દીકરાને શાર્પ નહીં, સંવેદનશીલ બનાવવા શું કરવું?

09 April, 2021 02:06 PM IST  |  Mumbai | Sejal Patel

કુદરતી વાતાવરણ આપમેળે વ્યક્તિની અંદરને સંવેદનાઓને જગાડવાનું કામ કરે છે

પ્રતીકાત્મક તસવીર

આજકાલના છોકરાંવ જાણે બૉર્ન ઇન્ટેલિજન્ટ હોય છે. ટેક્નૉલૉજી અને મશીનો તેમને શીખવવા નથી પડતાં. મારાં જેઠાણીનો પાંચ વર્ષનો દીકરો પણ ખૂબ બુદ્ધિશાળી છે, પણ બોલવામાં સાવ જ મુંહફટ. મજાક અને મશ્કરી એ હદનાં કરે કે સામેવાળું બાળક ખૂબ હર્ટ થઈ જાય. જ્યારે મારો દીકરો ઘરે એકલો હોય ત્યારે જેઠાણીના દીકરા જેવું વર્તન કૉપી કરતો હોય. મને એવું લાગે છે કે ઇન્ટેલિજન્સ ભલે ગમેએટલી હોય, પણ સંબંધો બાબતે કોમળતા, સંવેદનશીલતા પણ આ જ ઉંમરે કેળવાવાની શરૂઆત થવી જોઈએ. સાત વર્ષના દીકરાને સંબંધોની રિસ્પેક્ટ આપતો કરવો હોય તો શું કરવું  જોઈએ?

બાળકને બુદ્ધિશાળી બનાવવું સહેલું છે. કેમ કે આ ઉંમરે હજી મગજ અને તર્ક શક્તિ વિકસી રહ્યાં હોય છે. જોકે સંબંધોની ઉષ્મા બાળકને શીખવવી પડતી નથી. જો શીખવવી પડતી હોય તો સમજવાનું કે આપણે તેને બહુ જ અકુદરતી વાતાવરણમાં ઉછેરી રહ્યાં છીએ.

કુદરતી વાતાવરણ આપમેળે વ્યક્તિની અંદરને સંવેદનાઓને જગાડવાનું કામ કરે છે. આપણે જો તેને હિંસાત્મક કાર્ટૂન્સ અને સ્માર્ટફોનમાં મારધાડવાળી ગેમ્સ રમવા દઈશું તો તે ખોટું શીખી જશે એની ચિંતા કરવી પડે, પણ તેમને આસપાસમાં રહેલી કુદરતી ચીજોથી રમવા છુટ્ટા મૂકી દઈએ તો તેઓ હંમેશાં સાચું જ શીખીને આવશે એની ગૅરન્ટી.

જો મુંબઈ જેવા કૉન્ક્રીટ જંગલમાં એ સંભવ ન હોય તો ઘરમાં એકાદ પાળેલું પ્રાણી લાવી શકાય. ડૉગ, કૅટ પાળવાની જગ્યા ન હોય તો એક નાના પૉટમાં ફિશ-ફ્રેન્ડ પણ ચાલે. બીજું, બાળકોની કલ્પનાની દુનિયામાં લઈ જઈને વાર્તાઓ થકી સંવેદનશીલતા અને સંસ્કારના મૂળિયાં નાખવાનું બહુ સરળ છે. વાર્તા પણ ચુડેલ અને બ્લૅકમૅજિકની નહીં, પણ પાઠ મળે એવી હોય. રોજ કંઈક શીખ આપતી હોય એવી વાર્તા સંભળાવવામાં આવે તો એ પણ તેની અંદરની સારપને પોષવાનું કામ કરશે. સૌથી અગત્યની વાત છે બાળકોનો દાદા-દાદી અને નાના-નાની સાથેનો સંબંધ. બાળકોને ભાવનાત્મક રીતે સમૃદ્ધ બનાવવા માટે ઘરનાં વૃદ્ધો સાથે વધુ સમય ગાળવા દો. 

columnists sejal patel