ધર્મધ્યાન કરું તો પણ સેક્સના વિચારો આવ્યા કરે છે, શું કરું હવે?

08 September, 2021 06:00 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

સાહેબ, મને કંઈ આખો દિવસ સંભોગના વિચારો આવે છે એવું નથી. વીકમાં એકાદવાર મને સંભોગનું મન થઈ જાય છે. અંદરખાને પાપ કર્યાની લાગણી થયા કરે છે.

પ્રતીકાત્મક તસવીર

મને ૬૫ વર્ષ થયાં છે. દસેક વર્ષથી મારી પત્ની એકદમ ધાર્મિક થઈ ગઈ છે. સેક્સની વાત તો દૂર હું જેવો એને પ્રેમથી ટચ કરું કે તરત એ સાધ્વી બનીને મને ઉપદેશ આપવા માંડે અને મહિને માંડ એકાદવાર સેક્સ માટે તૈયાર થાય. સાચું કહું તો, તેને જ્યારે ઇચ્છા થાય, મન થાય ત્યારે તે સાથ આપે, બાકીના સમયમાં મારે તેના મોટાં-મોટાં લેક્ચર સાંભળવાની તૈયારી રાખવી પડે. એના લેક્ચરથી કોઈ-કોઈવાર મને ડિપ્રેશન જેવું લાગતું એટલે ફાઇનલી મેં હસ્તમૈથુનમાં સુખ માની લીધું, પણ એકાદવાર રાતે તેને એની ખબર પડી તો તેણે ફરી પાછું લેક્ચર ચાલુ કરી દીધું છે. કહે છે કે આ ઉંમર હવે ભગવાનનું નામ લેવાની છે. સાહેબ, મને કંઈ આખો દિવસ સંભોગના વિચારો આવે છે એવું નથી. વીકમાં એકાદવાર મને સંભોગનું મન થઈ જાય છે. અંદરખાને પાપ કર્યાની લાગણી થયા કરે છે.
કલ્યાણના રહેવાસી

એક વાત યાદ રાખજો, ઈશ્વર અને સંભોગની ભાવનાને ક્યાંય કોઈ સીધો સંબંધ નથી એટલે ક્યારેય એવું માનવું નહીં કે ભગવાનનું નામ વધુ લેવાથી સેક્સની ઇચ્છા ન થાય. સેક્સની ઈચ્છા કુદરતી છે અને એ ન થાય તો ચિંતા થવી જોઈએ. હા, જે સમયે મનમાં સંભોગના વિચારો આવે એ સમયે ધ્યાન બીજી દિશામાં વાળવાથી એ વિચારો ટળી શકે પણ પછી ફરી એ જાગે ખરા. ભગવાનનું નામ લેવા છતાં તમને કામુક વિચારો આવે છે એ માટે પાપની લાગણી અનુભવવાની જરૂર નથી. જો એવું કરશો તો એક તબક્કે એવું બનશે કે તમને ડિપ્રેશનની તકલીફ નડશે અને એની માટે તમારે સારવાર લેવી પડશે.
માનવસહજ સ્વભાવ છે કે જેની ના પાડવામાં આવે એ વાત વધારે ને વધારે મગજમાં રહ્યા કરે અને એવો તબક્કો પણ આવે કે એ આંખ સામે જ તરવર્યા કરે. એટલે જો સમાગમની ઇચ્છા મનમાં રાખીને ભગવાનનું નામ લેશો તો કોઈ ફાયદો નહીં થાય. બહેતર છે કે કોઈ જડ આગ્રહ નહીં રાખીને સહજતા જાળવો. મન થાય તો હસ્તમૈથુન કરી લો. એનાથી ભગવાનનું નામ લેવામાં ફોકસ વધશે.

sex and relationships columnists