મૅરેજ પહેલાંના ઇન્ટિમેટ રિલેશન માટે કઈ મેથડ સેફ છે?

19 April, 2022 04:53 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મૅરેજ નથી થયાં ત્યાં સુધી મહિનામાં એક-બે વાર મળવાનું થશે. એમાં જો ઇન્ટિમેન્ટ થઈએ તો પુલઆઉટ મેથડ જ અપનાવીએ તો ચાલે? આવામાં બેસ્ટ સેફ ગાળો કઈ રીતે ગણવો? પિરિયડ સાઇકલ ૨૯થી ૩૫ દિવસની છે.

પ્રતીકાત્મક તસવીર

મારી એજ ૨૬ વર્ષ છે અને અત્યારે કોર્ટશિપ પિરિયડ ચાલે છે. એક વર્ષ પછી મૅરેજ થશે. અમે પહેલી વાર ઇન્ટિમસી કેળવેલી ત્યારે મારા ફિયાન્સેએ થોડી ચીવટ દાખવીને સ્પર્મ રૂમાલમાં લઈ લીધું. અચાનક થયું એટલે નૅચરલી કૉન્ડોમની વ્યવસ્થા નહોતી. પાંચેક દિવસ પછી હું પિરિયડ્સમાં આવી ગઈ એટલે એ ટેન્શન પણ ટળી ગયું, પરંતુ મારે જાણવું છે કે હવે અમારે શું કાળજી રાખવી? ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ છુપાઈને લેવી અને એને સંતાડી રાખવી મારા માટે અઘરું છે. મૅરેજ નથી થયાં ત્યાં સુધી મહિનામાં એક-બે વાર મળવાનું થશે. એમાં જો ઇન્ટિમેન્ટ થઈએ તો પુલઆઉટ મેથડ જ અપનાવીએ તો ચાલે? આવામાં બેસ્ટ સેફ ગાળો કઈ રીતે ગણવો? પિરિયડ સાઇકલ ૨૯થી ૩૫ દિવસની છે.
કાંદિવલી

કપલ મૅરિડ હોય કે અનમૅરિડ, પ્રેગ્નન્સી ટાળવા માટે કૉન્ડોમ જેટલું સેફ પ્રોટેક્શન બીજું કોઈ નથી. કૉન્ડોમ તમને પ્રેગ્નન્સીથી જ નહીં, સેક્સને લગતા બીજા ચેપી રોગોથી પણ બચાવે છે. અચાનક થનારા સેક્સમાં પુલઆઉટ મેથડ હિતાવહ છે, પણ એનો અર્થ એવો નથી કે એ કારગત છે. આ મેથડ વાપરવાથી પણ એવું ધારી ન શકાય કે તમે ૧૦૦ ટકા સેફ છો. વ્યક્તિ ગમે એટલો પ્રયત્ન કરે, પણ જો સ્પર્મનું નરી આંખે જોઈ ન શકાય એવું નાનું સરખું ડ્રૉપ પણ વજાઇનામાં અંદર જાય તો પ્રેગ્નન્સી રહેવાના ચાન્સિસ વધી જાય છે માટે પુલઆઉટને સેફ ન માની શકાય.
નૅચરલી સેફ દિવસો જે ગણાય છે એની ગણતરી તમે ત્યારે જ કરી શકો જ્યારે તમારી પિરિયડ સાઇકલ રેગ્યુલર રહેતી હોય. તમે જે કહી એ ૨૯થી ૩૫ દિવસ વચ્ચે સાત દિવસનો ડિફરન્સ રહે છે જેને લીધે સેફ દિવસો પણ તમારા બદલાતા રહે છે. સામાન્ય રીતે પિરિયડ પૂરા થયા પછીનું પહેલું વીક અને પિરિયડ અટવાતું હોય એ પહેલાંનું એક વીક સેફ ગણી શકાય. સાઇકલ ઇરેગ્યુલર હોય તો પિરિયડ પહેલાંનું વીક કયું એ નક્કી કરવામાં થાપ ખવાઈ જાય એવું બની શકે છે. આવા સંજોગોમાં તમારા માટે કૉન્ડોમ જ સંપૂર્ણ સેફ પ્રોટેક્શન છે. હા, રૅર કેસમાં તમે સેફ દિવસોની ગણતરીથી પુલઆઉટ મેથડ વાપરી શકો, પણ એમાં જોખમ છે જ છે.

columnists sex and relationships