‘Porn’ અને ‘Erotic’ વચ્ચે શું તફાવત છે? શું છે કાયદો? જાણો અહીં

28 July, 2021 06:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની પોર્ન ફિલ્મો બનાવવાના આરોપસર ધરપકડ થયા બાદ આ બે શબ્દો બહુ ચર્ચામાં છે

પ્રતીકાત્મક તસવીર

બૉલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા (Shilpa Shetty Kundra)ના પતિ રાજ કુંદ્રા (Raj Kundra)ની  પોર્ન ફિલ્મો બનાવવાના આરોપસર ધરપકડ થયા બાદ બે શબ્દો સૌથી વધુ ચર્ચામાં છે. એ છે, પોર્ન (Porn) અને એરોટિકા (Erotic). આ બન્ને શબ્દો વચ્ચે શું તફાવત છે અને કાયદો શું છે એ અમે તમને જણાવીશું.

રાજ કુંદ્રાના વકીલે દાવો કર્યો હતો કે, તેમના દ્વારા બનાવવામાં આવતી ફિલ્મોને પોર્ન ફિલ્મ ન કહી શકાય. કારણકે આ ફિલ્મોમાં સંભોગના દ્રશ્યો નહોતા. તેથી તેને બીભત્સ કન્ટેન્ટ કહી શકાય પણ પોર્ન નહીં. વકીલના આ દાવા બાદ ભારતમાં ચર્ચાએ જોર પકડ્યું કે, કયા પ્રકારનું કન્ટેન્ટ શૃંગારિક કે આર્ટ ફિલ્મો હેઠળ લઈ શકાય અને કયા પ્રકારનું કન્ટેન્ટ પોર્ન ગણવું જોઈએ.

પોર્ન કોને કહેવાય?

સામાન્ય શબ્દોમાં પોર્નોગ્રાફી એટલે જેનો એકમાત્ર હેતુ જાતીય ઈચ્છા જાગૃત કરવાનો હોય. ઓક્સફર્ડ ડિક્શનરીની વ્યાખ્યા અનુસાર જોઈએ તો,  પોર્નોગ્રાફી એટલે એવું કન્ટેન્ટ કે જેમાં લોકોને નગ્ન દર્શાવવામાં આવે, જેમાં જોનારની જાતીય ઈચ્છા જાગૃત કરવાના આશયથી લોકો વચ્ચે સમાગમ અથવા રતિક્રીડા દર્શાવવામાં આવે.

એરોટિકા કોને કહેવાય?

એરોટિકા એટલે એવા પ્રકારનું કન્ટેન્ટ જેનો હેતુ સાહિત્યિક હોય. જેમાં ચિત્રો, સ્થાપત્યો, ફિલ્મો, નાટક, સંગીત કે લખાણો વગેરેનો સમાવેશ થઈ શકે છે. આ સાહિત્યનો મુખ્ય હેતુ કળાને પ્રોત્સાહન આપવાનો હોય છે પરંતુ તેમાં જાતીય લાગણીઓ પણ દર્શાવવામાં આવે છે.

ભારતમાં કયો કાયદો છે?

ભારતમાં બે કાયદાઓ પોર્ન કન્ટેન્ટ બનાવવા સામે સજાની જોગવાઈ દર્શાવે છે:

૧. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એકટ ૨૦૦૦

આ કાયદા હેઠલ અશ્લીલ સાહિત્યનું વેચાણ કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી તેને દર્શાવવું કે ફેલાવવું એ ગુનો છે. ભારતમાં રહીને આ પ્રકારનું કન્ટેન્ટ બનાવવું તો ગુનો છે જ પરંતુ તેનું સર્ક્યુલેશન, પબ્લિકેશન કે વેચાણ પણ એક ગુનો છે. આ કાયદાના સેકશન 67, 67-A અને 67-B હેઠળ આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ વ્યક્તિને ત્રણથી પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે અને આ ઉપરાંત રુપિયા ૧૦ લાખ સુધી દંડની પણ જોગવાઈ છે. આ જ કાયદાનો સેકશન 67-B આ પ્રકારના કન્ટેન્ટમાં બાળકોના ઉપયોગના વિરુદ્ધમાં છે.

૨. પ્રીવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એકટ (પોક્સો) ૨૦૧૨

પ્રીવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એકટ (પોક્સો) ૨૦૧૨ મુજબ આ પ્રકારનું કન્ટેન્ટ એટલે કે બીભત્સ કન્ટેન્ટ બાળકોને દેખાડવું કે તેના માટે પ્રેરણા આપવી એ પણ ગુનો છે. આ ગુના હેઠળ કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. બાળકોને લઈને કોઈ અશ્લીલ ફિલ્મ બનાવવી, તેમને વાંચવા કે જોવા માટે અશ્લીલ કન્ટેન્ટ આપવું એ ગંભીર ગુનો છે.

જોકે, ભારતમાં પોર્ન જોવા વિરુદ્ધ કોઈ ગંભીર ગુનાની જોગવાઇઓ નથી. પરંતુ વર્ષ ૨૦૧૫માં સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં કહ્યું હતું કે, કોઈ વ્યક્તિ બંધ બારણે પોર્ન જુવે તો તે ગુનાને પાત્ર નથી. પરંતુ ફિલ્મ બનાવવી, વીપિયો બનાવવા કે પછી લખાણ લખીને વેચવું એ ગુનાપાત્ર સજા છે.

life and style sex and relationships