ત્રણ વાર બ્રેકઅપ અને પૅચઅપ થયાં છે, હવે શું?

17 June, 2022 01:06 PM IST  |  Mumbai | Sejal Patel

બધા કહે છે કે તારું તો આ રોજનું થયું. આ વખતે પૅચઅપ માટે પણ મિત્રોની મદદ માગું છું તોય કોઈ તૈયાર નથી. ગર્લફ્રેન્ડ આ વખતે જબરી રિસાઈ છે એટલે તે માની જાય એવી સંભાવના બહુ ઓછી છે. 

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

 હું ૨૧ વર્ષનો છું. અત્યારે બધા મારી બહુ મજાક ઉડાવી રહ્યા છે. બે વર્ષથી હું એક રિલેશનશિપમાં હતો. હાલમાં બ્રેકઅપ થયું છે. જોકે આ સંબંધમાં લગભગ ત્રણ વાર બ્રેકઅપ થયેલું અને પછીથી પૅચઅપ પણ થઈ ગયું. મારા ફ્રેન્ડસર્કલમાં આ વાતની મજાક બની છે. હું મારા જીવનને ખુલ્લી કિતાબની જેમ દોસ્તોમાં શૅર કરતો આવ્યો છું અને એને જ કારણે અત્યારે મારી મજાક બની છે. પહેલાં બ્રેકઅપ થતું ત્યારે ફેસબુક પર મારું સ્ટેટસ અપડેટ કરતો ને પૅચઅપ થતું ત્યારે પણ. પહેલાં બે વાર જ્યારે બ્રેકઅપ થયું ત્યારે ફ્રેન્ડ્સે બહુ કમ્પેશનેટ રીઍક્શન આપ્યું હતું, પણ આ વખતે તેઓ મજાક ઉડાવે છે. બધા કહે છે કે તારું તો આ રોજનું થયું. આ વખતે પૅચઅપ માટે પણ મિત્રોની મદદ માગું છું તોય કોઈ તૈયાર નથી. ગર્લફ્રેન્ડ આ વખતે જબરી રિસાઈ છે એટલે તે માની જાય એવી સંભાવના બહુ ઓછી છે. 

કદાચ મારા શબ્દો તમને નહીં ગમે પણ તમે હાથે કરીને પેટ ચોળીને ઊભું કરેલું આ શૂળ છે. આજકાલ યંગસ્ટર્સ ખુલ્લી કિતાબના નામે પોતાના જીવનની દરેક વાતને સોશ્યલ મીડિયા પર જાહેર કરતા ફરે છે. ક્યારેક તમે જીવનના સારા પ્રસંગોને શૅર કરો એ ઠીક છે, પણ જ્યારે તમે પોતે શ્યૉર ન હોય એવી માઠી ઘટનાઓ ઘટે ત્યારે પણ માઇક લઈને સોશ્યલ મીડિયા ગજવવું ન જોઈએ. ખાસ કરીને સંબંધોની વાતમાં. 

કદાચ અત્યારે તમે જે સ્થિતિમાં છો એ તમને જીવનનો નક્કર પાઠ ભણાવી શકે છે. ગર્લફ્રેન્ડ રીસાવા-મનાવવાની ઘટનાઓ દરેકના જીવનમાં બનતી જ હોય છે, પણ તમે એને દોસ્તોમાં ચર્ચાનો વિષય બનાવી દીધો છે. એ જ તકલીફ છે. જીવનના કેટલાક ઇશ્યુઝમાં જો મિત્રની મદદ જોઈતી હોય તો એ માટે મિત્રની પસંદગી કરતાં શીખવું જોઈએ. સોશ્યલ મીડિયામાં તમને જેટલા લોકો ફોલો કરે છે એ બધા જ કંઈ તમારા સુખદુખના ખરા સાથી હોય એ જરૂરી નથી. હવેથી ગાંઠ બાંધો કે અંગત જીવનની બાબતોને સમજીવિચારીને સોશ્યલ મીડિયામાં શૅર કરશો. 
અને હા, આવું કહેવાનો મતલબ એ જરાય નથી કે જીવનની દુખદ ઘટનાઓ માટે મનમાં જ સોરવાયા કરવું. અત્યારની સ્થિતિમાં ગર્લફ્રેન્ડ સાથે પૅચઅપ કરવાની ઇચ્છા હોય તો તમારે જ પહેલ કરવી જોઈએ.

columnists sejal patel