હું મારા બાળકોને સેક્સની કૉલમ વાંચવા દઉં કે નહીં?

08 June, 2021 03:27 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

જ્ઞાન નહીં પણ કોઈ પણ વિષયનું અજ્ઞાન નુકસાનકર્તા બની શકે, વાજબી રીતે મેળવેલું જ્ઞાન હંમેશાં લાભદાયી હોય પછી એ સેક્સનો વિષય કે પાકશાસ્ત્રનો હોય

પ્રતીકાત્મક તસવીર

મને આ પ્રકારની કૉલમ વાંચવી બહુ ગમે છે, પણ એ વાંચ્યા પછી મને એવું થયા કરે કે આવું ન વાંચવું જોઈએ અને વિચાર આવે કે શું આ પ્રકારની સેક્સની કૉલમ વ્યક્તિ કે સમાજને નુકસાનકારક બની શકે. આ કારણે હું મારા બાળકોથી પણ આવી કૉલમ દૂર રાખું છું. શું કરવું જોઈએ?

બોરીવલીના રહેવાસી

બિલકુલ નહીં. આવો ડર મનમાંથી કાઢી નાખો અને એક વાત યાદ રાખો, જ્ઞાન નહીં પણ કોઈ પણ વિષયનું અજ્ઞાન નુકસાનકર્તા બની શકે, વાજબી રીતે મેળવેલું જ્ઞાન હંમેશાં લાભદાયી હોય પછી એ સેક્સનો વિષય કે પાકશાસ્ત્રનો હોય. બાળક માગે એ માહિતી તેને સાચેસાચી, સરળ અને પ્રેમાળ રીતે આપવી જોઈએ. માબાપનો ઉત્તર કોઈ વાર બાળકની સમજશક્તિની બહાર હોઈ શકે, પણ એમાં કશું નુકસાન નહીં થાય. પણ માબાપનો બાળકને જવાબ આપવાનો જે અભિગમ છે એનાથી ભવિષ્યમાં બાળક માટે વધુ ચર્ચા કરવાનો રસ્તો ખૂલશે.

એવો પણ એક વહેમ છે કે જાતીય શિક્ષણ આપવાથી વ્યક્તિની કામેચ્છા વધુ પ્રબળ બને છે. ખોટો વહેમ છે આ, ઊલટું યોગ્ય અને સાચું શિક્ષણ મેળવવાથી વ્યક્તિની જિજ્ઞાસા સંતોષાય છે. જાતીય શિક્ષણ સમાજને વધુ સમજદારી આપે છે. એટલું જ નહીં, સેક્સને સાચી દિશા આપવામાં પણ હેલ્પફુલ બને છે. તો જે સ્ત્રી-પુરુષોની કામેચ્છા વિકૃત સ્તર પર હોય એને પારખવામાં પણ હેલ્પફુલ બને છે. જો યોગ્ય જાતીય શિક્ષણ આપવામાં આવે તો અનિચ્છનીય ગર્ભાવસ્થા, ગુપ્તરોગો, બાળકોની અને સ્ત્રીઓની જાતીય છેડછાડના કિસ્સામાં ધરખમ ઘટાડો થઈ શકે. આ પ્રકારની કૉલમ અનિવાર્ય છે કારણ કે એ સેક્સ પ્રત્યેની સૂગને દૂર કરવાનું કામ બેસ્ટ રીતે કરતી હોય છે. સેક્સ માટે આજે પણ આપણે ત્યાં છોછ રાખવામાં આવે છે. મા દીકરીને અને બાપ દીકરાને એના વિશે એક શબ્દ પણ કહેવા રાજી નથી ત્યારે એ જવાબદારી આ પ્રકારની કૉલમ નિભાવે છે. સેક્સ એજ્યુકેશનથી દૂર રહેવું નહીં અને એનાથી કોઈને દૂર રાખવા પણ નહીં. હું તો કહીશ, તમારી મેઇડ જો અભણ હોય તો આ કૉલમ એને વાંચીને સંભળાવીને દેશ પર ઉપકાર કરજો.

columnists sex and relationships