બબ્બે યુવકોએ રિજેક્ટ કરતાં હતાશા આવી છે

22 April, 2022 08:01 PM IST  |  Mumbai | Sejal Patel

છ મહિનામાં મારું વજન વધી ગયું છે. ઘરમાં ભાભી સાથે પણ રોજ માથાઝીક થવા લાગી છે. ડિપ્રેશન પીછો નથી છોડતું. હવે તો મારું બૉડી પણ ખૂબ વધી ગયું છે. મને કોણ પસંદ કરશે, હું શું કરીશ અને ક્યાં જઈશ એ મને જ સમજાતું નથી. 

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં જ ભણી અને મોટી થઈ. ત્યાં કૉલેજમાં મને પ્રેમ થઈ ગયેલો, પણ એ એકપક્ષી હતો. નોકરી માટે મુંબઈ આવવાનું થયું અને અહીં ફરી મને ઑફિસના એક યુવક સાથે પ્રેમ થઈ ગયો. હું તેને ખૂબ પ્રેમ કરતી હતી, પણ તેની સાથે કેમેય વાત ન બની. તે મારી સાથે બહુ જ સરસ રીતે વાતચીત કરતો હતો અને હળતામળતો હતો, પણ જ્યારે મેં તેને પ્રપોઝ કર્યું ત્યારે તેણે ઘટસ્ફોટ કરતાં કહ્યું કે તેને તો ઑલરેડી બીજી ગર્લફ્રેન્ડ છે અને ટૂંક સમયમાં જ તેનાં લગ્ન થવાનાં છે. બીજી વારની નિષ્ફળતા બાદ મને બહુ ખરાબ લાગ્યું. નોકરી છોડી દીધી જેથી તેનો સામનો ન કરવો પડે. મોટા ભાઈની ઓળખાણથી બીજે કામે તો લાગી છું, પણ મગજ ક્યાંય લાગતું નથી. રોજ કામમાં કંઈક ને કંઈક છબરડા વળ્યા કરે છે. છ મહિનામાં મારું વજન વધી ગયું છે. ઘરમાં ભાભી સાથે પણ રોજ માથાઝીક થવા લાગી છે. ડિપ્રેશન પીછો નથી છોડતું. હવે તો મારું બૉડી પણ ખૂબ વધી ગયું છે. મને કોણ પસંદ કરશે, હું શું કરીશ અને ક્યાં જઈશ એ મને જ સમજાતું નથી. 

તમે એવા વિષચક્રમાં ફસાયાં છો કે જો તમે સભાનતાથી બહાર નીકળવાનો પ્રયત્ન નહીં કરો તો એમાં કળણની જેમ ખૂંપ્યા કરશો. લાગણીની નેગેટિવ અસર તમારા સમગ્ર જીવન અને અસ્તિત્વ પર પડી રહી છે. જીવનમાં જ્યારે બધું જ અવળું પડતું હોય એવું લાગતું હોય ત્યારે નસીબને દોષ આપ્યા કરવા કરતાં જીવવાના અભિગમમાં જ ફેરફાર કરવો જરૂરી છે. મને જરા કહો તો તમને બે વાર નિષ્ફળતા ક્યાં મળી છે? ઇન ફૅક્ટ તમને હજી પ્રેમ થયો જ નથી. તમે કોઈકને પ્રપોઝ કરો અને તે ઑલરેડી કોઈકના પ્રેમમાં હોય તો એ તમારી નિષ્ફળતા નથી. આવી ઘટનાઓ માત્ર તમારા જીવનમાં જ નહીં, ઘણા લોકોના જીવનમાં બનતી હોય છે. 
સૌથી પહેલાં તો એક્સરસાઇઝ કરવાનું શરૂ કરો. યોગાસન કે એરોબિક ક્લાસિસ જોઇન કરો. ફિઝિકલ એક્ટિવિટી વધશે એટલે એની તન અને મન બન્ને પર અસર પડશે. વજન ઊતરશે, સ્ફૂર્તિ ફીલ થશે અને માનસિક સ્વસ્થતા વધશે. એકલા બેઠાં-બેઠાં જૂની વાતો વાગોળવાને બદલે ઑફિસમાં અને ઘરમાં લોકોની સાથે હળીમળીને રહો. ઑફિસ અને ઘરના કામ માટે ડિસિપ્લિન બનાવો જેથી નવરા બેસવાનો સમય જ ન આવે.

sejal patel sex and relationships columnists