અન્ય સ્ત્રી તરફ ખેંચાણ રહે છે, મન ચલિત થતું કેમ અટકાવવું?

20 April, 2022 08:30 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

આ બધાને કારણે ધર્મનું કામ કરવાનું હોય ત્યારે મને ખૂબ પશ્ચાત્તાપ થાય છે. મારે પરસ્ત્રીથી મનને ચલિત થતું અટકાવવું છે. મેં સાંભળ્યું છે કે હૉર્મોન્સનાં ઇન્જેક્શન લેવાથી આપમેળે મનની ચંચળતા બંધ થઈ જાય છે.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૫૮ વર્ષની છે. પત્ની સેક્સલાઇફમાં ઓછો સાથ આપે છે. કહેતા થોડોક સંકોચ થાય છે, પણ હું યુવાન છોકરીઓની કલ્પનામાં રાચ્યા કરું છું. મૉડલોનાં પોસ્ટર્સ જોઈને ક્યારેક હસ્તમૈથુન પણ કરી લઉં. આ બધાને કારણે ધર્મનું કામ કરવાનું હોય ત્યારે મને ખૂબ પશ્ચાત્તાપ થાય છે. મારે પરસ્ત્રીથી મનને ચલિત થતું અટકાવવું છે. મેં સાંભળ્યું છે કે હૉર્મોન્સનાં ઇન્જેક્શન લેવાથી આપમેળે મનની ચંચળતા બંધ થઈ જાય છે. મારી પત્ની ભલે મોળો સાથ આપે, પણ જ્યારે કહું ત્યારે કદી ના પાડતી નથી એટલે જ બીજાની કલ્પના કરું છું ત્યારે મને પોતાને ઠીક નથી લાગતું. એ વિચારો મને પાપ લાગે છે. આવા સેક્સી વિચારો નહોતા આવતા, પણ હમણાંથી ફ્રીક્વન્સી વધી ગઈ છે. 
ભાઇંદર

જેમ કામેચ્છા પરાણે પેદા ન કરાય એમ પરાણે દબાવવાની કોશિશ કરવી પણ વ્યર્થ છે. તમે જેટલું વધુ અટેન્શન તમારી કામેચ્છાને દબાવવા પર આપશો એટલું વધુ મન ચંચળ બનશે. સ્ત્રીની સુંદરતા હોય કે મનના આવેગો, બન્નેને સહજભાવે જોશો તો મન સ્પ્રિંગની જેમ ઓછું ઊછળશે. દવાઓ કે ઇન્જેક્શનો થકી આવેગોને કાબૂમાં લેવાની વાત સાથે હું સહમત નહીં થાઉં. શરીરમાં અકુદરતી હૉર્મોન્સ પેદા કરવાથી બીજી અનેક આડઅસરોનો ભોગ બનવું પડતું હોય છે.
ક્યારેક માનસિક અશાંતિને કારણે પણ વિચારોની ચંચળતા વધી જતી હોય છે. તામસિક આહાર, વિચારવાયુ અને માનસિક સ્ટ્રેસને કારણે પણ આવું થતું હોઈ શકે. એ માટે તમે તામસી ખોરાક ખાવાનું ઓછું કરો તો એ તમારા હિતમાં રહેશે, પણ સાથોસાથ એ પણ કહેવાનું ચોક્કસ મન થાય કે જીવનમાં અટકાવેલા કે મનમાં ધરબી દીધેલા વિચારો એકસાથે બહાર આવે ત્યારે એ વિકરાળ બનતા હોય છે એટલે એને કાયમી નાશની દિશામાં લઈ જાઓ એ બહુ જરૂરી છે, જેની માટે દિવસમાં બે વાર પાંચ-દસ મિનિટ માટે પ્રાણાયામ કરશો તો રાહત રહેશે.
જો તમે પ્રયત્નપૂર્વક એ વિચારોથી દૂર રહેવા માગતા હો તો મેડિટેશન પણ તમને ઉપયોગી બની શકે છે માટે એ દિશામાં પણ તમારે ગંભીરતા સાથે વિચારવું જોઈએ.

sex and relationships columnists