બૉયફ્રેન્ડ ભાગી જવાનું કહે છે, પણ મન ખટકે છે

01 July, 2022 09:34 PM IST  |  Mumbai | Sejal Patel

સાત મહિના થયાં અમારી રિલેશનશિપને અને હવે તેની ઑફિસમાંથી ટ્રાન્સફર થઈ રહી છે. અમારે જુદા નથી જ થવું અને જો તે બીજા શહેરમાં શિફ્ટ થઈ જશે તો મળવાનું ઘટી જશે. તે તો તરત જ લગ્ન કરી લેવા તૈયાર છે, પણ મારી ફૅમિલીમાંથી એની પરવાનગી નહીં મળે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

કૉલેજના સેકન્ડ યરમાં ભણું છું અને બૉયફ્રેન્ડ મારાથી છ વર્ષ મોટો છે. તેની સાથે મારો ઇન્ટ્રો પણ કૉલેજની બહારના ફૂડ સ્ટૉલ પર થયો હતો. તે મુંબઈમાં એકલો રહેતો હોવાથી અવારનવાર એ સ્ટૉલ પર મળવાનું થતું. ત્યાં દોસ્તી થઈ અને પછી તો હું ટિફિન લઈ જતી અને અમે બન્ને સાથે જમતાં. સાત મહિના થયાં અમારી રિલેશનશિપને અને હવે તેની ઑફિસમાંથી ટ્રાન્સફર થઈ રહી છે. અમારે જુદા નથી જ થવું અને જો તે બીજા શહેરમાં શિફ્ટ થઈ જશે તો મળવાનું ઘટી જશે. તે તો તરત જ લગ્ન કરી લેવા તૈયાર છે, પણ મારી ફૅમિલીમાંથી એની પરવાનગી નહીં મળે. હું ડિસ્ટર્બ રહેતી હોવાથી તેણે ભાગીને લગ્ન કરી લેવાનો ઑપ્શન આપ્યો છે અને તેની નવી ઑફિસની જગ્યાએ સેટલ થઈ જઈશું અને ત્યાં જ મારું ભણવાનું પૂરું કરીશું એવું વિચારીએ છીએ. ત્યાંની કૉલેજમાં તપાસ શરૂ કરી દીધી છે. પણ કહ્યા વિના જતા રહેવું મને ખટકે છે.

તમારી ઉંમરે દિલ કંઈક કહે અને દિમાગ બીજું કંઈક કહેતું હોય ત્યારે પોતાની જાતે નિર્ણય લેવાને બદલે તમારા માટે જે ગાર્ડિયન જેવા ગણાતા હોય એવા કોઈ વ્યક્તિની વાત સાંભળવી જોઈએ. તમે કૉલેજના સેકન્ડ યરમાં છો એટલે ૧૯-૨૦ વર્ષની ઉંમર હશે. સાત મહિનાની દોસ્તી માટે તમે તમને વીસ વર્ષનાં કર્યાં એ માબાપથી છૂપું પગલું લેવાનું વિચારો છો. શું આ વાત તમને ઠીક લાગે છે? પેરન્ટ્સ ના પાડશે એવી બીકે તેમને પૂછ્યા વિના જ મનમાની કરી લેવી એ નરી બાલિશતા છે, એમાં જરાય પરિપક્વતા નથી. 
બીજા શહેરમાં પેલો યુવક હશે તો મળી નહીં શકાય, પણ દોસ્તી નહીં રાખી શકાય એવું જરાય નથી. નવું-નવું આકર્ષણ થયું હોય ત્યારે વિરહની કલ્પના તમને બાવરા બનાવી દે એ સ્વાભાવિક છે, પણ જો એ સાચો પ્રેમ હોય તો તમે રાહ જોતાં શીખશો. કેમ કે પ્રેમ ધીરજ રાખી શકે છે, બેબાકળા બનીને આંધળુકિયા કરવા પ્રેરે એ પ્રેમ નથી. તમારે હજી તમારા જીવનની બાગડોર પોતાના હાથમાં લેતાં શીખવાની છે. તમે પગભર થાઓ એ પહેલાં જ જીવનની દોર બીજી વ્યક્તિના હાથમાં સોંપી દેવાની જરૂર નથી. આર્થિક પગભરતા કેળવો ત્યારે એ તમને જીવનમાં અનેક રીતે પરિપક્વ બનાવવાનું કામ કરે છે. આ મૅચ્યોરિટી જીવન જીવવા માટે બહુ જરૂરી છે. 

columnists sejal patel sex and relationships