06 March, 2025 02:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
તાજેતરમાં જ પ્રેમનો ઉત્સવ ઊજવાયો. યુવાનો માટે વૅલેન્ટાઇન્સ ડે એટલે પ્રેમનો તહેવાર. પ્રેમ એટલે બે દિલને જોડતો સેતુ. પ્રેમ અને મોહમાં અંતર હોય છે. પ્રેમ પરિપક્વ અને નિખાલસ હોવો જોઈએ. જ્યાં સ્વાર્થ વગરનો સેતુ રચાય એ પ્રેમ.
જાણીતા ચિંતક ગુણવંત શાહ કહે છે કે જીવનના સૌથી મધુર ૧૦ શબ્દોની યાદી બનાવવામાં આવે તો ‘પ્રેમ’ શબ્દ મોખરે મૂકવો પડે.
આજના યુવાનો આકર્ષણને પ્રેમ સમજી બેસે છે અને એથી જ ગરબડ થઈ જાય છે.
શારીરિક આકર્ષણ એ પ્રેમ નથી; એ ક્ષણિક આવેશ છે, આવેગ છે, જે સંતોષાતાં બધું જ ખતમ થઈ જાય છે. આજકાલ હિન્દુ યુવતીઓને પ્રેમના નામે ફસાવવામાં આવે છે, જેને આપણે ‘લવ જેહાદ’ કહીએ છીએ. ફૂલફટાક, બાઇક પર સવાર થઈને હિન્દુ યુવતીઓને ફસાવતા એ વિધર્મીઓથી બચવાનું છે. શારીરિક આકર્ષણથી પ્રેરાઈને ભોળવાઈ જવાનું નથી. જો ગાંડપણથી પ્રેરાઈને કોઈ અયોગ્ય પગલું ભરી બેઠાં તો આખી જિંદગી પસ્તાવા સિવાય બીજું કંઈ હાથમાં આવવાનું નથી. એટલે જ પ્રેમના રૂપાળા આવરણ નીચે શું છુપાયેલું છે એની ખાતરી થયા પછી જ યુવતીઓએ આગળ વધવું જોઈએ નહીંતર જિંદગીમાં તબાહી માટે તૈયાર રહેવાનું. કવિ તુષાર શુક્લ કહે છે, ‘એમ પૂછીને થાય નહીં પ્રેમ.’ પ્રેમ તો થઈ જાય છે. બધી વ્યાખ્યાઓ સાચી હતી પણ સમયના પરિવર્તન સાથે બધું જ બદલાયું છે. શા માટે હાથે કરીને પોતાની જિંદગીને દોજખ બનાવવી? પ્રેમના પંથે આગળ વધતાં પહેલાં પ્રેમીને - પોતાના પ્રેમને ૧૦૦ ટકા નાણી લેવો જોઈએ. તેનાં ઘર-પરિવાર બધું જ જોઈ લેવાનું અને હા, આ સલાહ ફક્ત યુવતીઓ માટે જ નથી. આ સલાહ યુવકોને પણ લાગુ પડે છે. કારણ કે કેટલીક યુવતીઓ યુવકના પૈસા જોઈને તેના પ્રેમમાં પડવાનું નાટક કરે છે એથી યુવકે પણ યુવતી વિશે બધું જાણી લેવું જરૂરી છે. બન્ને પક્ષે પોતાના પરિવારોને પણ મેળવી દેવા જરૂરી છે જેથી પછીથી કોઈ પ્રૉબ્લેમ ન ઉદ્ભવે. તમે કહેશો કે પ્રેમમાં આટલી તકેદારી રાખીએ તો એ પ્રેમ થોડો કહેવાય?
હા, વાત સાચી છે. આપણી જિંદગી પણ આપણા માટે કીમતી છે એથી ક્યાંક પ્રેમની આપવડાઈ કરવા જતાં જિંદગી જોખમમાં ન મુકાઈ જાય એ પણ જોવું જરૂરી છે.
અંતે કહીશ કે પ્રેમ તો ઈશ્વર તરફથી મળેલું વરદાન છે. આ વરદાન આપ સૌને પ્રાપ્ત થાઓ અને સાથે-સાથે એમ પણ કહીશ કે ચેતતો નર (નારી પણ) સદા સુખી.
-નીલા સંઘવી (નીલા સંઘવી જાણીતાં લેખિકા છે અને દર મહિને પ્રગટ થતા ‘કપોળ સમાજ દર્પણ’ સામયિકનાં તંત્રી છે)