દીકરો દસમામાં છે એનું વાઇફને બહુ ટેન્શન થઈ ગયું છે

21 May, 2021 02:40 PM IST  |  Mumbai | Sejal Patel

મારી વાઇફ ભણેલી છે એટલે અત્યાર સુધી તે દીકરાને ભણાવતી હતી અને અમે કદી ટ્યુશન્સ રાખતા નહોતા.

GMD Logo

અમારે એક દીકરો છે અને ભણવામાં ખૂબ જ બ્રાઇટ. પત્ની દીકરાના સ્ટડી માટે પહેલેથી જ બહુ ચિંતિત રહેતી હતી, પણ છેલ્લા દોઢ વર્ષમાં વાત ખૂબ વણસી ગઈ છે. કોરોના આવ્યું ત્યારે દીકરો નવમા ધોરણમાં ભણતો હતો. આખું વર્ષ ઑનલાઇન સ્ટડીમાં ગયું અને હવે તે દસમા ધોરણમાં છે. ઑનલાઇન સ્ટડી પછી દીકરો ભણવા બાબતે થોડોક ઢીલો થઈ ગયો છે. એ જોઈને મારી વાઇફનું બીપી વધી ગયું છે. ઇન ફૅક્ટ, મારા દીકરાનું સ્ટ્રેસ લેવલ પણ વધી ગયું છે અને એને ઠંડો પાડવાને બદલે મારી વાઇફ બળતામાં ઘી હોમ્યા કરે છે. મારી વાઇફ ભણેલી છે એટલે અત્યાર સુધી તે દીકરાને ભણાવતી હતી અને અમે કદી ટ્યુશન્સ રાખતા નહોતા. અત્યારે તો તેનું મગજ એટલું ખરાબ રહે છે કે ઘરમાં સતત સ્ટ્રેસ રહે છે. દીકરા અને માનું ટેન્શન હું સમજું છું, પણ તેમને કઈ રીતે ટેકલ કરવા એ સમજાતું નથી.

 અત્યારે ચિંતા, તણાવ, આગળ શું થશે એની અનિશ્ચિતતા વચ્ચે ભલભલા લોકોનું માનસિક સ્વાસ્થ્ય ડગમગી ગયું છે. તમારે પર્સનલ ઇમોશન્સ અને ટેન્શન્સને બાજુએ મૂકીને દીકરા-વાઇફની મેન્ટલ હેલ્થની પણ ચિંતા કરવાની છે. થોડુંક અઘરું છે પણ આ સંજોગોમાં એક વાત આપણે સહુએ સમજવા જેવી છે કે જે અનિશ્ચિતતાઓ છે એ આખા વિશ્વમાં છે. નોકરિયાત હોય કે ધંધાદારી, સ્ટુડન્ટ હોય કે પ્રોફેસર, ગૃહિણી હોય કે પ્રોફેશનલ, દરેક વ્યક્તિના જીવનમાં અસલામતી છે. માન્યું કે દસમા ધોરણનું એજ્યુકેશન બહુ મહત્ત્વનું છે, પણ લોકોના જીવન કરતાં વધુ નહીં. સૌથી પહેલાં તો તમારાં વાઇફને સમજાવવીને સ્વસ્થ કરવાની જરૂર છે. તેનો અભિગમ પૉઝિટિવ હશે તો દીકરાનું સ્ટ્રેસ ઘટશે. વાઇફને લઈને પહેલાં કોઈ સાઇકોલૉજિકલ કાઉન્સેલરને મળો. 
ગયા વર્ષે લાખો બાળકો દસમામાં હતા,  આ વર્ષે બીજાં લાખો બાળકો દસમામાં આવ્યા છે. જે સહુનું થશે એ તમારું થશે એટલી સ્થિરતા કેળવાય એ જરૂરી છે. બાકી તો આપણે સહુ જાણીએ છીએ કે સ્ટ્રેસથી ખરાબ નહીં થતું હોય તોય થશે અને સ્ટ્રેસફ્રી રહીને આજે જે સ્થિતિ છે એને સ્વીકારી લેશો તો ઝંઝાવાત જેવા સંજોગોમાંથી આરામથી નીકળી જવાશે.

sejal patel sex and relationships columnists