબ, એને જસ્ટ એક કાનેથી સાંભળવું અને બીજા કાનેથી કાઢી નાખવું. આ બે ક્રિયાની વચ્ચે એક કામ અચૂક કરવું. જે સાંભળવા મળ્યું છે એ વાતમાં જો જરાક અમથું પણ તથ્ય હોય તો એ તથ્યનું સત્ય સ્વીકારીને એ મુજબ આપણા બનતા પ્રયત્નો કરવા.

વજન વધારે છે એવું કોઈ ટોક્યા કરે છે એ નથી ગમતું એવી ફરિયાદ કર્યા કરવાથી લોકોની આદત તો સુધરવાની છે જ નહીં. તો પછી આપણે આ સ્થિતિમાં શું બેસ્ટ કરી શકીએ? શરીરને પાતળું બનાવવા માટે નહીં, હેલ્ધી બનાવવા માટે જરૂરી જેકાંઈ પર થાય એ કરી છૂટવું. બાકી દુનિયાને જે કહેવું હોય એ કહે, કોઈના મોંએ તાળાં લગાવી શકાતાં નથી. પણ હા, આપણી માનસિક શાંતિની ચાવી તેમના હાથમાંથી આપણે જાતે લઈ લેવી બહુ જ જરૂરી છે.

columnists sejal patel