મારી આઠ વર્ષની દીકરીને શિસ્ત શીખવવા શું કરવું?

26 March, 2021 09:00 PM IST  |  Mumbai | Sejal Patel

મારી આઠ વર્ષની દીકરીમાં ડિસિપ્લિનનો જબરો અભાવ છે. બહુ ધૂની અને મૂડી છે. ક્યારેક મન હોય તો બધી જ ચીજો બરાબર કરશે, પણ આ મૂડ ભાગ્યે જ હોય.

પ્રતીકાત્મક તસવીર

મારી આઠ વર્ષની દીકરીમાં ડિસિપ્લિનનો જબરો અભાવ છે. બહુ ધૂની અને મૂડી છે. ક્યારેક મન હોય તો બધી જ ચીજો બરાબર કરશે, પણ આ મૂડ ભાગ્યે જ હોય. કલાકો સુધી ચીકણી માટીના લૂઆ સાથે રમ્યા જ કરે, પણ તેને ભણવાનું યાદ ન આવે. બે વર્ષથી દીકરી માટે થઈને મેં નોકરી છોડી છે અને પૂરું ધ્યાન તેના પર આપું છું, પરંતુ હવે તેને ડિસિપ્લિનમાં લાવવાનું અઘરું થઈ ગયું છે. એમાંય હમણાં ઘરે જ સ્ટડી થતો હોવાથી ભણવાનો સમય, રમવાનો સમય અને કંઈક ક્રીએટિવ કરવાનો સમય એમ કશું જ શેડ્યુલ નથી રહેતું. હું કડક શિસ્ત થોપું છું તો વધારે બેફામ બને છે. શું મારો આગ્રહ ખોટો છે?

 તમારો આગ્રહ સાચો છે કે ખોટો એ નિર્ણય પર આવતાં પહેલાં જરાક આપણી શિસ્તબદ્ધતાની વ્યાખ્યા સ્પષ્ટ કરી લઈએ. બાળક સમયસર ખાઈ લે, સમયસર ભણી લે, સમયસર ઊંઘી જાય, સમયસર ઊઠી જાય, રૂમ વ્યવસ્થિત ગોઠવેલી રાખે, તેને જે કહો એ કરે એને જો તમે શિસ્ત કહેતા હો તો એવી શિસ્ત બાળક માટે બહુ જોખમી છે. આપણે બાળકની અંદરની સહજતાને ગોંધીને ઘડિયાળના કાંટે ચાલતો રોબો ન બનાવી દઈએ એ માટે સભાનતા જાળવવી જરૂરી છે.

રોબોની જેમ ઊછરેલું બાળક બીબાંઢાળ બની જાય. જો તેની અંદરની જીવંતતાને નિખારવી હોય તો તેને સમય અને શિસ્તમાં બાંધવાને બદલે મોકળાશ આપવી જોઈએ. મોકળાશ એટલે છૂટો દોર નહીં. તેને પોતાનો સમય મૅનેજ કરવાની મુક્તતા આપવી. તેના જીવનમાં ક્રમવાર ઍક્ટિવિટીઝ ગોઠવી દેવાને બદલે તેને પોતાને કેવી ઍક્ટિવિટી કરવી છે એ પસંદ કરવા દો અને પછી રોજ એ તમામ ઍક્ટિવિટીને તેની મેળે મૅનેજ કરવાની મોકળાશ આપો. દીકરી ઘડિયાળના કાંટે મશીનની જેમ બધું કરતી હોય તો કદાચ તમે સગાંઓમાં કૉલર ટાઇટ કરીને કહી શકશો કે મારી દીકરી તો બહુ કહ્યાગરી, પણ એ કહ્યાગરીની અંદરની ક્રીએટિવ સાઇડ એની અંદર જ ધરબાઈ જશે.

સંતાનોના માથે બેસીને તેણે શું કરવાનું છે એ ડિક્ટેટ કરતા રહીશું તો તેને આખી જિંદગી ડિક્ટેટરની જરૂર પડશે. કૂંપળને ખીલવા દેવી હોય તો તેને જવાબદાર બનાવીને મોકળાશ આપવી.

sex and relationships sejal patel columnists